<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

મનપા દ્વારા ચાર દિવસ પછી ગરબા મહોત્‍સવ : ટેન્‍ડર ભરવાનો આજે છેલ્લો દિવસ!

૨૫ ઓક્‍ટોબરે શરદ પૂર્ણિમાના દિવસે કવિ રમેશ પારેખ રંગદર્શન ખાતે ભવ્‍ય ગરબા મહોત્‍સવ એન્‍કર, રજવાડી પ્રવેશદ્વાર અને ચાર હજારથી વધુ લોકોના દૂધપૌંઆ સહિતની સેવાઓના ભાવ મંગાવાયાઃ ૭.૫૦ લાખના ખર્ચનો અંદાજ

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરદપૂનમ નિમિત્તે આગામી તા.૨૫ ઓક્‍ટોબરે રેસકોર્સ સ્‍થિત કવિ રમેશ પારેખ રંગદર્શનમાં ભવ્‍ય ગરબા મહોત્‍સવ યોજવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. કાર્યક્રમને હવે માત્ર ચાર દિવસ બાકી છે ત્‍યારે તેના આયોજન માટે બહાર પાડવામાં આવેલા ટેન્‍ડર ભરવાની આજે છેલ્લી તારીખ હોવાનું સામે આવ્‍યું છે.

મહાનગરપાલિકાએ આશરે રૂ.૭.૨૫ લાખના ખર્ચે યોજાનારા આ કાર્યક્રમ માટે વિવિધ સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવા ભાવ મંગાવ્‍યા છે. ટેન્‍ડરમાં કાર્યક્રમનું સંચાલન કરવા માટે એન્‍કર, કાર્યક્રમ સ્‍થળે રજવાડી ગેટ, સજાવટ તથા ઉપસ્‍થિત લોકો માટે દૂધપૌંઆની વ્‍યવસ્‍થાનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

શરદપૂનમના આ કાર્યક્રમમાં ચાર હજારથી વધુ લોકો ઊમટી પડે તેવી ધારણા મનપા દ્વારા રાખવામાં આવી છે. આથી મોટી સંખ્‍યામાં લોકો માટે દૂધપૌંઆ તૈયાર કરવા અને તેના વિતરણ માટે પણ ટેન્‍ડરમાં ભાવ મંગાવવામાં આવ્‍યા છે. આ ઉપરાંત કાર્યક્રમને આકર્ષક બનાવવા રજવાડી શૈલીનો પ્રવેશદ્વાર ઊભો કરવામાં આવશે.

ગરબા મહોત્‍સવમાં રાજકોટની જાણીતી ગરબા સંસ્‍થા કંકણ ગ્રુપ, અમરેલીના જેસિંગપરા રાસમંડળ તેમજ કારડિયા રાજપૂત સમાજના ખેલૈયાઓ દ્વારા પરંપરાગત રાસ-ગરબાની રજૂઆત કરવામાં આવશે. શહેરવાસીઓ શરદપૂનમની ચાંદની રાતમાં રાસ-ગરબાની સાથે દૂધપૌંઆની જ્‍યાફત પણ માણી શકશે.

જોકે, તા.૨૫ ઓક્‍ટોબરે કાર્યક્રમ યોજાવાનો છે અને તેના ટેન્‍ડર માટે તા.૨૧ ઓક્‍ટોબર છેલ્લો દિવસ રાખવામાં આવ્‍યો છે. ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પસંદગી પામનારી એજન્‍સીને એન્‍કરથી લઈને પ્રવેશદ્વાર, સજાવટ અને હજારો લોકો માટે દૂધપૌંઆ સુધીની તમામ વ્‍યવસ્‍થા કરવા માટે ખૂબ જ ઓછો સમય મળશે.

કાર્યક્રમ નજીક આવી ગયો હોવા છતાં ટેન્‍ડરની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાના કારણે આયોજનની સમયમર્યાદા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. હવે છેલ્લી ઘડીએ પસંદ થનારી એજન્‍સી ચાર દિવસની અંદર સમગ્ર વ્‍યવસ્‍થા કેવી રીતે પૂર્ણ કરે છે તેના પર સૌની નજર રહેશે.

(3:19 PM IST)