તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
ગેસનો બાટલો ફાટતાં આગ ભભૂકીઃ યુપીની પરિણીતા સહિત પાંચ ગંભીર રીતે દાઝી ગયા
કોઠારીયા રણુજા મંદિર પાસે હંસરાજનગરમાં રાતે બનાવઃ લોકોના ટોળા ઉમટી પડયા : લાદી કામની મજુરી કરતાં યુવાનો રાતે કામેથી આવી રસોઇ કરતાં હતાં ત્યારે બનાવઃ બે સગા ભાઇઓ મળી પાંચેય સારવાર હેઠળ

ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગતાં દાઝી ગયેલા પાંચેય સારવાર હેઠળ છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૫: કોઠારીયામાં રણુજા મંદિર પાસે હંસરાજનગર કનૈયા ચોકમાં ભાડાના મકાનમાં રહેતાં યુપીના પરિવારોના પાંચ લોકો ગેસનો બાટલો ફાટવાથી આગ ભભૂકતા ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ છે. એક યુવાન કામેથી આવ્યા બાદ રસોડામાં રસોઇ કરવા ગયો ત્યારે એકાએક ધડાકા સાથે ગેસનો બાટલો ફાટયો હતો અને આગ લાગી ગઇ હતી. જેમાં આ યુવાન તથા બીજા ત્રણ યુવાન અને એક પરિણીતા મળી પાંચ લોકો દાઝી ગયા હતાં. જેમાં બે સગા ભાઇઓ સામેલ છે. પાંચેય ગંભીર રીતે દાઝી ગયા હોઇ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જાણવા મળ્યા મુજબ રણુજા મંદિર પાસે કનૈયા ચોકમાં ભાડાના મકાનમાં રહી લાદી કામની મજુરી કરતાં મુળ ઉત્તર પ્રદેશના ગાજીપુરના યુવાનો ઘરે આવ્યા બાદ એક યુવાન રસોડામાં રસોઇ કરવા ગયો ત્યારે ગેસનો બાટલો ફાટતાં આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી ગઇ હતી. આ આગમાં સતંદર ટેકબહાદુર ચોૈહાણ (ઉ.વ.૨૬), પરવેઝ જયપ્રકાશ ચોૈહાણ (ઉ.વ.૨૬), વિશાલ જયપ્રકાશ ચોૈહાણ (ઉ.વ.૨૩), શિવમ વિજયકુમાર ચોૈહાણ (ઉ.વ.૨૩) અને રીમા નિતેશભાઇ પનોજીયા (ઉ.વ.૨૩) ગંભીર રીતે દાઝી જતાં પાંચેયને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતાં હોસ્પિટલ ચોકીના મહેશભા ગઢવી, ચિત્રકેતુસિંહ, રવિભાઇ, ધર્મેન્દ્રભાઇ, દિવ્યરાજસિંહે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
દાઝી ગયેલા પૈકીના શિવમ ચોૈહાણે જણાવ્યું હતું કે વિશાલ અને પરવેઝ મારા મામા થાય છે. અમે બધા લાદી કામની મજૂરી કરીએ છીએ. અમે જે મકાનમાં રહીએ છીએ તેમાં છેલ્લા રૂમમાં નિતેશભાઇ અને તેના પત્નિ રીમાબેન રહે છે. સાંજે કામેથી ઘરે આવ્યા બાદ સાડા નવેક વાગ્યે રસોઇ બનાવતી વખતે બાટલો ફાટયો હતો અને આગ લાગી હતી. જેમાં મારા સહિત પાંચેય આગની લપેટમાં આવી ગયા હતાં. રીમાબેન છેલ્લા રૂમમાંથી બહાર બાથરૂમમાં જતાં હતાં ત્યારે જ વચ્ચે આવેલા રસોડામાં આગ લાગતાં તે પણ લપેટમાં આવી ગયા હતાં. બાટલામાં રેગ્યુલેટર સરખુ ફીટ ન થયું હોવાથી કદાચ ગેસ લિક થયા બાદ આગ ભભુકી હોવાનું તારણ નીકળ્યું હતું.
બનાવને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવતાં પાંચેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ચાર યુવાનો સાથે દાઝી ગયેલી પરિણીતા રીમાબેનના હજુ એક વર્ષ પહેલા જ લગ્ન થયા છે. પાંચેય ગંભીર રીતે દાઝી ગયા હોઇ સારવાર હેઠળ છે.
(2:43 PM IST)










