<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

પૂર્વ ટી.પી.ઓ સાગઠીયા દંપતિ વિરૂધ્‍ધ સ્‍પે. મની લોન્‍ડ્રીંગ કોર્ટમાં ઇડી દ્વારા ફરિયાદ

રાજકોટ ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડ કેસના મુખ્‍ય આરોપી એવા : ર૪.૩૧ કરોડથી વધુ સંપતિના મામલે અંતે ઇડીએ સ્‍પે. કોર્ટમાં ફરિયાદ નોંધાવીઃ બંને વિરૂધ્‍ધ કોર્ટે પ્રોસેસ ઇસ્‍યુ કર્યાઃ ૧૮ કરોડ રોકડા, દાગીના, ઝર-ઝવેરાત ઉપરાંત પેટ્રોલ પંપો-વેર હાઉસ, હોટલ, ફાર્મ સહિતની મિલ્‍કતો ઉપર ઇડીએ ટાંચ મારી હતીઃ સાગઠીયા દંપતિ સામે હવે અપ્રમાણસર મિલ્‍કતનો મામલો કોર્ટમાં

અમદાવાદ તા. ૬ :..  રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના ચકચારભર્યા કેસમાં મહત્ત્વના આરોપી એવા રાજકોટ મનપાના તત્‍કાલીન ટાઉન પ્‍લાનિંગ ઓફિસર મનુસખ સાગઠિયા અને તેમના પત્‍ની ભાવનાબેન મનસુખભાઈ સાગઠિયા વિરૂધ્‍ધ એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ઇડી) દ્વારા કાયદેસર આવક કરતાં રૂ.૨૪.૩૧ કરોડથી વધુની સંપત્તિ એકઠી કરવાના મામલામાં અત્રેની સ્‍પેશિયલ પીએમએલએ કોર્ટમાં પૂરક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઈડીની પૂરક ફરિયાદના આધારે કોર્ટે મનસુખ સાગઠિયા અને તેની પત્‍ની વિરૂધ્‍ધ પ્રોસેસ ઈશ્‍યુ કરીને કેસની વધુ સુનાવણી ૨૪મી મેના રોજ મુકરર કરી છે. વધુમાં, ઇડીએ આ પ્રકરણમાં આરોપીઓની ગોંડલ અને રાજકોટના માધાપરમાં આવેલી  રૂ.૨૨.૭૧ લાખની મિલ્‍કતો કામચલાઉ ધોરણે જપ્ત કરી છે.

અગાઉ ઇડી દ્વારા આરોપી ટાઉન પ્‍લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા વિરૂધ્‍ધ નવેમ્‍બર-૨૦૨૫માં ફરિયાદ દાખલ કરાઈ હતી અને તપાસ દરમ્‍યાન મળી આવેલા કેટલાક વધુ અને નક્કર પુરાવાઓના આધાર પર આ વધારાની પૂરક ફરિયાદ દાખલ કરાઈ છે. ઈડીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્‍યો હતો કે, રાજકોટના મનપાના તત્‍કાલીન ટાઉન પ્‍લાનીંગ ઓફિસર મનસુખ સાગઠિયા અને તેની પત્‍ની ભાવનાબેન અને બાળકોના બેંક ખાતાઓમાં કુલ રૂ.૫.૫૭ કરોડ જમા થયા હતા, જેમાં રૂ.૮૨.૮૭ લાખની ૨૦૧૫થી ૨૦૨૨ દરમ્‍યાન નિયમિત રીતે રોકડ રકમ જમા કરવામાં આવતી હતી. મનુસખ સાગઠિયા વિરૂધ્‍ધ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની ગેરકાયદેસરતાને છાવરવાનો ગંભીર આરોપ હતો અને તેની મુખ્‍ય બેજવાબદારી અને ભૂમિકા સામે આવી હતી. દુર્ઘટના બાદ રાજકોટ એસીબી દ્વારા મનસુખ સાગઠિયા વિરૂધ્‍ધ દાખલ કરાયેલી એફઆઇઆરના આધારે ઇડીએ પણ તપાસમાં ઝંપલાવ્‍યું હતું, જેમાં અનેક ખુલાસાઓ સામે આવ્‍યા હતા. જેમાં એપ્રિલ-૨૦૧૨થી મે-૨૦૨૪ દરમ્‍યાન મનસુખ સાગઠિયાએ જાહેર સેવક તરીકે હોદા અને સત્તાનો દૂરપયોગ કરી રૂ.૨૪.૩૧ કરોડની અપ્રમાણસર સંપત્તિ-મિલ્‍કત ઉભી કરી હતી. 

ગેરકાયદેસર આવકનો ઉપયોગ લોન્‍ડરિંગ માટે કર્યો

મનસુખ સાગઠિયાએ ગેરકાયદેસર આવક અને ગુનામાંથી મળેલી રકમનો ઉપયોગ લોન્‍ડરીંગ માટે કર્યો હતો. જેને પગલે આ કેસમાં પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરીંગ એકટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જેમાંથી સ્‍થાવર અને જંગમ મિલ્‍કતોમાં પણ મોટાપાયે રોકાણ કરાયું હતું. તા.૨૯-૪-૨૦૨૫ રોજ ઈડી દ્વારા પીએમએલએ એકટની કલમ-૫ હેઠળ અત્‍યાર સુધીમાં કરોડો રૂપિયાના પીઓસી, જંગમ સંપત્તિ, રોકડ, સોનુ, હીરા, ચાંદીના ઘરેણાં, વિદેશ ચલણ અને મોંઘી ઘડિયાળ અને સ્‍થાવર મિલ્‍કત જપ્ત કરવામાં આવી હતી.

 

સાગઠિયાની ઓફિસ પર એસીબીના દરોડા દરમિયાન ૧૮ કરોડ રોકડા અને ઝવેરાત મળ્‍યા હતા

એસીબી દ્વારા ૨૦૨૪માં કોર્ટમાં દાખલ કરાયેલા ૮૦૦ પાનાના ચાર્જશીટમાં સાગઠિયાએ રૂ.૨૮ કરોડની સંપત્તિ એકત્ર કરી હોવાનો ખુલાસો કરાયો હતો. વર્ષ ૨૦૨૪માં  સાગઠિયાની નાના મૌવા ખાતેની ઓફિસ પર એસીબીના દરોડા દરમ્‍યાન રૂ.૧૮ કરોડ રોકડા, ઝવેરાત સહિતનો મુદ્દામાલ પકડાયો હતો. તપાસનીશ એજન્‍સીએ રાજકોટ અને અમદાવાદમાં મનુસખ સાગઠિયા અને તેમના પરિવારના બે પેટ્રોલ પંપો, એક વેરહાઉસ, એક બાંધકામ થઈ રહેલી હોટલ, એક ફાર્મહાઉસ, ખેતીની જમીન, રહેણાંક પ્‍લોટ અને ફલેટ હોવાના પુરાવા પણ રજૂ કર્યા હતા. જેમાં સાગઠિયાની વિદેશ યાત્રાઓનો પણ ખુલાસો થયો હતો.

 

 

ટીઆરપી અગ્નિકાંડમાં મનસુખ સાગઠિયાને બધી ખબર હતી, છતાં આંખ આડા કાન કર્યા

ગત તા. રપ-પ-ર૦ર૪ ના રોજ રાજકોટમાં ટીઆરપી ગેમઝેન અગિ્નકાંડમાં ર૮ નિર્દોષ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા, જેને પગલે ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ સમગ્ર મામલામાં રાજકોટ મનપાના તત્‍કાલીન ટાઉન પ્‍લાનીંગ ઓફિસર મનસુખ સાગઠિયાને ટીઆરપી ગેમ ઝોનની ગેરકાયદેસરતાની પહેલેથી જ બધી ખબર હતી, તેમછતાં તેણે આંખ આડા કાન કર્યા હતા. એટલું જ નહી, ટીઆરપી ગેમ ઝોનમાં આગ દુર્ઘટના બાદ ખુદમનસુખ સાગઠિયા અને અન્‍ય આરોપી અધિકારીઓ તાબડતોબ રાજકોટ મનપા કચેરીએ પહોંચ્‍યા હતા અને ત્‍યાંથી ટીઆરપી ગેમ ઝોનની ફાઈલવાલું જે ઇનવર્ડ રજિસ્‍ટર્ડ હતું તે વોર્ડ નંબર-૬ના એક કર્મચારીને આપીને તેને સળગાવી દઇ પુરાવાનો નાશ કરવા સૂચના અપાઇ હતી અને તેના બદલે નવુ ઇનવર્ડ રજિસ્‍ટર બનાવી દેવાયું હતું. જો કે, આરોપીઓની હાજરી સીસીટીવીમાં કેદ થઈ જતાં મહત્ત્વનો પુરાવો સામે આવ્‍યો હતો.

(11:24 AM IST)