હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકુમાર કોલેજમાં અખિલ ભારતીય બેન્ડ પ્રતિયોગિતાનો ભવ્ય પ્રારંભ
રાજકોટમાં ગુંજશે બેન્ડના સૂર : દેશની ૧૧ પ્રતિષ્ઠિત પબ્લિક સ્કૂલોની ટીમો ભાગ લઇ રહી છે : ૩૩૦ પ્રતિસ્પર્ધી અને મહેમાનોની ઉપસ્થિતિ

રાજકોટ : ભારતની ઐતિહાસિક રાજકુમાર કોલેજ, રાજકોટ ખાતે તા. ૨ અને ૩ નવેમ્બર દરમિયાન ઇન્ડિયન પબ્લિક સ્કૂલ્સ કોન્ફરન્સ (IPSC) અંતર્ગત અખિલ ભારતીય (આઇપીએસસી) બેન્ડ પ્રતિયોગિતા-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાની પ્રતિયોગિતામાં દેશનાં વિવિધ રાજ્યોની ૧૧ જેટલી પ્રતિષ્ઠિત પબ્લિક સ્કૂલોની બેન્ડ ટીમો ભાગ લેવા રાજકોટના આંગણે આવી રહ્યાનું કોલેજની યાદીમાં જણાવાયું છે.
બે દિવસ સુધી ચાલનારી આ પ્રતિયોગિતામાં વિવિધ શાળાઓના સ્પર્ધકો, ટીમ મેનેજરો અને અન્ય આમંત્રિત મહેમાનો સહિત ૩૪૦ જેટલા મહેમાનો ઉપસ્થિત રહેશે. આ પ્રતિયોગિતા દ્વારા વિદ્યાર્થીઓને પોતાની સંગીતપ્રતિભા, શિસ્ત, તાલમેલ, એકાગ્રતા અને સમૂહભાવનાનું પ્રદર્શન કરવાની તક મળશે. સાથે જ વિવિધ રાજ્યોની શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સાંસ્કળતિક આદાનપ્રદાન અને પરસ્પર સૌહાર્દને પણ પ્રોત્સાહન મળશે.
આ પ્રતિયોગિતા અંતર્ગત ‘‘બ્રાસ બેન્ડ'' અને ‘‘પાઇપ બેન્ડ'' એમ બે વિભાગોમાં પ્રતિયોગિતાઓ યોજાશે. દેશના અગ્રણી અને અનુભવી બેન્ડ નિષ્ણાતો નિર્ણાયક તરીકે પોતાની સેવા આપશે, જેઓ પ્રતિસ્પર્ધીની રજૂઆત, સંગીતની ગુણવત્તા, શિસ્ત, તાલમેલ તથા પ્રસ્તુતિના વિવિધ પાસાઓના આધારે મૂલ્યાંકન કરશે.
પ્રતિયોગિતાનો ઉદ્ધાટન સમારંભ તા. ૨ નવેમ્બર સાંજે ૪ વાગ્યે રાજકુમાર કોલેજ, રાજકોટ ખાતે યોજાશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના લોકાયુક્ત જસ્ટિસ શ્રી બિરેન વૈષ્ણવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી સ્પર્ધાનું ઉદ્ધાટન કરશે.
પ્રતિયોગિતાનો સમાપન સમારંભ તા. ૩ નવેમ્બરના રોજ યોજાશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ આઇપીેએસસીના અધ્યક્ષ તથા એલ. કે. સિંઘાનિયા એજ્યુકેશન સેન્ટર, ગોટનના આચાર્ય શ્રી આર. સી. જોશી અને IPSCના સચિવ અને દિલ્હી સ્થિત ધ માન સ્કૂલના આચાર્ય શ્રી શ્રીનિવાસન શ્રીરામ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. સમાપન સમારંભ દરમિયાન વિજેતા ટીમો અને પ્રતિસ્પર્ધીને ઇનામો તથા પુરસ્કારો એનાયત કરવામાં આવશે.
આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકુમાર કોલેજના વિશાળ કેમ્પસમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કોલેજના આચાર્ય શ્રી યશ સક્સેનાના માર્ગદર્શન હેઠળ કોલેજના સમગ્ર સ્ટાફ દ્વારા આયોજનની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનું રાજકુમાર કલેજની યાદી જણાવે છે.
રાજકુમાર કોલેજ દ્વારા આયોજિત આ પ્રતિયોગિતા રાજકોટ શહેર માટે ગૌરવની બાબત બની રહેશે. દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓની પ્રતિભા અને શિસ્તબદ્ધ બેન્ડ પ્રસ્તુતિઓ નિહાળવાની તક પૂરી પાડતી આ સ્પર્ધા શૈક્ષણિક તેમજ સાંસ્કળતિક ક્ષેત્રે આંતરશાળા સહભાગિતાને નવી ઊંચાઈએ લઈ જશે તેવી શ્રદ્ધા સંસ્થાએ દર્શાવી છે.










