<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

ગોંડલની મસાલા ફેક્ટરી પર ખાદ્ય સુરક્ષા વિભાગની મેગા રેડ : ૧.૧૧ કરોડથી વધુની કિંમતનો ૩૫,૫૨૭ કિલો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો

જન આરોગ્યના સંરક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ, ભેળસેળ કરનારાઓ સામે કોઈપણ પ્રકારની ઢીલાશ નહીં રખાય - આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

રાજકોટ: રાજ્યમાં નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તેમજ જન આરોગ્યનું સંરક્ષણ સુનિશ્ચિત થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સીધા માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા કડક અમલીકરણની કામગીરી સતત ચાલુ છે. આ અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, રાજકોટની ટીમ દ્વારા ૧૭ જૂન, ૨૦૨૬ના રોજ ગોંડલ ખાતે આવેલી મે. સત્યમ મસાલા, ભીમવાડી ખાતે એક સઘન તપાસ (રેડ) કરીને કરોડો રૂપિયાનો શંકાસ્પદ મસાલાનો જથ્થો પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

 

 ધાણા, હળદર, મરચું અને કોર્ન પાઉડરના નમૂના લેવાયા:

ગોંડલની મસાલા ફેક્ટરીમાં કરવામાં આવેલી આ મોટી કાર્યવાહી દરમિયાન તપાસ ટીમ દ્વારા પેઢીમાંથી કુલ ચાર શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ફેક્ટરીમાંથી ધાણા પાઉડર (Loose) અને કોર્ન પાઉડર (Loose) ના શંકાસ્પદ નમૂનાઓ લેવાયા હતા અને સાથે જ આ બંને પદાર્થોનો આશરે ૬,૭૬૬ કિલોગ્રામ જેટલો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૮,૨૨,૬૨૦/- થાય છે.

 

 ૧.૦૨ કરોડથી વધુની કિંમતનું મરચું અને હળદર સીઝ:

આ સઘન ચેકિંગ દરમિયાન અધિકારીઓ દ્વારા મરચું પાઉડર (Loose) અને હળદર પાઉડર (Loose) ના પણ શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ફેક્ટરીના પરિસરમાંથી આ બંને ખાદ્ય પદાર્થોનો આશરે ૨૮,૬૭૧ કિલોગ્રામ જેટલો વિશાળ જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા ૧,૦૨,૮૧,૫૮૫/- થાય છે. તંત્ર દ્વારા આ આખો જથ્થો પણ તાત્કાલિક અસરથી સીઝ કરી દેવામાં આવ્યો હતો.

 

 લેબોરેટરીના અહેવાલ બાદ કરાશે કાયદેસરની કાર્યવાહી:

ખાદ્ય સુરક્ષા વિભાગની આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ફેક્ટરીમાંથી કુલ ૩ canvas,૫૨૭ કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કુલ્લે અંદાજિત કિંમત રૂપિયા ૧,૧૧,૦૪,૨૦૫/- (એક કરોડ અગિયાર લાખ ચાર હજાર બસો પાંચ) જેટલી થવા જાય છે. વિભાગ દ્વારા લેવામાં આવેલા ચારેય ખાદ્ય પદાર્થોના નમૂનાઓને ગુણવત્તાની ઝીણવટભરી ચકાસણી માટે માન્ય સરકારી પ્રયોગશાળા (લેબોરેટરી) માં મોકલી આપવામાં આવ્યા છે. આ લેબોરેટરીના પરીક્ષણ અહેવાલ આવ્યા બાદ તેના આધારે સંબંધિત પેઢી સામે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ હેઠળ જરૂરી કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

 જન આરોગ્ય સાથે ચેડા કરનારા સામે કડક પગલાં લેવાશે:

આ મોટી કાર્યવાહી અંગે વિગતો આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર જન આરોગ્ય સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળયુક્ત, હલકી ગુણવત્તાવાળા અથવા ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકતા ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા તત્વો સામે કડક આકરા પગલાં ભરવામાં આવશે. જન આરોગ્યના હિતમાં આવા તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલાશ કે ચલાવી લેવાની નીતિ રાખવામાં આવશે નહીં. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં આ ચકાસણી અભિયાનને વધુ વેગવંતું અને સઘન બનાવવામાં આવશે.

(6:35 PM IST)