<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

ફુડ વિભાગ સતત ૩ દિ'એકશનમાં: રેસ્‍ટોરન્‍ટ-ફુડ હોકર્સ ઝોનમાંથી ૮૮૭ કિલો અખાદ્ય ચીજોનો નાશ

વિવિધ વિસ્‍તારના ર૧૭ રેસ્‍ટોરન્‍ટ, ફુડ યુનિટ અને હોકર્સ ઝોનની તપાસ સ્‍ટોરેજ અને હાઇજિનની ખામીઓ બદલ રૂ. ૧.૦૮ લાખની પેનલ્‍ટી વસૂલાઇ

રાજકોટ તા.૧૮: મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુકલ અને મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની કડક સૂચના બાદ આરોગ્‍ય વિભાગની ફુડ શાખા શહેરમાં ભેળસેળ અને અખાદ્ય ખાદ્ય પદાર્થો સામે સતત કાર્યવાહી કરી રહી છે. ફુડ વિભાગની ટીમે સતત ત્રીજા દિવસે પણ શહેરના વિવિધ વિસ્‍તારોમાં આવેલા રેસ્‍ટોરન્‍ટ, હોટલ, કાફે, ફુડ યુનિટ અને હોકર્સ ઝોનમાં સઘન ચેકિંગ હાથધરી ખાદ્ય સુરક્ષા નિયમોના પાલનની તપાસ કરતા ૮૮૭ કિલો અખાદ્ય અને વાસી ખાદ્ય સામગ્રીનો જથ્‍થો ઝડપી પાડવામાં આવ્‍યો હતો અને તેનો નાશ કરવામાં આવ્‍યો હતો.

ફૂડ વિભાગની ટીમે ૧૫૦ ફૂટ રિંગ રોડ, કસ્‍તુરબા રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, કોઠારીયા રોડ, રૈયાધાર મેઈન રોડ સહિતના વિસ્‍તારોમાં આવેલી વિવિધ જાણીતી ફૂડ ચેઈન, રેસ્‍ટોરન્‍ટ, હોટલ અને હોસ્‍પિટલ કેન્‍ટીનની તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન સ્‍ટોરેજ, સ્‍વચ્‍છતા, ખાદ્ય પદાર્થોના જથ્‍થાના સંરક્ષણ અને હાઈજિનિક કન્‍ડિશન અંગે વિશેષ તપાસ કરવામાં આવી હતી.

આ ઉપરાંત આકાશવાણી ચોક, યુનિવર્સિટી ગેટ, કુંડલીયા કોલેજ, જામ ટાવર, વિરાણી, પી.ડી. માલવિયા, કુવાડવા રોડથી ગ્રીનલેન્‍ડ ચોકડી, મેઘાણી રંગભૂવન, હેમુ ગઢવી હોલ, રેલનગર અને પારુલ બગીચા સહિતના હોકર્સ ઝોનમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્‍યું હતું.

કુલ ૨૧૭ ફૂડ એકમો, રેસ્‍ટોરન્‍ટ અને હોકર્સ ઝોનની તપાસ દરમિયાન ૮૮૭ કિલોગ્રામ જેટલો અખાદ્ય, વાસી અને માનવ આરોગ્‍ય માટે હાનિકારક ખાદ્ય જથ્‍થો મળી આવતા તેનો સ્‍થળ પર જ નાશ કરવામાં આવ્‍યો હતો. આરોગ્‍ય વિભાગના અધિકારીઓએ જણાવ્‍યું હતું કે આવા ખાદ્ય પદાર્થો ગ્રાહકોના સ્‍વાસ્‍થ્‍ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે.

તપાસ દરમિયાન ૬૨ પેઢીઓ અને ફૂડ એકમોમાં સ્‍ટોરેજ વ્‍યવસ્‍થાની ખામીઓ, ગંદકી, ખાદ્ય પદાર્થોના અયોગ્‍ય સંગ્રહ અને હાઈજિનિક કન્‍ડિશનના ભંગ બદલ નોટિસ ફટકારવામાં આવી હતી. ઉપરાંત નિયમોના ઉલ્લંઘન બદલ સંબંધિત એકમો પાસેથી કુલ રૂ. ૧,૦૮,૦૦૦ની પેનલ્‍ટી પણ વસૂલવામાં આવી હતી

(4:00 PM IST)