<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

રાજકોટ વોર્ડ નં. ૧૮ માં જનતાનો પૂર્વ કોર્પોરેટરો

સામે રોષઃ ભાજપ અને આપ વચ્‍ચે સીધો જંગ શિક્ષિત અને ઈમાનદાર ઉમેદવાર રાજેશ ડાંગરીયા, એડવોકેટ સૂરજ બગડા, રીટાબેન ખાટરીયા અને સોનલબેન સાવલીયા મેદાને

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ હવે જામ્‍યો છે, ત્‍યારે વોર્ડ નંબર ૧૮ માં રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેને તક આપ્‍યા બાદ પણ વિસ્‍તારની પાયાની સુવિધાઓ જેવી કે રોડ-રસ્‍તા, પાણી અને ડ્રેનેજની સમસ્‍યાઓ ઠેરની ઠેર રહેતા સ્‍થાનિક જનતામાં પૂર્વ કોર્પોરેટરો સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. આ વખતે જનતાએ પરિવર્તનનો મિજાજ બનાવ્‍યો હોય તેમ જણાય છે, જેમાં સીધી ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે જોવા મળી રહી છે, જ્‍યારે કોંગ્રેસ ક્‍યાંય પિક્‍ચરમાં દેખાતી નથી. તેમ ચારેય ઉમેદવારોએ જણાવ્‍યું હતું.

વોર્ડ નં. ૧૮ ના રહીશોનો આક્ષેપ છે કે વર્ષોથી માત્ર વાયદાઓ જ મળ્‍યા છે. બસ! હવે બહુ થયું ના નારા સાથે લોકો હવે કામની રાજનીતિ ઈચ્‍છી રહ્યા છે. ખાસ કરીને નવા ભળેલા વિસ્‍તારોમાં સ્‍ટ્રીટ લાઈટ, બગીચા અને કોમ્‍યુનિટી હોલ જેવી સુવિધાઓનો અભાવ છે. આ સ્‍થિતિમાં આમ આદમી પાર્ટીએ શિક્ષિત અને ઈમાનદાર ઉમેદવારોની પેનલ ઉતારીને ભાજપના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી કરી લીધી હોવાનું આપના ઉમેદવારોએ જણાવેલ હતું.

આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં. ૧૮ માં ચાર મજબૂત ચહેરાઓને મેદાને ઉતારવામાં આવ્‍યા છે.

 ૧.રાજેશ ડાંગરીયા (પટેલ): જેઓ જનસંપર્ક અને સ્‍થાનિક પ્રશ્નોમાં સક્રિય છે. ૨. એડવોકેટ સૂરજ બગડાઃ ઉચ્‍ચ શિક્ષણ બીકોમ એલએલબી એમએસડબલ્‍યુ ધરાવતા યુવા નેતા.

 ૩. રીટાબેન દિનેશભાઈ ખાટરીયા મહિલાઓના પ્રશ્નો અને સામાજિક કાર્યોમાં અગ્રેસર.

૪. સોનલબેન અલ્‍પેશભાઈ સાવલીયાઃ જેઓ પરિવર્તનની લડતમાં મહિલા શક્‍તિનું પ્રતિનિધિત્‍વ કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં ભ્રષ્ટાચાર મુક્‍ત બાંધકામ, સરકારી શાળાઓ અને આરોગ્‍ય કેન્‍દ્રોનું આધુનિકીકરણ, પ્રોફેશનલ ટેક્‍સની નાબૂદી અને ડોર-સ્‍ટેપ ડિલીવરી જેવી સેવાઓ આપવાનું વચન આપ્‍યું છે. વળી, ટ્રાફિક સમસ્‍યા નિવારવા અને મહિલાઓ-વૃદ્ધો માટે મફત મુસાફરી જેવા મુદ્દાઓ પણ મતદારોને આકર્ષી રહ્યા હોવાનું વોર્ડ નં.૧૮ના આપના ઉમેદવારો રાજેશ ડાંગરીયા, એડવોકેટ સૂરજ બગડા, રીટાબેન ખાટરીયા અને સોનલબેન સાવલીયાએ જણાવેલ હતું. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:21 PM IST)