તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
આવતીકાલથી સનાતન સેતુ હનુમંત કથાનો ભવ્ય પ્રારંભ
સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાના ઘર આંગણે રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે તા.૫-૬-૭ જૂન યાદગાર બની રહેશે : સંપૂર્ણ વ્યવસ્થા સાથે મેદાન સજ્જઃ ભવ્ય સ્ટેજ, સમગ્ર ગ્રાઉન્ડમાં ૨૪ ખંડમાં વિભાજીત બેઠક વ્યવસ્થા, (ગંગા, યમુના સરસ્વતી, ગોદાવરી,) પવિત્રના નદીઓના નામ ઉપર ખંડના નામ આપવામાં આવ્યા છે, વિશાળ એલીડી સ્ક્રીન, અધ્યતન સાઉન્ડ સિસ્ટમ, અધ્યતન સીસી ટીવી કેમેરા તેમજ વીમા કવચ સાથે સુંદર વ્યવસ્થા..

રાજકોટઃ આવતીકાલે તા.૫-૬-૭ જૂન ને શુક્રવાર, શનિવાર અને રવિવાર ત્રિદિવસીય સનાતન સેતુ હનુમંત કથાનું રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે.
બીજા દિવસે બાબાનો દિવ્ય દરબાર લાગશે. તારીખ ૫-૬-૨૦૨૬ શુક્રવાર ના રોજ ભવ્ય પ્રારંભ થશે. રાજકોટ અને સૌરાષ્ટ્ર ના વિવિધ ધાર્મિક સંસ્થાઓના સંતો-મહંતો-અગ્રણીઓ આ કથાના માધ્યમથી હિન્દુ સમાજને સંગઠીત બનાવવાની નેમ સાથે અપીલ કરતા જણાવે છે કે સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને ઘર આંગણે બાગેશ્વરધામ સરકારના દર્શન-સત્સંગ કથા અને દિવ્ય દરબાર નો ત્રિવેણી સંગમ ભર્યો અનેરો અવસર આવ્યો છે ત્યારે હિન્દૂ ધર્મપ્રેમી ભક્તો સહ પરિવાર જોડાવા આહવાન કર્યું છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા કથાના સ્થળે રક્તદાન કેમ્પ ની ખાસ વ્યવસ્થા. શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી સિવિલ હોસ્પિટલના લાભાર્થે કથા દરમિયાન ત્રણ દિવસ બ્લડ ડોનેશન કેમ્પ રહેશે.
સૌરાષ્ટ્ર અને રાજકોટની ધર્મ પ્રેમી જનતાઓને કથા સ્થળે આવવા માટે પ્રવેશ દ્વારાઃ રેસકોર્સ રીંગરોડ પર આવેલા (૧)ફન વર્લ્ડની બાજુમાં આવેલ ગેટ નંબર ૧ અને ૨ જાહેર જનતા માટે, (૨)પોલીસ હેડ ક્વાર્ટર પાસે ગેટ નંબર -૩ સાધુ-સંતો,યજમાન પરિવાર અને આમંત્રિત મહેમાનો માટે, (૩)મહિલા પોલીસ સ્ટેશનની સામે આવેલ ગેટ નંબર - ૪ પ્રોટોકોલ માટે, (૪)એરપોર્ટ રોડ ગેટ નંબર - ૫ અને બાલભવન ગેટ નંબર - ૬ જાહેર જનતા માટે પ્રવેશની વ્યવસ્થા કરેલ છે. પાર્કિગ માટેની વ્યવસ્થાઃ પાર્કિગ માટે ભક્તોને અગવડ ન પડે તે માટે ચૌધરી હાઇસ્કુલ,અને રિલાયન્સ ગ્રાઉન્ડ નું આયોજન કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા કોઇપણ પ્રકારનો ફાળો ઉઘરાવવામાં આવશે નહીં: આ કથાના આયોજન માટે ખર્ચ માટે સમિતિ દ્વારા કોઈપણ પ્રકારનો ફાળો ઉઘરાવવામાં આવશે નહીં. આ કથાનો સંપૂર્ણ ખર્ચ યજમાન દ્વારા અનુદાન કરવામાં આવેલ છે. પરંતુ જે કોઈ ધર્મપ્રેમી જનતાને અનુદાન આપવાની ઈચ્છા હોય તેઓ બાબા બાગેશ્વર ધામને તેમની સેવાકીય પ્રવૃત્તિ માટે આપી શકે છે. તેમજ બાગેશ્વર ધામ ના બેંક ખાતામાં આપી શકાય છે.
બાબા બાગેશ્વર ધામ દ્વારા માનવ સેવા, સંસ્કૃતિ અને રાષ્ટ્ર ઉત્થાનના પાંચ મહાસંકલ્પોઃ બાગેશ્વર ધામ આજે માત્ર એક આધ્યાત્મિક આસ્થા કેન્દ્ર જ નહીં પરંતુ માનવ સેવા, ગૌસેવા, સંસ્કૃતિ સંરક્ષણ અને રાષ્ટ્ર નિર્માણનું પ્રેરણાદાયી કેન્દ્ર બની રહ્યું છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું બાગેશ્વર ધામ સ્વયંભૂ હનુમાનજીના ભક્ત માટે વિશ્વભરમાં જાણીતી પવિત્ર ભૂમિ છે.
ધીરેન્દ્રકૃષ્ણ શાષીના માર્ગદર્શન હેઠળ ધામ દ્વારા સમાજ કલ્યાણ માટે અનેક સેવાકીય અને જનહિતકારી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સનાતન સંસ્કૃતિના જાગરણ સાથે માનવતાની સેવા માટે પાંચ મહાન સંકલ્પો દ્વારા લાખો લોકોના જીવનમાં આશાનો પ્રકાશ પ્રગટાવવામાં આવી રહ્યો છે.
૧. વિનામૂલ્યે આધુનિક હોસ્પિટલ સેવાઃ વર્ષ ૨૦૨૩ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ના હસ્તે ૨૫ એકર વિસ્તારમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અંદાજિત ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામતી આ ૧૦૦ બેડની હોસ્પિટલ વર્ષ ૨૦૨૭ સુધી કાર્યરત થવાની સંભાવના છે. અહીં ગરીબ, પછાત અને આદિવાસી દર્દીઓને કેન્સર, નેત્રરોગ, ઓર્થોપેડિક તથા કિડની સંબંધિત સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
૨. કન્યા વિવાહ મહાયજ્ઞઃ બાબા બાગેશ્વર ધામ દર વર્ષે આશરે ૩૦૦ ગરીબ અને નિરાધાર દીકરીઓના સમૂહલગ્ન એક પિતાની લાગણી સાથે વૈદિક વિધિ મુજબ સંપન્ન કરાવે છે. સંપૂર્ણ નિઃશુલ્ક યોજાતા આ લગ્ન પ્રસંગે નવદંપતીને જીવનનિર્વાહ માટે જરૂરી સાધનો અને સહાય પણ આપવામાં આવે છે.
૩. ગૌસેવા અને ગૌસંરક્ષણ અભિયાનઃ ગૌમાતાની સેવા અને સંરક્ષણ માટે ધામ દ્વારા ‘‘એક હિન્દુ એક ગાય'' નો સંદેશ આપવામાં આવ્યો છે. ગાય રાખવામાં અસમર્થ લોકો ગરીબ ગૌપાલકોને આર્થિક સહાય કરે તેવો માનવતાભર્યો સંદેશ આપવામાં આવે છે, જેથી ગૌસેવા સાથે ગરીબ પરિવારનું જીવન પણ સુખમય બની શકે.
૪. વૈદિક ગુરુકુળ દ્વારા સંસ્કૃતિ જતનઃ ભારતીય સંસ્કૃતિ, વેદજ્ઞાન અને સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે બાગેશ્વર ધામ ખાતે વૈદિક ગુરુકુળની સ્થાપના કરવામાં આવી રહી છે. અહીં વિદ્યાર્થીઓને વેદોનું જ્ઞાન, આધ્યાત્મિક શિક્ષણ તેમજ આધુનિક અભ્યાસનું સંકલિત શિક્ષણ આપવામાં આવશે, જેથી ભાવિ પેઢી સંસ્કારવાન અને રાષ્ટ્રપ્રેમી બને.
૫. અન્નપૂર્ણા ભોજનાલય કોઈ ભૂખ્યું ન રહેઃ ધામ ખાતે આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક અન્નપૂર્ણા ભોજનાલય કાર્યરત છે. ‘‘કોઈ પણ ભક્ત ભૂખ્યો ન સૂવે'' એવા પવિત્ર સંકલ્પ સાથે દરરોજ હજારો લોકોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે.
બાગેશ્વર ધામ દ્વારા ચાલી રહેલી આ સેવાકીય પ્રવૃત્તિઓ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. આધ્યાત્મિકતા સાથે માનવ સેવા, ગૌસેવા અને સંસ્કૃતિ જતનના આ મહાયજ્ઞને દેશ-વિદેશમાંથી વિશાળ સમર્થન મળી રહ્યું છે. ઉપરોક્ત સેવા ધર્મમાં જે કોઈ ધર્મ પ્રેમીઓને અનુદાન આપવું હોય તેઓએ કથા સ્થળે રેસકોર્સ મેદાન ખાતે તેઓના ૪ કાઉન્ટર ખોલવામાં આવેલ છે, ત્યાં અનુદાન જમા કરાવી શકાશે અને પાકી પહોંચ મેળવી લેવાની રહેશે.
આવા પવિત્ર સંકલ્પ સાથે સનાતનીઓને જગાડવાની જેમણે અલખ જગાવેલી છે. તેવા પ્રખર સનાતની વક્તા, વિશ્વનું ગૌરવ, બાગેશ્વરધામ સરકારની ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીની સનાતન સેતુ હનુમત કથામાં સમગ્ર ધર્મપ્રેમી જનતાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવુ સૌરાષ્ટ્ર સનાતન સમિતિ વતી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.(૪૦.૩૯)
સુસ્વાગતમઃ રાજકોટના મહેમાન....
હિદુઓમાં સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ, સમાજના સકારાત્મક મૂલ્યો, રાષ્ટ્ર ભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો લોકોમાં સંચાર થાય અને સનાતન ધર્મની ધ્વજા ફરકતી રહે તે માટે બાબા બાગેશ્વર દેશ અને દુનિયામાં ભ્રમણ કરી રહ્યા છે. તેમનું પૂરું નામ પૂ. શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાષીજી જેમનું લોકપ્રિય નામ બાબા બાગેશ્વર, પીઠાધીશ્વર, બાગેશ્વરધામ સરકાર, મુખ્ય ધામ છતરપુર, મધ્ય પ્રદેશ (એમ.પી.) જેઓનું મુખ્ય કાર્ય અને લક્ષ્ય દેશ અને વિદેશમાં સનાતન ધર્મનો ધ્વજ ફરકાવવો. લોકોમાં સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ અને સમાજમાં સકારાત્મક મૂલ્યોનું સિચન કરવું. રાષ્ટ્ર ભાવના અને આધ્યાત્મિક જાગૃતિ લાવવા માટે દેશ-વિદેશમાં ભ્રમણ કરતા રહી સનાતનનો ધ્વજ ફરકાવી રહયા છે. તેઓ કથાની સાથે ‘દિવ્ય દરબાર' ના આયોજન માટે પણ જાણીતા છે. તેમજ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહયા છે.
સનાતન સેતુ હનુમંત કથા રેસકોર્સ ખાતે તા. પ, ૬, ૭ જુનના રક્તદાન કેમ્પ રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે
અત્યારે ઉનાળાની સખત ગરમીના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના બ્લડની સખત અછત છે, ત્યારે જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભ આશયથી, સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેનશના સહયોગથી, સનાતન સેતુ હનુમંત કથા રેસકોર્સ ખાતે તા. પ, ૬, ૭ જુનના શુક્ર, શનિ, રવિવારે સાંજે ૬ થી ૧ર, રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ રકતદાન કેમ્પમાં સનાતન સેતુ સમિતિ, શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશન તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલના એમ.ડી. પેથોલોજીસ્ટ ડોકટર્સની ટીમ માનદ્દ સેવા આપશે. રકતદાતાઓને બોહળી સંખ્યામાં રકતદાન કરવા નમ્ર વિનંતી છે. આપના સ્નેહીના જન્મદિવસ કે સ્મૃતિરૂપે રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન કરવા, અંગદાન, દેહદાન, ત્વચાદાન, ચક્ષુદાન, થેલેસેમીયા જાગૃતિ સેમિનાર કરવા કે જીવદયાના અન્ય કોઇપણ કાર્યો માટે શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી - ૯૪ર૮૦૦૬૬૦નો સંપર્ક કરવા વિનંતી.
(2:20 PM IST)










