News of Tuesday, 3rd November 2026
૫૧ લાખની કિંમતના ચાર જુદા જુદા ચેક રિટર્નના કેસમાં ગ્લોબલ પ્રિન્ટ મીડિયાના પ્રોપરાઇટરને એક એક વર્ષની સજા

રાજકોટ, તા.૩: કુલ રૂ.૫૧ લાખના ચેક રિટર્નના ચાર કેસમાં ગ્લોબલ પ્રિન્ટ મીડિયાના પ્રોપરાઈટર પ્રણવ પટેલને કોર્ટે એક-એક વર્ષની જેલની સજા અને વળતર ચૂકવી દેવાનો હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ આરોપી પ્રણવ પટેલે પોતાની કંપની ગ્લોબલ પ્રિન્ટ મીડિયામાં રોકાણ કરવા માટે મિત્રતાના ધોરણે ફરિયાદી જયદીપ મોઢવાડિયા પાસેથી રૂ.૬૬ લાખ લીધા હતા. સમય પૂર્ણ થતા ફરિયાદીએ પરત માગણી કરતા પ્રણવ પટેલે પોતાની પેઢીના નામના કુલ ૫ ચેક ચૂકવણી પેટે આપ્યા હતા અને નોટરી રૂબરૂ સ્ટેમ્પ પેપર પર પ્રોમિસરી નોટ પણ કરી આપી હતી.
ફરિયાદીએ ચેક બેંકમાં નાખતા ચેક રિટર્ન થયા હતા. જેથી ફરિયાદી જયદીપે રાજકોટના યુવા એડવોકેટ વિવેક એન. સાતા મારફત આરોપીને ડિમાન્ડ નોટિસ મોકલી હતી, જે આરોપીના પત્નીએ સ્વીકારી હતી. છતાં ચૂકવણી ન થતા કે જવાબ ન મળતા ફરિયાદીએ વિવેક સાતા મારફત ૫ અલગ અલગ ચેક રિટર્નની ફરિયાદ કોર્ટમાં દાખલ કરી હતી. તેમાંથી એક કેસમાં આરોપીએ રૂ.૧૫ લાખ ચૂકવી કેસ પરત ખેંચાવ્યો હતો. બાકી રહેતા રૂ. ૫૧ લાખના ૪ કેસ ચાલી ગયા હતા.
આ કેસની સુનાવણીમાં ફરિયાદીના વકીલ વિવેક સાતાએ પુરાવા રજૂ કરી ધારદાર દલીલો કરી હતી. તેમાં કોર્ટે ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ અને દલીલો ધ્યાને લઈ આરોપી પ્રણવ પટેલને ચારેય કેસમાં એક-એક વર્ષની જેલની સજા ફટકારી છે. જો ૬૦ દિવસમાં ચેક મુજબની રકમ ન ચૂકવે તો વધુ ૩ માસની જેલનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફે એડવોકેટ વિવેક એન. સાતા, નિધિ વિવેક સાતા અને ભાર્ગવ ડી. બોડા રોકાયા હતા.
વિવેક એન.સાતા
એડવોકેટ
(3:01 PM IST)










