<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

બિલિમોરા–અમલસાડ રેલ સેક્શન પર બ્રિજના નવીનીકરણની કામગીરીને પગલે ૨૩ જૂનના રોજ પોરબંદરથી ઊપડનારી બે મહત્વની એક્સપ્રેસ ટ્રેનો રિશેડ્યુલ કરાઈ

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ ટ્રેનોના સમયમાં ફેરફાર અંગે આપી માહિતી : પોરબંદર–સિકંદરાબાદ અને પોરબંદર–દાદર એક્સપ્રેસ નિર્ધારિત સમય કરતાં મોડી દોડશે

રાજકોટ:પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન અંતર્ગત આવતા બિલિમોરા જંક્શન અને અમલસાડ રેલ સેક્શન વચ્ચે આવેલા બ્રિજ નંબર ૩૬૯ પર રેલવે પ્રશાસન દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ માળખાકીય સુધારણાનું કાર્ય હાથ ધરવામાં આવનાર છે. આ સેક્શન પર આવેલા પુલના જૂના થઈ ગયેલા સ્ટીલ ગર્ડરના સ્થાને અત્યાધુનિક પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ (PSC) સ્લેબ ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરવામાં આવશે. રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આધુનિકીકરણની કામગીરી પૂર્ણ થવાથી પુલની માળખાકીય મજબૂતી, ક્ષમતા અને ટ્રેનોની મુસાફરી દરમિયાન સુરક્ષામાં નોંધપાત્ર વધારો થશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, બ્રિજ નવીનીકરણની આ અનિવાર્ય અને જટિલ કામગીરીને આખરી ઓપ આપવા માટે આગામી ૨૩ અને ૨૪ જૂન, ૨૦૨૬ના રોજ વિશેષ રેલવે બ્લોક લેવામાં આવનાર છે. આ એન્જિનિયરિંગ બ્લોક લેવાના કારણે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી અને અહીંથી ઊપડતી કેટલીક મહત્વની લાંબા અંતરની ટ્રેનો રિશેડ્યુલ એટલે કે તેના નિયત સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
રેલવેના જનસંપર્ક કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ રિશેડ્યુલ કરાયેલી મુખ્ય ટ્રેનોની યાદી નીચે મુજબ છે:
૧) આગામી ૨૩ જૂન, ૨૦૨૬ ના રોજ પોરબંદર રેલવે સ્ટેશનથી પોતાના નિર્ધારિત સમયે ઊપડનારી ટ્રેન સંખ્યા ૨૦૯૬૮ પોરબંદર–સિકંદરાબાદ એક્સપ્રેસ આ બ્લોકના કારણે તેના નિયત સમય કરતાં ૨ કલાક જેટલી મોડી ઊપડશે.
૨) આ જ પ્રકારે ૨૩ જૂન, ૨૦૨૬ ના રોજ પોરબંદરથી મુંબઈ તરફ જવા ઊપડનારી ટ્રેન સંખ્યા ૧૯૦૧૬ પોરબંદર–દાદર એક્સપ્રેસ પણ રેલવે બ્લોકની અસરને પગલે તેના નિર્ધારિત સમય કરતાં ૧ કલાક અને ૩૦ મિનિટ જેટલી મોડી રવાના થશે.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના જનસંપર્ક કાર્યાલય દ્વારા તમામ મુસાફરોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, આ દિવસો દરમિયાન મુસાફરી કરનારા તમામ યાત્રિકોએ રેલવે સ્ટેશન તરફ પ્રસ્થાન કરતા પહેલા પોતાની સંબંધિત ટ્રેનની એકદમ અધ્યતન અને લાઈવ સ્થિતિ જાણી લેવી. મુસાફરો આ અંગેની સચોટ માહિતી રેલવેની સત્તાવાર વેબસાઈટ enquiry.indianrail.gov.in અથવા પોતાના મોબાઈલમાં NTES (નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ) એપ્લિકેશનના માધ્યમથી મેળવી શકે છે, જેથી રેલવે સ્ટેશન પર બિનજરૂરી હાલાકી કે વિલંબથી બચી શકાય.

(6:49 PM IST)