<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

શિવાજીનગરમાં ફોટોફ્રેમના ધંધાના ખારમાં હુમલામાં ઘાયલ ગોપાલ જાદવનું મોતઃ બનાવ હત્‍યામાં પરિણમ્‍યો

રાજકોટમાં હુમલાની ઘટના હત્‍યામાં પરિણમીઃ છરીના ઘા ઝીંકાતા ઘાયલ યુવાનનું મોતઃ તેના કાકા સારવારમાં : શિવાજીનગરમાં જ રહેતાં અનિલ, તેના ભાઇ સુનિલ, બંનેના પિતા રમેશભાઇ પરમાર, કાકા ભરતભાઇ પરમાર અને માતા હંસાબેન વિરૂધ્‍ધ થોરાળા પોલીસે ગુનો નોંધ્‍યો હતોઃ સામા પક્ષે અનિલ પરમારની પણ મૃતક ગોપાલ ઉર્ફે પ્રકાશ જાદવ અને તેના કાકા વિજયભાઇ જાદવ વિરૂધ્‍ધ વળતી ફરિયાદ

રાજકોટ તા. ૨૬: દૂધ સાગર રોડ પર શિવાજીનગરમાં રહેતાં અને ફોટોફ્રેમનો ધંધો કરતાં યુવાન અને તેના કાકા પર રાતે ધંધાખારને કારણે શિવાજીનગરમાં રહેતાં બે સગા ભાઇઓ, તેના પિતા, કાકા, માતાએ મંડળી રચી છરી-ધોકાથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં કાકા-ભત્રીજાને સારવાર માટે દાખલ કરવામાં આવતાં થોરાળા પોલીસે હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો હતો. સારવાર દરમિયાન ભત્રીજાનું મોત થતાં બનાવ હત્‍યામાં પરિણમતાં જાદવ-કોળી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. વળતા હુમલામાં બે હુમલાખોર ભાઇઓ પણ ઘાયલ થયા હોઇ પોલીસે મૃતક અને તેના કાકા વિરૂધ્‍ધ પણ હુમલાનો ગુનો નોંધ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ શિવાજીનગર-૭માં રહેતાં ગોપાલ દેવજીભાઇ જાદવ (ઉ.વ.૩૨) અને તેના કાકા વિજયભાઇ નાથાભાઇ જાદવ (ઉ.વ.૪૦) પર રાતે શિવાજીનગરમાં અનિલ, સુનિલ, સહિતનાએ છરી-ધોકાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવમાં થોરાળા પોલીસે ગંભીર ઇજાગ્રસ્‍ત ગોપાલના નાના ભાઇ દૂધ સાગર રોડ પર શિવાજીનગર-૭માં રહેતાં અને  ફોટો ફ્રેમનો વેપારધંધો કરતાં રાહુલ દેવજીભાઇ જાદવ-કોળી (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી   આ વિસ્‍તારમાં જ રહેતાં સુનિલ, અનિલ, રમેશભાઇ, હંસાબેન અને ભરતભાઇ વિરૂધ્‍ધ ગેરકાયદે મંડળી રચી છરી, ધોકાથી હુમલો કરી રાહુલના ભાઇ ગોપાલ દેવજીભાઇ જાદવ (ઉ.વ.૩૨)ને પેટમાં ઘા મારી હત્‍યાની કોશિષ કરવાનો અને ગોપાલના કાકા વિજયભાઇ નાથાભાઇ જાદવ (ઉ.વ.૪૦)ને પણ ઇજાઓ પહોંચાડવાનો અને ધમકી આપવાનો ગુનો નોંધ્‍યો હતો. મોડી રાતે સારવારમાં ગોપાલ ઉર્ફે પ્રકાશ દેવજીભાઇ જાદવનું મૃત્‍યુ થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. પોલીસે હત્‍યાની કલમનો ઉમેરો કર્યો હતો.

આ બનાવમાં રાહુલ જાદવે ફરિયાદમાં હતું તે અને મોટા ભાઇ ગોપાલભાઇ ફોટો ફ્રેમનો વેપાર ધંધો કરતાં હોઇ તેમની સાથે સગામાં થતો અનિલ પરમાર પણ અગાઉ ફોટોફ્રેમનું કામ કરતો હતો. પરંતુ અનિલે કામ શીખી લીધા પછી તે હવે અલગથી ફોટોફ્રેમનો ધંધો કરે છે અને રાહુલ તથા ગોપાલના ગ્રાહકોને ઓછા ભાવે માલ આપી ગ્રાહકો તોડતો હોઇ આ બાબતે ગોપાલ અને અનિલ વચ્‍ચે અવાર-નવાર બોલાચાલી થઇ હતી. આ બાબતનું સમાધાન કરવા ગોપાલ અન તેના કાકા વિજયભાઇ જાદવ ગુરૂવારે રાતે અનિલ પરમારના ઘરે જતાં અનિલ, તેના ભાઇ સુનિલ, પિતા રમેશભાઇ, કાકા ભરતભાઇ, માતા હંસાબેન સહિતે ટોળકી રચી છરી-ધોકાથી હુમલો કર્યો હતો.

આ હુમલામાં ગોપાલ ઉર્ફે પ્રકાશ જાદવ અને તેના કાકા વિજયભાઇ જાદવને ગંભીર ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. થોરાળા પોલીસે હત્‍યાની કોશિષનો ગુનો અનિલ, સુનિલ સહિત પાંચ વિરૂધ્‍ધ દાખલ કર્યો હતો. જેમાં ગોપાલનું મોત થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે. હત્‍યાનો ભોગ બનનાર ગોપાલ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. યુવાન આધારસ્‍તંભની હત્‍યાથી જાદવ પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

આ મારામારીમાં સામા પક્ષે હુમલાખોર અનિલ, સુનિલના પિતા રમેશભાઇ નાનજીભાઇ પરમાર (ઉ.વ.૫૪) અને કાકા ભરતભાઇ નાનજીભાઇ પરમાર (ઉ.વ.૩૮)ને પણ ઇજા પહોંચી હોઇ પોલીસે  અનિલ  રમેશભાઇ પરમાર (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી ગોપાલ ઉર્ફે પ્રકાશ જાદવ અને તેના કાકા વિજયભાઇ જાદવ વિરૂધ્‍ધ પણ ગુનો નોંધ્‍યો હતો. અનિલે ફરિયાદમાં જણાવ્‍યું હતું કે તે ફોટોફ્રેમનો ધંધો કરતો હોઇ અને બજારથી નીચા ભાવે વેંચાણ કરતો હોઇ જે બાબતે ગોપાલ અને તેના કાકા વિજયભાઇએ ઝઘડો કરી ગાળોદઇ પાઇપ-ધોકાથી હુમલો કરતાં પોતાને અને તેના પિતા તથા કાકાને ઇજા થઇ હતી. થોરાળા પીઆઇ એસ. પી. સોઢા અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

(2:42 PM IST)