તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
રાજકોટના વિકાસને વેગ આપવા ભાજપના ‘યુવા અને અનુભવ'ના સમન્વય સમા ચાર લડવૈયાઓ મેદાનમાં
વોર્ડ નં. ૨ ના ઉમેદવારો દક્ષાબેન વાઘેલા, ધૈર્ય પારેખ, મીનાબા જાડેજા અનેડો. શૈલેષભાઈ વસાણીનો સેવાકીય સંકલ્પ

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં વોર્ડ નંબર ૨ માં ભારતીય જનતા પાર્ટીએ તેના મજબૂત અને સેવાભાવી ઉમેદવારોની પેનલ સાથે જનતાના દરબારમાં આહવાન કર્યું છે. આ પેનલમાં અનુભવી મહિલા અગ્રણીઓથી લઈને ઉચ્ચ શિક્ષિત યુવા અને ડોક્ટરનો સમાવેશ થાય છે, જેઓ વોર્ડના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે.
દક્ષાબેન વાઘેલા વર્ષ ૨૦૧૦થી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય દક્ષાબેન વાઘેલાએ મહિલા મોરચાના મંત્રી તરીકે પાયાનું કામ કર્યું છે. તેમણે ‘યુથ વિઝન-૨૦૪૭' અને ‘ગુરુ દક્ષિણા' જેવા અભિયાનોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. સામાજિક રીતે વાલ્મીકી સદભાવના મંડળી અને મહિલા સુરક્ષા સમિતિમાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેઓ સ્વચ્છ અને વિકસિત વોર્ડના સંકલ્પ સાથે મેદાનમાં છે.
ધૈર્ય પારેખ - એમબીએ (ફાઇનાન્સ અને માર્કેટિંગ) સુધીનો અભ્યાસ ધરાવતા ધૈર્ય પારેખ ભાજપના વિચારધારા સાથે બાળપણથી જોડાયેલા છે. ૩૮ વર્ષની ઉંમરે ૨૨ વર્ષનો સામાજિક સેવાનો બહોળો અનુભવ ધરાવતા ધૈર્યભાઈએ રાજકોટ શહેર યુવા ભાજપમાં મંત્રી અને સ્પોર્ટ્સ સેલમાં કન્વીનર તરીકે જવાબદારી નિભાવી છે. શિક્ષણ સમિતિના સભ્ય તરીકે પણ તેઓ કાર્યરત રહ્યા છે, જે તેમના જ્ઞાન અને અનુભવનો લાભ વોર્ડના વિકાસમાં આપવા તત્પર છે.
શ્રીમતી મીનાબા અજયસિંહ જાડેજા : વોર્ડ નં. ૨ ના પૂર્વ કોર્પોરેટર તરીકે મીનાબા જાડેજાએ રોડ, રસ્તા અને પાણી જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નોનું સફળ નિરાકરણ લાવવામાં પાયાની ભૂમિકા ભજવી છે. ક્ષત્રિય મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ તરીકે અને કોરોના કાળમાં ઘરે-ઘરે ટિફિન સેવા પહોંચાડીને તેમણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની સાદગી અને લોકપ્રિયતા ભાજપની પેનલનું જમા પાસું છે.
ડો. શૈલેષભાઈ વસાણી તબીબી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા ડો. શૈલેષભાઈ વસાણી ‘ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ' ના હોદ્દેદાર રહી ચૂકયા છે. ભાજપ ડોક્ટર સેલમાં સક્રિય રહી તેમણે અનેક મેડિકલ કેમ્પ અને કુપોષિત બાળકો માટેના પ્રોજેક્ટ્સમાં સેવા આપી છે. છેલ્લા ૧૫ વર્ષથી બજરંગવાડી વિસ્તારમાં સક્રિય કાર્યકર્તા તરીકે જાણીતા ડો. વસાણી આરોગ્યપ્રદ અને સુરક્ષિત વોર્ડના નિર્માણ માટે કટિબદ્ધ છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વોર્ડ નં. ર ના ભાજપના ઉમેદવારો દક્ષાબેન વાઘેલા, ધૈર્ય પારેખ, મીનાબા જાડેજા અને ડૉ. શૈલેષભાઇ વસાણી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:20 PM IST)










