<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

વિઘ્‍નો હરવા પધાર્યા ગણપતિદાદા ઢોલ- નગારાના નાદ સાથે સ્‍થાપના

રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજથી શ્રી ગણેશ મહોત્‍સવનો શુભારંભઃ આજથી ભકિત, આરતી સાથે મોદકની મીઠાશ માણશે ભકતો

રાજકોટ, તા.૧૪: સૌના વિઘ્‍નો દૂર કરનારા અને સૌને રિદ્ધિ-સિદ્ધિ, શુભ-લાભ આપનારા વિઘ્‍નહર્તા ભગવાન શ્રી ગણેશજીના પાવન જન્‍મોત્‍સવ - ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગણેશ મહોત્‍સવનો ભવ્‍ય અને રંગારંગ પ્રારંભ થઈ રહ્યો છે.

આજે સવારથી જ શહેરનું વાતાવરણ સંપૂર્ણ ભક્‍તિમય બની ગયું છે. ઢોલ-નગારા, ડીજેના તાલે અને ‘‘ગણપતિ બાપ્‍પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા''ના ગગનભેદી નાદ સાથે યુવાનો, બાળકો અને વડીલોએ ગણેશજીની મૂર્તિઓને પોતાના ઘરે અને સાર્વજનિક પંડાલોમાં સ્‍થાપિત કરી છે.

છેલ્લા બે દિવસથી શહેરના મુખ્‍ય બજારોમાં ગણેશજીની સુંદર મૂર્તિઓ, ફૂલ-હાર, કપડા, શણગાર અને પૂજન સામગ્રી લેવા માટે ભક્‍તોની ભારે ભીડ ઉમટી પડી હતી. આજે વહેલી સવારથી જ ફૂલ બજાર અને મીઠાઈની દુકાનો પર મોદક અને લાડુના પ્રસાદ માટે લાંબી કતારો જોવા મળી હતી.

આજથી આગામી ૧૦ દિવસ સુધી શહેરના ચોકે-ચોકે, શેરીએ-શેરીએ અને ઘરે-ઘરે ગણેશજી બિરાજમાન રહેશે. ઠેર ઠેર સુંદર રોશનીથી શણગારેલા પંડાલોમાં રોજ સવાર-સાંજ આરતી, ભજન-કીર્તન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. અનેક સ્‍થળોએ ઇકો ફ્રેન્‍ડલી ગણેશજીની સ્‍થાપના કરી પર્યાવરણ જાળવવાનો સંદેશ પણ આપવામાં આવ્‍યો છે.

ભક્‍તોએ પોતાના ઘરે રિદ્ધિ-સિદ્ધિ, શુભ-લાભ લાવનાર ગણેશજીની સ્‍થાપના કરી સાચા દિલથી પ્રાર્થના કરી હતી કે, ‘‘ગણેશજીના આશીર્વાદ સૌ ભક્‍તો પર વરસતા રહે, સૌના ઘરોમાં રિદ્ધિ-સિદ્ધિ આવે અને સૌના ઘરોમાં શુભ અને લાભ થાય, સૌના વિઘ્‍નો દૂર થાય.'' પોલીસ તંત્ર દ્વારા પણ ગણેશોત્‍સવને લઈને ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે, જેથી શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય.(૨

(3:02 PM IST)