News of Thursday, 14th May 2026
ભાજપના પુર્વ મંત્રીને બદનામ કરી ખંડણી માંગીઃ બે ન્યુઝ પોર્ટલના સંચાલક સહિત ત્રણ ઝડપાયા
એસીપી ડેન્ટલ હોસ્પિટલનું બાંધકામ ગેરકાયદેસર છે તેમ કહી સમાચારો છાપી બદનામ કરતાં હતાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં વિજય પાડલીયાની ફરિયાદઃ પોલીસે અમિત ઠક્કર, ભાર્ગવ આચાર્ય અને યોગીરાજસિંહ રાઠોડની ધરપકડઃ અગાઉ ડોક્ટરને બ્લેકમેઇલ કરવાના ગુનામાં પણ અમિત ઠક્કરની સંડોવણી હતીઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વિગતો જણાવી

રાજકોટ તા. ૧૩: મિડીયાના ઓઠા તળે બ્લેકમેઇલીંગ કરનારા સામે શરૂ થયેલી પોલીસની આકરી ઝુંબેશના ભાગ રૂપે વધુ બે ન્યુઝ પોર્ટલના સંચાલક સામે ગુનો નોંધી આ બંને તથા તેના વતી ખંડણી માંગનારા સહિત ૩ની ધરપકડ ક્રાઇમ બ્રાંચે કરી છે. શહેર ભાજપના પૂર્વ મંત્રીને બદનામ કરી ખંડણી માંગવાના ગુનામાં ભારત હેડલાઈન અને રાજકોટ લાઈવ ન્યુઝના સંચાલકો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ આ અંગેની વિગતો આપી હતી.
આ બનાવમાં ડીસીબી પોલીસે નિર્મલા રોડ બાલમુકુન્દ પ્લોટમાં રહેતાં અન કેબલ કનેકશનનો ધંધો કરતાં વિજયભાઇ માધવજીભાઇ પાડલીયા (ઉ.વ.૫૮)ની ફરિયાદ પરથી ભારત હેડલાઇનવાળા અમિત ઠક્કર, રાજકોટ લાઇવ ન્યુઝના ભાર્ગવ હરિヘંદ્રભાઇ આચાર્ય અને યોગીરાજસિંહ વિજયસિંહ રાઠોડ વિરૂધ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી લીધી છે.
વિજયભાઈ પાડલીયાએ નોંધાવેલી વિગતો મુજબ, રાજકોટના જલારામ-૨ વિસ્તારમાં તેમણે પોતાની પુત્રી માટે એસીપી હોસ્પિટલ બનાવેલી છે. આ બાંધકામ ગેરકાયદે હોવાનું જણાવી ભારત હેડલાઈનના સંચાલક અમિત ઠક્કર અને રાજકોટ લાઈવ ન્યૂઝના ભાર્ગવ આચાર્યએ ગત ઓક્ટોબર ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી અલગ-અલગ તારીખોએ ફરિયાદી વિરૂધ્ધ પાયાવિહોણા અને બદનક્ષીભર્યા સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ સોશિયલ મીડિયા અને ન્યૂઝ પોર્ટલમાં પુર્વ મુખ્યમંત્રીના ઘર નજીક ભાજપ નેતાનું કારસ્તાન અને ડેન્ટલ ક્લિનિકમાં ગેરકાયદે બાંધકામ જેવા હેડિંગ હેઠળ લેખો છાપી વિજયભાઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત, આરોપીઓએ ફરિયાદી પાસેથી નાણાંની માંગણી કરી માનસિક રીતે પરેશાન કર્યા હોવાનો પણ આક્ષેપ છે.
વારંવારની હેરાનગતિથી કંટાળીને અંતે વિજયભાઈએ પુરાવાઓ સાથે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે આ મામલે ત્રણેય વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ત્રેણયની ધરપકડ કરી છે.
ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે અમિત ઠક્કરે હોસ્પિટલના બાંધકામ અંગે ન્યૂઝ ન છાપવા માટે ૩ લાખની ખંડણી માંગી હતી. તેમજ રાજકોટ લાઈવ ન્યૂઝ સાથે સંકળાયેલા ભાર્ગવ આચાર્યએ ૫૦,૦૦૦ની માંગણી કરી હતી. જ્યારે યોગીરાજસિંહ રાઠોડ આ બંને વતી ૫૦ હજાર રૂપિયા માંગવા વિજયભાઇ પાસે ગયો હતો.
ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી અમિત ઠક્કર અગાઉ પણ આવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે અગાઉ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક ડોક્ટરના ન્યૂડ વિડિયો રેકોર્ડ કરી બ્લેકમેલ કરવાનો ગંભીર ગુનો પણ નોંધાયેલો છે. તેમણે અપીલ કરી છે કે કોઈપણ વ્યક્તિ જો આવા તત્વોનો શિકાર બની હોય તો નિડર થઈને પોલીસનો સંપર્ક કરે.
(3:05 PM IST)










