<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

પાડાસણમાં રમતાં-રમતાં ગળામાં કંઇક ફસાતાં ચાર વર્ષના કાર્તિકનું મોત

ગળા પર કાળુ નિશાન થઇ જતાં મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમઃ મુળ મધ્‍યપ્રદેશના દંપતિએ લાડકવાયો ગુમાવી દેતાં ગમગીની

રાજકોટ તા. ૨૨: તાલુકાના પાડાસણ ગામે રહી ખેત મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદશેના દંપતિના ૪ વર્ષના બાળકનું રમતાં રમતાં ગળામાં કંઇક ફસાઇ ગયા બાદ મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આ ઘટનામાં બાળકના ગળા પર કાળો ડાઘો થઇ ગયો હોઇ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ પાડાસણ ગામે અશોકભાઇ શામજીભાઇ પટેલની વાડીમાં રહેતાં મુળ મધ્‍યપ્રદશેના ધાર જીલ્લાના ગામડાના વતની રાજેશ પુશલીયાભાઇ દેહડીયાનો દિકરો કાર્તિક (ઉ.વ.૪) ગઇકાલે બપોર બાદ વાડીમાં તેના ફઇના દિકરા શુભમ પિન્‍ટુભાઇ મહેતો (ઉ.વ.૬) સાથે રમતો હતો. આ દરમિયાન કાર્તિક અચાનક ગળામાં કંઇક ફસાઇ ગયું તેમ કહેવા માંડતા શુભમે તેના પિતાને જાણ કરી હતી. પરિવારજનોએ ગળામાં કંઇક ફસાયુ હોય તો નીચે ઉતરી જાય કે બહાર નીકળી જાય એમ સમજી ગળા પર હાથેથી જોર કર્યુ હતું.  આ દરમિયાન કાર્તિક બેભાન જેવો થઇ જતાં સારવાર માટે ખસેડયો હતો. પરંતુ તેનુ મોત થયું હતુ.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે   જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃત્‍યુ પામનાર કાર્તિક એક બહેનથી નાનો અને માતા પિતાનો એકનો એક લાડકવાયો હતો. ગળામાં શું ફસાઇ ગયું? મોત કયા કારણે થયું? તેની તપાસ પોલીસે યથાવત રાખી હતી.

(1:17 PM IST)