<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

શીરો ચીકણો, થેપલાં કાચાઃઆંગણવાડીઓમાં બાળકોને પીરસાતું ભોજન જ ‘કુપોષિત'! શાસક પક્ષના જ મહિલા સભ્‍યોએ ખોલી તંત્રની પોલ

બાળકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડાં કરવાનું બંધ કરોઃ મનપાની સામાન્‍ય સભામાં ફરી તંત્ર પર તુટી પડતા સભ્‍યોઃ અધિકારીઓ જવાબો દેવામાં ઉણા ઉતર્યા : અંજનાબેન મોરજરિયા, ધર્મિષ્ઠાબેન પરમાર અને દક્ષાબેન વાઘેલાએ કહ્યુંラઅમે આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લઈ નાસ્‍તા-ભોજનની ગુણવત્તા ચકાસી છેઃ ભારે તડાપીટ બાદ એજન્‍સીને નોટિસ ફટકાર્યાનો અધિકારીઓનો બચાવ : વોર્ડ નં. ૧૧માં માત્ર ત્રણ મહિનામાં પાણીની ૩,૭૪૫ ફરિયાદો : દોઢ વર્ષ પહેલાં ડીઆઈ પાઇપલાઇન નંખાયા છતાં અનેક વિસ્‍તારો સુધી પાણી ન પહોંચ્‍યાનો કોર્પોરેટર રક્ષિત કલોલાનો ધડાકો

સામાન્‍ય સભામાં શાંતિપૂર્ણ ચર્ચા શરૂઃ આજે મનપાની સામાન્‍ય સભાનો નેહલ શુકલના અધ્‍યક્ષસ્‍થાને શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો. જો કે થોડીવાર માટે વિપક્ષ કોંગ્રેસ અને ભાજપ કોર્પોરેટરો વચ્‍ચે તુ-તુ, મેં-મેં થયુ હતું. ઉપરોકત તસ્‍વીરમાં મેયર ડો.નેહલ શુકલ, ડે.મેયર દક્ષાબેન વસાણી, મ્‍યુ.કમિશનર તુષાર સુમેરા, સેક્રેટરી એચ.પી. રૂપારેલીયા તથા નીચેની તસ્‍વીરમાં ચુંટાયેલા નગરસેવકો દર્શાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા.૧૯ :રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત આંગણવાડીઓમાં નાનાં બાળકોને પીરસવામાં આવતા નાસ્‍તા અને ભોજનની ગુણવત્તા સામે ખુદ શાસક પક્ષ નાં ત્રણ મહિલા સભ્‍યોએ જનરલ બોર્ડમાં ગંભીર સવાલો ઊભા કરતાં ખળભળાટ મચી ગયો હતો. આંગણવાડીઓમાં પીરસાતો શીરો અત્‍યંત ચીકણો અને થેપલાં કાચાં હોવાનો આક્ષેપ કરતાં કોર્પોરેટરોએ અધિકારીઓને સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું હતું કે, બાળકો દેશનું આવતીકાલનું ભવિષ્‍ય છે અને તેમના સ્‍વાસ્‍થ્‍ય સાથે થતાં ચેડાં હવે કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે.

મ્‍યુનિ. કોપોરેશનની એકમહિને જાગતી સામાન્‍ય સભાઆજે બપોરે ૧૧.૧૫ કલાકે મનપાની સેન્‍ટ્રલ ઝોન કચેરીના બીજા માળે  આવેલ રમેશભાઇ છાયા સભાગુહમાં મેયર ડો. નેહલ શુકલના અધ્‍યક્ષ સ્‍થાને મળ્‍યુ હતું. આ બોર્ડમાં ૧૦ કોર્પોરેટરો દ્વારા ૨૭ પ્રશ્નો રજુ કરવામા઼ આવ્‍યા હતા.

આ બોર્ડો પ્રારંભ વોર્ડ નં.૫ના કોર્પોરેટર સંજય ચાવડાના પ્રથમ પ્રશ્નથી થયો હતો. આ આવાસ અને આરોગ્‍ય વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્‍યા હતા. આ પ્રશ્નોતરીમાં સભ્‍યો દ્વારા પેટા પ્રશ્ન દ્વારા કરવામાં આવતા અધિકારીઓ ઉણા ઉતર્યા હતા કેટલાક  ઉતરોના જવાબ દેવામાં ફાફા પડયા હતા.

પ્રથમ પ્રશ્નની ચર્ચા પુર્ણ થતા વોર્ડ નં. ૧ના કોર્પોરેટર અંજનાબેન મોરબીયાના આંગણવાડીના પ્રશ્નના જ પેટા પ્રશ્નમાં શાસકપક્ષના સભ્‍યોએ જણાવ્‍યુ હતું કે ,વોર્ડ નં. ૧નાં કોર્પોરેટર અંજનાબેન મોરજરિયા, વોર્ડ નં. ૨નાં કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા અને વોર્ડ નં. ૬નાં કોર્પોરેટર ધર્મિષ્ઠાબેન પરમારે આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત દરમિયાન સામે આવેલી સ્‍થિતિનો ચિતાર જનરલ બોર્ડમાં રજૂ કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, બાળકોને પોષણ આપવાના નામે પીરસાતો ખોરાક જ જો હલકી ગુણવત્તાનો હોય તો કુપોષણ સામેની લડાઈ કાગળ પર જ રહી જાય.

ત્રણેય મહિલા કોર્પોરેટરોએ અધિકારીઓને આડેહાથ લેતાં કહ્યું હતું કે, ‘અમે જાતે આંગણવાડીઓની મુલાકાત લઈને બાળકોને અપાતો નાસ્‍તો અને ભોજન તપાસ્‍યાં છે. પીરસવામાં આવતો શીરો ખૂબ જ ચીકણો હતો, જ્‍યારે થેપલાં તદ્દન કાચાં હતાં. બાળકોના આરોગ્‍ય સાથે આવાં ચેડાં તાત્‍કાલિક બંધ થવા જોઈએ.'

બોર્ડમાં સર્જાયેલી તડાપીટ બાદ સીડીપીઓ દ્વારા એવો બચાવ રજૂ કરવામાં આવ્‍યો હતો કે, આંગણવાડીઓમાં બાળકોને ગુણવત્તાસભર આહાર મળી રહે તે માટે ભોજન બનાવતી અને સપ્‍લાય કરતી એજન્‍સીને નોટિસ ફટકારવામાં આવી છે. એજન્‍સીને ભોજનની ગુણવત્તા સુધારવા કડક તાકીદ પણ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્‍યું હતું. જોકે, કોર્પોરેટરોએ માત્ર નોટિસ આપીને સંતોષ માનવાને બદલે નિયમિત તપાસ, નમૂના પરીક્ષણ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

જનરલ બોર્ડમાં આરોગ્‍ય કેન્‍દ્રોમાં પૂરતાં સાધનો અને ટેસ્‍ટિંગ કિટ ઉપલબ્‍ધ નહીં હોવાનો મુદ્દો પણ ગાજ્‍યો હતો. વોર્ડ નં. ૫ના કોર્પોરેટર સંજય ચાવડાએ આરોગ્‍ય વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કરી અધિકારીઓ પર તડાપીટ બોલાવી હતી.

બીજી તરફ, વોર્ડ નં. ૧૧માં પાણી વિતરણ વ્‍યવસ્‍થાની ગંભીર સ્‍થિતિ પણ બોર્ડ સમક્ષ આવી હતી. કોર્પોરેટર રક્ષિત કલોલાના પ્રશ્નના જવાબમાં અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં વોર્ડમાંથી પાણી સંબંધિત કુલ ૩,૭૪૫ ફરિયાદો નોંધાઈ છે. તેમાંથી ૩,૫૯૫ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્‍યો છે, જ્‍યારે હજુ ૧૫૦ ફરિયાદો પડતર છે. મોટાભાગની ફરિયાદો પાણી વિતરણને લગતી હોવાનું પણ સામે આવ્‍યું હતું.

રક્ષિત કલોલાએ આક્ષેપ કર્યો હતો કે, કેટલાક વિસ્‍તારોમાં ડીઆઈ પાઇપલાઇન નાખ્‍યાને દોઢ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં લોકો સુધી પાણી પહોંચ્‍યું નથી. કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાંખ્‍યા પછી પણ નાગરિકોને પાણી ન મળે તો આવી કામગીરીનો અર્થ શું છે? તેવો સવાલ તેમણે ઉઠાવ્‍યો હતો. આ મુદ્દાની ગંભીરતા ધ્‍યાને લઈ મેયર ડો. નેહલ શુક્‍લએ મ્‍યુનિસિપલ કમિશનરને પાણી વિતરણ અને નવી પાઇપલાઇનના ઉપયોગ અંગે ચોક્કસ નીતિ ઘડવા સૂચના આપી હતી.

 

(4:01 PM IST)