તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
અમદાવાદના પગલે રાજકોટમાં પણ દિવાળી કાર્નિવલ પર કાતર ફરવાના એંધાણ!
વીજળીની કરકસર માટે કરોડોના ભપકાદાર જલસાને બ્રેક મારવા વિચારણા : મેયર પરત ફર્યા બાદ મંગળવારે આખરી નિર્ણયની શકયતા

રાજકોટ : રાજ્યમાં અપૂરતા વરસાદના કારણે વીજળીનો શિસ્તબદ્ધ અને કરકસરપૂર્વક ઉપયોગ કરવા પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે અમદાવાદના પગલે રાજકોટમાં પણ આ વર્ષે દિવાળી કાર્નિવલના કરોડો રૂપિયાના ભપકાદાર જલસાને બ્રેક લાગે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રેસકોર્સ રિંગ રોડ પર ચાર દિવસ સુધી યોજાતા દિવાળી કાર્નિવલ પાછળ દોઢથી બે કરોડ રૂપિયા જેટલો ખર્ચ થતો હોવા ઉપરાંત ઝળહળતી રોશનીમાં વીજળીનો મોટા પાયે વપરાશ અને ડીજેના ઘોંઘાટથી આસપાસના રહેવાસીઓને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગર પાલિકાના શાસકો પણ કાર્નિવલ રદ કરવાની દિશામાં ગંભીરતાથી વિચારણા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. જોકે દિવાળીની ઉજવણી સાવ બંધ કરવાને બદલે સાદાઈથી એકાદ-બે કાર્યક્રમ યોજવાનો વિકલ્પ પણ વિચારાધીન છે.
મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળીના તહેવારોમાં રેસકોર્સ રિંગ રોડ પર ચાર દિવસ સુધી ભવ્ય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર રિંગ રોડને રંગબેરંગી રોશનીથી ઝળહળતો કરવામાં આવે છે. વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમો, મનોરંજનના આયોજનો અને ડીજેના તાલે ચાર દિવસ સુધી જલસાનો માહોલ જામે છે. પરંતુ આ ભવ્ય આયોજન પાછળ મહાપાલિકાની તિજોરીમાંથી અંદાજે દોઢથી બે કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચાતી હોય છે. એટલું જ નહીં, ચાર દિવસ સુધી રોશની અને અન્ય વ્યવસ્થાઓમાં મોટા પ્રમાણમાં વીજળીનો વપરાશ પણ થાય છે.
દરમિયાન અમદાવાદ મહાનગર પાલિકાએ દિવાળી કાર્નિવલ અંગે લીધેલા નિર્ણયના પગલે મહાનગર પાલિકાના શાસકો પણ એ જ માર્ગે આગળ વધે તેવી શકયતા ઊભી થઈ છે. વીજળીની કરકસર, જાહેર નાણાંની બચત અને બિનજરૂરી ભપકો ટાળવાના હેતુથી આ વર્ષે ચાર દિવસનો ભવ્ય દિવાળી કાર્નિવલ રદ કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.
જો કે રાજકોટમાં દિવાળીના તહેવારની ઉજવણી સંપૂર્ણપણે બંધ કરવાને બદલે સાદગીપૂર્ણ રીતે એકાદ-બે સાંસ્કળતિક કે અન્ય કાર્યક્રમો યોજવાનો વિકલ્પ પણ વિચારાઈ રહ્યો છે. તેમાં લાખો રૂપિયાની રોશની, ડીજેના ધમધમાટ અને અન્ય ખર્ચાળ વ્યવસ્થાઓને બદલે મર્યાદિત ખર્ચે તહેવારની ઉજવણી કરવામાં આવે તેવી શકયતા છે.
હાલ રાજકોટના મેયર કેન્દ્ર સરકારની મેયર કોન્ફરન્સમાં ભાગ લેવા ગયા છે. તેઓ પરત ફર્યા બાદ આ મુદ્દે શાસક પક્ષના પદાધિકારીઓ સાથે ચર્ચા કરીને આખરી નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. આગામી મંગળવારે દિવાળી કાર્નિવલ રદ કરવા કે મર્યાદિત કાર્યક્રમો યોજવા અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
(3:28 PM IST)










