તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
મનપાની ચૂંટણી અંતર્ગત ગાંધીગ્રામ પોલીસની કામગીરી
સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાંથી બે લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો: રાધિકા ચૌહાણની ધરપકડ

પોલીસ કમિશનરની સૂચનાથ પીઆઇ એચ. પી. ગઢવી, પીએસઆઇ રાવલિયા અને ટીમની કામગીરી: એએસઆઈ ચેતનસિંહ ગોહીલ, હેડકોન્સ. રવીભાઈ ગઢવી, ભવદીપસિંહ ગોહીલ તેમજ કોન્સ. કૌશિકભાઈ અને પ્રશાંતભાઈની બાતમી
રાજકોટ: આગામી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીના પગલે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા દારૂ-જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા કડક સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા વિદેશી દારૂનો મોટો 'ક્વોલિટી કેસ' શોધી કાઢવામાં આવ્યો છે.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.ડી. રાવલીયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એ.એસ.આઈ. ચેતનસિંહ ગોહીલ, હેડ કોન્સ્ટેબલ રવીભાઈ ગઢવી, ભવદીપસિંહ ગોહીલ તેમજ કોન્સ્ટેબલ કૌશિકભાઈ અને પ્રશાંતભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, સૌરાષ્ટ્રકલા કેન્દ્ર સોસાયટીની શેરી નંબર ૮ માં આવેલા પ્લોટ નં. ૭/બી ના મકાનમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
પોલીસના દરોડા દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની પ્રીમિયમ બ્રાન્ડ્સ મળી આવી હતી. જેમાં માસ્ટર બ્લેન્ડર સિગ્નેચરની ૭૨ બોટલો, ૧૦૦૦ પાઈપર્સ સ્કૉચની ૧૨ બોટલો અને જોની વોકર રેડ લેબલની ૧૨ બોટલો સહિત કુલ ૯૬ મોટી બોટલો જપ્ત કરવામાં આવી હતી. દારૂના આ જથ્થાની કિંમત રૂપિયા ૨,૦૮,૭૮૦ તથા કબજે કરેલા બે મોબાઈલ ફોનની કિંમત ૫૦,૦૦ ગણીને કુલ ૨,૫૮,૭૮૦નો મુદ્દામાલ પોલીસે હસ્તગત કર્યો છે
આ ગુનામાં પોલીસે રાધિકાબેન રાકેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૦) નામના મહિલાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ મહિલા આરોપી અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચૂકી છે. હાલ પોલીસ દ્વારા આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.પી. ગઢવી, પીએસઆઈ વી.ડી. રાવલીયા, ચેતનસિંહ ગોહિલ, રવીભાઈ ગઢવી, રોહિતદાન ગઢવી, ભવદીપસિંહ, શબ્બીરખાન મલેક, રઘુવીરસિંહ, વિપુલભાઈ, પ્રશાંતભાઈ, કૌશિકભાઈ, જયદેવસિંહ અને મહિલા કોન્સ્ટેબલ રીનાબેન પરમાર રોકાયેલા હતા.
(6:41 PM IST)










