<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

વેરામાં વ્‍યાજ માફી યોજના ૩૧ ડિસેમ્‍બર સુધી લંબાવતા શાસકો

મનપાની સ્‍ટેન્‍ડીંગમાં ૪૯.૪ર કરોડના વિવિધ વિકાસકામો મંજુર : રાત્રી સફાઇ માટે નવી મશીનરી ખરીદવા તથા બાયો મેડીકલ વેસ્‍ટનો કોન્‍ટ્રાકટની દરખાસ્‍ત પેન્‍ડીંગઃ વોર્ડમાં કોર્પોરેટરો તથા સમીતી ચેરમેન સાથે ચર્ચા બાદ દરખાસ્‍ત રજુ કરવી : વોર્ડ નં. ૧૦માં અદ્યતન ફુડ લેબોરેટરી, આરોગ્‍ય કેન્‍દ્ર તથા રંગ ઉપવન સોસાયટીના ગેટ પાસેની જમીન પોલીસ ચોકી માટે ફાળવવા સહિતની ૩૦ દરખાસ્‍તોને મંજુરીની મ્‍હોર લગાવવામાં આવી હતી

મ્‍યુનિ.કોર્પોરેશનની સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠક આજે બપોરે સ્‍ટે.ચેરમેન પરેશ પીપળીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ વિકાસકામોની ૩૨ દરખાસ્‍તો ૪૯.૪૨ કરોડના વિકાસકામો અંગે નિર્ણય કરાયો હતો. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૧૬: મ્‍યુનિ.કોર્પોરેશનની સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠક આજે સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળિયાના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી. બેઠકમાં કુલ ૩૨ પૈકી ૩૦ દરખાસ્‍તને બહાલી આપીને રૂ. ૪૯.૪૨ કરોડનાં વિકાસકાર્યો મંજૂર કરવામાં આવ્‍યાં હતાં. જોકે રાત્રિ સફાઈની કામગીરી માટે ત્રણ વર્ષનો રૂ. ૧૧ કરોડનો રેઈટ કોન્‍ટ્રાક્‍ટ અને બાયો મેડિકલ વેસ્‍ટના નિકાલ માટેનો દ્વિ-વાર્ષિક રેઈટ કોન્‍ટ્રાક્‍ટ અભ્‍યાસ અર્થે પેન્‍ડિંગ રાખવામાં આવ્‍યો છે.

સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠક પૂર્વે યોજાયેલી સંકલન બેઠક એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ બેઠકમાં ભાજપના કોર્પોરેટરોએ રાત્રિ સફાઈ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે સવાલો ઉઠાવીને રજૂઆતો કરી હતી. શહેરના મુખ્‍ય માર્ગોની રાત્રિના સમયે સફાઈ માટે ટ્રક માઉન્‍ટેડ મિકેનિકલ પાવર રોડ વેકયૂમ સ્‍વીપિંગ મશીનની કામગીરીનો ત્રણ વર્ષનો રેઈટ કોન્‍ટ્રાક્‍ટ કરવા રૂ. ૧૧ કરોડના ખર્ચની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્‍ત સામે ભાજપના જ કેટલાક કોર્પોરેટરોએ અસંતોષ વ્‍યક્‍ત કર્યો હતો.

કોર્પોરેટરોએ સવાલ ઉઠાવ્‍યો હતો કે એક તરફ રાત્રિ સફાઈ માટે નવી મશીનરી ખરીદવાની વાત ચાલી રહી છે અને બીજી તરફ જૂનાં મશીનો ચાલતાં નહીં હોવાનું જણાવવામાં આવે છે, ત્‍યારે જૂની મશીનરી ચલાવવા માટે ત્રણ વર્ષમાં રૂ. ૧૧ કરોડનો ખર્ચ કરવાની શું જરૂર છે?

કેટલાક કોર્પોરેટરોએ રાત્રિ સફાઈની કામગીરી યોગ્‍ય રીતે થતી નહીં હોવાની અને માત્ર વેઠ ઉતારવામાં આવતી હોવાની ફરિયાદ પણ કરી હતી. આ કામગીરીમાં કેટલો મેનપાવર અને ડીઝલનો ખર્ચ થશે તેની સંપૂર્ણ વિગતો રજૂ કરવાના સૂચન સાથે દરખાસ્‍ત પેન્‍ડિંગ રાખવામાં આવી છે.

દરખાસ્‍તથી આરોગ્‍ય

ચેરમેન અજાણ

મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખા હસ્‍તકનાં યુપીએચસી, યુસીએચસી તથા અન્‍ય શાખાઓમાંથી નીકળતા બાયો મેડિકલ વેસ્‍ટના નિકાલ માટે દ્વિ-વાર્ષિક રેઈટ કોન્‍ટ્રાક્‍ટ કરવાની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી હતી. તેમાં ડિસ્‍ટ્રોમેડ બાયોક્‍લીન પ્રાઇવેટ લિમિટેડને બાયો મેડિકલ વેસ્‍ટના નિકાલ માટે પ્રતિ કિલો રૂ. ૪૦.૫૦ ચૂકવવાની જોગવાઈ હતી. જોકે આ દરખાસ્‍ત અંગે આરોગ્‍ય સમિતિના ચેરમેન ડો. રિંકલ મેઘાણી જ અજાણ હોવાનું સામે આવતાં દરખાસ્‍તને અભ્‍યાસ અર્થે પેન્‍ડિંગ રાખવામાં આવી હતી.

આ ઘટનાને પગલે તમામ શાખા અધિકારીઓને સ્‍પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ દરખાસ્‍ત સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ રજૂ કરતાં પહેલાં સંબંધિત સમિતિના ચેરમેનના ધ્‍યાન પર મૂકવી. સમિતિના ચેરમેનની સહમતી મળ્‍યા બાદ જ દરખાસ્‍ત સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે.

વ્‍યાજમાફી યોજનાની

મુદત હવે ૩૧ ડિસેમ્‍બર સુધી

મહાનગરપાલિકા દ્વારા વ્‍યાજમાફી યોજનાની મુદત ૩૦ નવેમ્‍બર સુધી લંબાવવાની મંજૂરી માગવામાં આવી હતી. જોકે સ્‍ટેન્‍ડિંગ કમિટીએ યોજનાની મુદત વધુ એક મહિનો વધારીને ૩૧ ડિસેમ્‍બર સુધી કરવાની મંજૂરી આપી છે.

આ ઉપરાંત સ્‍ટેન્‍ડિંગ કમિટી બેઠકમાં મૂળ રકમ કરતાં વધુ વ્‍યાજ નહીં વસૂલવાની દરખાસ્‍તને પણ મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર ૧૦માં આરોગ્‍ય કેન્‍દ્ર, ફૂડ લેબોરેટરી અને મેલેરિયા ઓફિસ બનાવવા તથા વોર્ડ નં.રના રંગઉપવન સોસાયટીના ગેઇટ પાસે પોલીસ ચોકી બનાવવા જમીન આપવા સહિતની ૩૨ દરખાસ્‍તો અંગે નિર્ણય લેવામાં આવ્‍યો હતો

(3:16 PM IST)