<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

હતાશ અને નિરાશ કોંગ્રેસે નરેન્‍દ્રભાઈ મોદીને આતંકવાદી કહીને રાજકીય આપઘાત કર્યો છેઃ રાજુભાઈ ધ્રુવ

ભૂતકાળમાં નરેન્‍દ્રભાઈને ‘મોત કા સોદાગર' કહીને કોંગ્રેસે પોતાની ઘોર ખોદી હતીઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃહાલમાં પાંચ રાજ્‍યોમાં વિધાનસભાની ચૂંટણીનું મહાપર્વ ચાલી રહ્યું છે તેવા સમયે કોંગ્રેસે દેશના કરોડો લોકોના હૃદય સિંહાસન ઉપર બિરાજતા વિઝનરી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી માટે આતંકવાદી જેવો શબ્‍દ વાપરીને રાજકીય આપઘાત કર્યો છે તેમ જણાવતા પ્રદેશ ભાજપની કારોબારીના સભ્‍ય રાજુભાઈ ધ્રુવે કોંગ્રેસની આવી નિમ્‍ન કક્ષાની માનસિકતાને કડક શબ્‍દોમાં વખોડી કાઢી છે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી ઉપર ગમે તેટલા શાબ્‍દિક પ્રહારો કરવામાં આવે પરંતુ તેમને દેશની ૧૪૦ કરોડની જનતાનો સુરક્ષા કવચ મળેલું છે , આશીર્વાદ મળેલા છે. તમિલનાડુના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પોતાની માનસિક સ્‍થિતિ ગુમાવી હોય તે રીતે દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી માટે આતંકવાદી જેવો શબ્‍દપ્રયોગ કરીને માત્ર નરેન્‍દ્રભાઈનું જ નહીં પરંતુ દેશની ૧૪૦ કરોડની જનતાનું અપમાન કર્યું છે.

તેમણે કહ્યું છે કે, ભૂતકાળમાં ૨૦૦૭ માં જ્‍યારે નરેન્‍દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે તે વખતના કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધીએ તેમના માટે મોત કા સોદાગર જેવો શબ્‍દ વાપર્યો હતો. આ પછી પણ સમયાંતરે કોંગ્રેસના જુદા જુદા નેતા હોય વડાપ્રધાન માટે નિમ્‍ન કક્ષાના શબ્‍દ પ્રયોગ કરીને પોતાની હલકી માનસિકતાનું પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસના નેતાઓ એવું માને છે કે નરેન્‍દ્રભાઈ માટે આવા શબ્‍દ પ્રયોગ કરીને તેમને હતાશ કરી દેશું અને આગળ નહીં વધવા દઈએ પરંતુ તેઓ એ વાત ભૂલી જાય છે કે નરેન્‍દ્ર ભાઈ માત્ર ગુજરાતના જ પનોતા પુત્ર નથી પરંતુ આ દેશના સાચા રાષ્‍ટ્રભક્‍ત અને નિસ્‍વાર્થ ભાવે સેવા કરનારા ભેખધારી મહાપુરુષ છે. તેમને દેશની ૧૪૦ કરોડની જનતાનું સુરક્ષા કવચ મળેલું છે.

રાજુભાઈ ધ્રુવે એમ પણ ઉમેર્યું છે કે, કોઈપણ ચૂંટણી નજીક આવે ત્‍યારે કોંગ્રેસના નેતાઓને આવો સનેપાત ઉપડે છે પરંતુ નરેન્‍દ્ર ભાઈ મોદી દર વખતે વધુને વધુ મજબૂત થતા જાય છે વડાપ્રધાન  મોદીએ જ્‍યારથી દેશને કોંગ્રેસ મુક્‍ત કરવાની વાત કરી છે ત્‍યારથી રઘવાયા થયેલા કોંગ્રેસના નેતાઓ આવી હલકી માનસિકતાનું પ્રદર્શન કરતા રહે છે. જે વ્‍યક્‍તિ લોકપ્રિયતાની દ્રષ્ટિએ ગ્‍લોબલ રેટિંગમાં પ્રથમ સ્‍થાન ધરાવતા હોય અને ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં તેમની લોકચાહના હોય ત્‍યારે તેમના માટે આવો આતંકવાદી જેવો શબ્‍દ વાપરીને કોંગ્રેસે મહાપાપ કર્યું છે.

(3:48 PM IST)