હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વોર્ડ નં. ૧૪ના બગીચાઓ બન્યા કચરા ઘર
વેપારીઓ-નગરજનોને દંડતી મનપા કાર્યવાહી કરેઃ લોકસંસદ વિચાર મંચ દ્વારા નવનિયુકત કોર્પોરેટરો-મ્યુ.કમિશનરને રજુઆત : સાવરણા લઇને ફોટા પડાવનાર નેતાઓ હવે ગંદકીના ગંજ ઉપડાવી સફાઇ કરાવવા જાગૃત નાગરીકોની માંગ : નિયમીત કચરો ઉપાડાતો ન હોવાની અને ખુણામાં ફેંકી દેવાતો હોવાની ફરીયાદઃ બેદરકાર સામે દંડનીય કામગીરી જરૂરી હોવાની ઉઠતી માંગ

રાજકોટ તા.૧૯: શહેરના વોર્ડ નંબર ૧૪ ના બગીચાઓ ઉકરડાર્ઓં બનતા નવનિયુક્ત કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનરને લોક સંસદ વિચાર મંચે રજૂઆત કરી. સામાન્ય કચરો ફેકનાર વેપારીઓને અને કોગળા કરનારને દંડતી મહાનગરપાલિકા બગીચાઓના કચરા અંગે દંડનીય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સિનિયર સિટીઝન નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, બીજલભાઇ ચાવડીયાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ શહેરને બેનમુન શહેર અને હિન્દુસ્તાનના નકશામાં શિકાગો બનાવવાની અને ભારતના ૧૦૦ સ્માર્ટ સિટી બનાવવાની અધિકારીઓ પદાધિકારીઓની ગુલબાંગો વચ્ચે વોર્ડ નંબર ૧૪ ના બગીચાઓ ડમ્પિંગ યાર્ડ હોય તેવો આભાસ થાય છે.
રાજકોટ શહેર વોર્ડ નંબર ૧૪ ના બગીચાઓ જેમાં વાણીયાવાડી નો બગીચો (રવિશંકર મહારાજ જાહેર ઉદ્યાન), ૮૦ ફુટ રોડ, શેઠ હાઈસ્કૂલની સામે, ભક્તિનગર સોસાયટી શેરી નંબર ૫ માં પોસ્ટ ઓફિસ તરફ આવેલ ભક્તિનગર સોસાયટીનો બગીચો, કેવડાવાડી મેઇન રોડના ખૂણે આવેલ પવનપુત્ર ચોકનો બગીચાઓમા નિયમિત સફાઈ ના અભાવના પગલે તમામ બગીચાઓ ઉકરડાઓ બન્યા છે. બેસુમાર ગંદકી, એઠવાડ, બિનજરૂરી પાંદડાઓ અને ડાળીઓ અને કચરો ખૂણામાં ઠલવાતા ડુંગર જેવડા ગંજ ખડકાયા છે.
આ જાહેર બગીચાઓમાં હાલ ઉનાળાની સિઝન હોય સાંજના સમયે અને રાત્રે વેકેશનને પગલે બાળકોની અને વાલીઓ સાથે બાલક્રિડાણોમાં ભીડ હોય છે ત્યારે બાળકોના આરોગ્ય સામે જોખમ ઊભું થાય તે પ્રકારે કચરાના ગંજ ખડકાયા છે.
લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલાએ આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં ત્રણેય બગીચાઓમાં તાત્કાલિક કચરા ઉપાડી સફાઈ કરવા અંગે ફરિયાદ કરવામાં આવી છે અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાને, ગાર્ડન ડાયરેક્ટરને અને વોર્ડ નંબર ૧૪ ના નવનિયુક્ત કોર્પોરેટરો કેતનભાઇ પટેલ, ચંદાબેન માણસુરભાઈ વાળા, અરુણાબેન આડેસરાને ફોટાઓ સાથે વોટ્સએપ થી રજૂઆત કરવામાં આવી છે. વધુમાં આગેવાનોએ જણાવ્યું હતું કે શહેરમાં કોગળા કરનારા, થુકનારા અને સામાન્ય ગંદકી કરનારા પર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે તો આ જાહેર બગીચાઓમાં જે પ્રકારે કચરાના ગંજ ખડકાયા છે તો તેમાં પણ દંડનીય કાર્યવાહી શા માટે નહીં ? રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે લાંબા સમયથી નિયમિત કચરો ઉપાડવામાં આવતો નથી અને ખૂણાઓમાં ફેકવામાં આવે છે. અને સમયસર ન ઉપાડતા આ પ્રકારે કચરાઓના ઢગલા થાય છે. સ્વચ્છ અભિયાન, સ્વચ્છતા મિશન, સ્વચ્છ ભારતનું રાજકોટના બગીચાઓમાં સુરસુરિયું થાય છે. કચરો ફેકનારા સામે જો દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય તો કચરો ઉપાડવામાં બેદરકાર દાખવનાર સામે પણ દંડનીય કાર્યવાહી થવી જોઈએ. જ્યાં ગંદકી ન હોય અને સફાઈ હોય ત્યાં કચરો ઠાલવી સાવરણાઓ લઈને ફોટા પડાવનારા નેતાઓ બગીચાઓમાંથી કચરાના ગંજ ઉપડાવે એવી અંતમાં તેમણે માંગ કરી છે.










