તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
‘‘ગોલ્ડન બોય ઓફ પિસ્તોલ શૂટિંગ - જસપાલ રાણા''
ભારતીય શુટિંગને નવી ઓળખ આપી

ભારતમાં શૂટિંગ રમતની જયારે પણ વાત કરવામાં આવે છે ત્યારે એક વ્યક્તિ ને ખાસ યાદ કરવામાં હંમેશા આવે છે, જેમણે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય શૂટિગને નવી ઓળખ અપાવી અને જે ‘ગોલ્ડન બોય' તરીકે પ્રખ્યાત હતા, હા આપણે વાત કરી રહિયા છીએ ભારતીય શૂટિંગના દિગ્ગજ શ્રી જસપાલ રાણા ની.
‘જસપાલ' નામનો મુખ્ય અર્થ ‘ભગવાનની ભેટ' થાય છે. માત્ર ૧૨વર્ષ ની વયે રાણાએ વર્ષ ૧૯૮૮માં ૩૧મી નેશનલ શૂટિગ ચેમ્પિયનશિપ, જે અમદાવાદ ખાતે યોજવામાં આવેલ હતી તેમાં સિલ્વર મેડલ જીતી સૌનું ધ્યાન આકર્ષી લીધું હતું. ત્યાર બાદ ૧૯૯૪માં ઇટાલીના મિલાન ખાતે ૪૬મી વર્લ્ડ શૂટિગ ચેમ્પિયનશિપ (જુનિયર સેક્શન) વિશ્વ વિક્રમ સ્કોર સાથે, જીત મેળવી હતી. તેઓ કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં ભારતના સૌથી સફળ ખેલાડી રહ્યા છે, વર્ષ ૧૯૯૪, ૧૯૯૮, ૨૦૦૨ અને ૨૦૦૬ માં ભાગ લઈ કુલ ૧૫ મેડલ જીત્યા હતા જેમાં ૯ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૨ બ્રોન્ઝ છે. તેઓના પિતાશ્રી નારાયણસિહ રાણા તેમના પ્રથમ કોચ રહિયા હતા, જે પોતે પણ ખુબ સારા પિસ્તોલ શૂર્ટર હતા. ૧૮ વર્ષની વયે ભારત સરકાર દ્વારા રાણા ને અર્જુન પુરસ્કાર સાથે સમ્માનિત કરવામાં આવ્યા, જે ભારતમાં ખિલાડીને આપવામાં આવતો બીજો સર્વોચ્ચ સમ્માન છે, તેઓનો ૨૫-મીટર સેન્ટર ફાયર, ૨૫-મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ, અને ૧૦-મીટર એર પિસ્તોલ શૂટિગ ઇવેન્ટ માં દબદબો હતો.
જસપાલ રાણા એ, ઓલીમ્પિક ગેમ્સ ૧૯૯૬, એટલાંન્ટા માં ૧૦-મીટર એર પિસ્તોલ અને ૫૦મીટર ફ્રી-પિસ્તોલ માં એક રમતવીર તરીકે પણ ભાગ લીધો હતો.
એટલું જ નહિ વર્ષ ૧૯૯૭ માં તેમના શૂટિગ સ્પોર્ટ્સ માં મેળવેલ સિદ્ધિ અને યોગદાન બદલ પદમશ્રી એવોર્ડ થી પણ સમ્માનિત કરવામાં આવ્યા, જે ભારતમાં નાગરિકને મળતો ચોથો સર્વોચ્ચ સમ્માન છે. તેમણે વર્ષ ૨૦૦૬માં એશિયન ગેમ્સ-ડોહા માં ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ૩ ગોલ્ડ મેડલ, ૧ સિલ્વર મેડલ જીત્યા હતા. વર્ષ ૨૦૧૨ ની આસપાસ રાણાએ યુવા ભારતીય શૂટર્સને કોચિગ આપવાનું શરુ કર્યું અને બાદમાં દેહરાદૂન ખાતે, જસપાલ રાણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી ની સ્થાપના પણ કરી. કોચિગમાં તેમની શ્રેષ્ઠતા માટે જાણીતા, રાણાને વર્ષ ૨૦૨૦માં દ્રોણાચાર્ય પુરસ્કાર મળ્યો, જે રમતગમત કોચિગ માટે ભારતનો સર્વોચ્ચ સન્માન છે. તેમને વર્ષ ૨૦૨૫માં ઉત્તરાખંડ રાજ્યના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંથી એક, ઉત્તરાખંડ ગૌરવ સન્માન એનાયત કરવામાં પણ આવ્યો. આ બધા ઓપચારિક પુરાસ્કારોથી સન્માનિત થવા કર્તા પણ વધારે જસપાલ રાણા, એક એવા શૂર્ટર હતા જે સૌ ના દિલ માં પોતાની અનોખી પ્રતિભા થી હંમેશા રાજ કરશે, તેમની શૂટિગ સ્પોર્ટ્સ પ્રત્યે સ્પષ્ટ અને દ્રઢ વ્યક્તિત્વ સાથે ની વાતો સૌ ને હરહંમેશ યાદ રહેશે.
દિલ્હી શૂટિંગ રેન્જ ની એક વાત એવી પણ શૂટરઓના મુખે સાંભળવા મળે છે કે, જયારે પણ જસપાલ રાણા પિસ્તોલ શૂટિંગ ઇવેન્ટ માં ભારતની નેશનલ ચેમ્પિયનશિપ માં ભાગ લેતા ત્યારે અન્ય શૂર્ટર માત્ર સિલ્વર મેડલ જીતવા માટે મેહનત કરવાનું વિચારતા, કારણ કે આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલના વિજેતા તો રાણા જ હોય તેવું બધા માની લેતા, આવી ઓળખ ઉભી કરવામાં વર્ષોની તનતોડ મેહનત લાગે છે, અને અન્ય પ્રતિસ્પર્ધી શૂર્ટર પણ તેમને ખુબ માન આપતા, અને સાચા અર્થમાં એક ‘ચેમ્પિયન' ની ઓળખ તેમને મળી હતી.
જસપાલ રાણાએ મનુ ભાકરને કોચિગ આપ્યું હતું, જેમને પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિકમાં ઐતિહાસિક બે બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. તેમણે ભારતીય ૨૫ મીટર પિસ્તોલ શૂટિગ ટીમ માટે હાઇ-પર્ફોર્મન્સ કોચ તરીકે પણ સેવા આપી હતી, અને અન્ય ઉભરતી પ્રતિભાઓને જેમ કે સૌરભ ચૌધરી અને અનીશ ભાનવાલા ને પણ માર્ગદર્શન આપ્યું હતું, જેમને વર્લ્ડ કપ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ માં ઉત્કૃષ દેખાવ સાથે મેડલ જીતી આંતરાષ્ટ્રીય સ્તર એ ભારત નું નામ રોશન કર્યું છે.
જસપાલ રાણા નું વ્યક્તિત્વ એટલું સરળ હતું, કે વર્ષ ૨૦૨૪ માં ડો. કરણીસિહ શૂટિગ રેન્જ, દિલ્હીમાં જયારે તેમને હું વ્યક્તિગત મળ્યો હતો ત્યારે ભારત ની પિસ્તોલ શૂટિગ ટીમ ના ટ્રાયલ્સ ચાલતા હતા, અને તે શૂટરો ને બેઠા બેઠા રમતા નિહાળી રહિયા હતા, હું પણ ત્યાં જ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સપોર્ટ દ્વારા આયોજિત શૂટિગ સ્પોર્ટ્સ કોચિગ સર્ટિફિકેટ કોર્સ માટે સેલક્ટ થઇ ત્યાં ટ્રેનિગ માટે ગયો હતો. મે તેમને બેઠા જોયા અને મને તેમની પાસે જય ને મળવાની ઈચ્છા થઇ એટલે તરત તેમની બાજુમા બેસી ને કહ્યું, ‘સર આપ ભી રાણા હો...ઔર મે ભી રાણા હું... ઔર હમ દોનો એક શૂર્ટર હૈ, આપ પિસ્તોલ ઇવેન્ટ ખેલતે હૈ ઔર મે શોટગન ઇવેન્ટ ' આ વાક્ય સાંભળી તેમના ચેહરા ઉપર એક નિર્દોષ હાસ્ય જોવા મળ્યું, આ વાત કરી મે તેમની સાથે થોડી વાર્તાલાભ કરવા માટે મંજૂરી માંગી, તેમને મને ત્વરિત જ ‘હા' પાડી દીધી. મે તેમને એક જ સવાલ પૂછ્યો હતો કે, અહીંયા નેશનલ શૂટિગ ટીમ ના ટ્રાયલ્સ ચાલી રહિયા છે, અને જે અહીંયા વિજેતા થશે એ ઓલીમ્પિક ગેમ્સ માં ભારત નું નેતૃત્વ કરશે, અહીંયા રમી રહેલા તમામ શૂર્ટર તમારી નીચે ખાસ ટ્રેનિગ લીધી છે, તેમની પાસે વિશ્વ ની શ્રેષ્ઠ ગન અને એસસરીઝ છે, ફીઝિકલ ફિટનેસ તથા મેન્ટલ ટ્રેનિગ પણ ખુબ સારી હોય છે, અને આ રમતવીરો ભારતના ટોપ-પિસ્તોલ શૂર્ટર છે તો પણ વિજેતા એક જ થશે તો તમારું આ બાબત શુ અભિપ્રાય છે કે વિજેતા બનવા માટે ખાસ સેની જરૂર હોય છે, ખાસ કરીને ઓલીમ્પિક લેવલ એ ગોલ્ડ મેડલ જીતવા માટે, તેમને તરત જ એક જ લાઈન માં જવાબ આપ્યો, શૂટિગ ગેમ માં વિજય મેળવવા વિનિગ એટીટ્યુડ - એટલે કે જીત મેળવવાની સખ્ખત ચાહ, વિશ્વાસ અને તે માટે કઠોર પરિશ્રમ કરવાનો દ્રઢ નિヘય હોવો જોઈએ, અંતે વિજેતા એજ બને છે. જોકે મારા પોતાના વ્યક્તિગત શોટગન રમતના કોચ યોગીન્દરપાલ સિઘ પણ જસપાલ રાણા ના ખુબ સારા મિત્ર છે, અને મારી રમત શોટગન શૂટિગ કોચિગના કોર્સે બાબતની વાત કરી તો, એ ખુબ ખુશ થયાં અને કીધું હતું કે, તમારા ડિસ્ટ્રિક્ટમાં તમે શૂટિગ રમતનો પ્રચાર પ્રસાર કરો, તમે જીતશો તો અન્ય તમારા અચીવમેન્ટ માંથી પેરણા લેશે અને તમે સારા શૂર્ટર અને કોચ બનો એવા શુભ આશિષ પણ આપ્યા હતા, અને કીધું હતું કે તમારી શૂટિગ એકાદમીમાં તમે મને જયારે પણ આમંત્રણ આપશો ત્યારે હું ચોક્કસ નવા યુવા શૂર્ટરને પ્રોત્સાહિત કરવા આવીશ. આટલા મોટા શૂટિગ કોચ નેશનલ આઈકોન હોવા છતાં, તેમની નિખાલસ વાત અને શૂટિગ રમત પ્રતિયેનો પ્રેમ એ તમને જયારે પણ કોઈપણ મળે ત્યારે અનુભૂતિ થતી.
મારા જીવનની આ એક મુલાકાત એ આજે એક ખાસ પળ બની જશે એ મને પણ ખ્યાલ નતો, અને વધુમાં તારીખ ૧૨ જૂન ના સવારે ૧૦ વાગ્યે હું પોતે એક પિસ્તોલ શૂટિગ ચેમ્પિયનશિપ માટે ટ્રેનિગ કરતો હતો અને તેમની જ પ્રિય ઇવેન્ટ એટલે ૨૫ મીટર પિસ્તોલ શૂટિગ ની ટ્રેનિગ કરતા બ્રેક લઈ જયારે મે મારો ફોન હાથ માં લઈ ને જોયું ત્યારે જ જસપાલ રાણા ના દુઃખદ નિધન થયાં ના સમાચાર આવ્યા, આ પળ મારા જેવા અનેક શૂર્ટરઓ માટે ખુબ ભાવુક પળ સમગ્ર ભારતમાં બની હશે, ખાસ કરીને જેમને જસપાલ રાણાને નજીકથી જોયા અને જાણ્યા છે. એક વરિષ્ઠ પત્રકરના મુખે થોડા જ દિવસ પેલા એક વાત સાંભળી હતી કે ‘ભારતમાં મહાન થવા માટે તમારે મરવું પડે છે', પણ જસપાલ રાણા ભલે વ્યક્તિગત આજે આપણી સૌની વચ્ચે હવે નથી પણ એ હવે અમર બનીને કાયમ સૌને યાદ આવશે. તેમને લોકો જુદી-જુદી રીતે શ્રદ્ધાંજાલિ અર્પણ કરશે, મારો આ લેખ પણ એક એવી સોનેરી પ્રતિભાને સમ્માન આપવાનો પ્રયાસ છે.(૪૦.૪૭)
આલેખન
નિલરાજ ભરતસિંહ રાણા (શોટગન શૂટર - રાજકોટ)
મોં .૯૪૨૮૨૭૧૪૧૩
(3:54 PM IST)










