News of Friday, 25th September 2026
ગર્ભવતી પત્નીની સારવાર માટે પૌત્રએ દાદીના ઘરમાં ચોરી કરી !
નાણાભીડ વચ્ચે પૈસા માગવા છતાં નહી આપતા ‘હાથફેરો' મચ્છોનગરમાં વૃધ્ધાના મકાનમાંથી ૪.૭૭ લાખના ઘરેણાની ચોરી કરનાર પૌત્ર અશ્વિનને આજીડેમ પોલીસના પીઆઇ એચ.એન. પટેલ અને પીએસઆઇ વી.જી. ડોડીયાની ટીમે ઝડપી લીધો

રાજકોટઃ તા.રપ, સામાકાઠે રાંદરડા તળાવ પાસે મચ્છોનગરમાં રહેતા અને શાકભાજીનો ઘંધો કરતા વૃધ્ધાના મકાનમાંથી રૂા.૪.૭૭ લાખની કિંમતના ઘરેણા ચોરી થયાની ફરીયાદ નોંધાઇ હતી જે ગુનાનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી નાખી વૃધ્ધા જ પૌત્રને ઝડપી ચોરાઉ ઘરેણા સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.
મચ્છોનગરમાં રહેતાં રામુબેન ગોરીસવા (ઉ.વ. ૬પ) ગઇ તા. ૧૭ ના તેની પૌત્રી સાથે ગોંડલ ચોકડી પાસે કામ સબબ ગયા હતા, તે વખતે દરવાજાને લોક કરતા ભૂલી ગયા હતા થોડા સમયબાદ પરત આવીને જોતા તેણે પલંગ નીચે ટંકમાં રાખેલ ૪.૭૭ લાખના ઘરેણા જોવા નહી મળતા ફરીયાદ નોંધાવી હતી. બીજી તરફ આજીડેમ પોલીસના પીઆઇ એચ.એન. પટેલની રાહબારીમાં પીએસઆઇ વી.જી.ડોડીયાની ટીમે સીસીટીવી ફૂટેજ સહિતના આધારે ગનાનો ભેદ ઉકેલવા કવાયત શરૂ કરી હતી, બાદમાં બાતમીના આધારે વૃધ્ધા રામુબેનના જ પૌત્ર અશ્વિન વિજયભાઇ ગોરાસવા (ઉ.વ. ર૦, રહે. મચ્છોનગર શેરી નં. ૧ પ્રદ્યુમન પાર્ક પાસે, માર્કેટીંગ યાર્ડ પાછળ) ને પકડી લઇ પુછતાછ કરતા તેઓ જ ચોરી કર્યાની કબુલાત આપી હતી, પોલીસે ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના સહિત રૂા. પ.૯૯ લાખનો મુદામાલ કબજે કરી તેની વધુ પુછતાછ જારી રાખી છે. પોલીસે જણાવેલ કે, આરોપી અશ્વિન છુટક શાકભાજી વેચવા ઉપરાંત રીક્ષા પણ ચલાવે છે તેની પત્ની ગર્ભવતી છે જેની સારવાર અને દવાના ખર્ચ કારણે નાણાભીડ ઉભી થઇ હતી તેવો અગાઉ પરિવારજનો પાસે પૈસાની માંગણી કરી હતી, પરંતુ તે અલગ રહેતો હોવાથી પૈસા અપાયા ન હતા, બાદમાં તકનો લાભ લઇ તેવો દાદીના મકાનમાંથી ચોરી કરી લીધી હતી. આ કામગીરી પોલીસ ઇન્સપેકટર એચ.એન.પટેલ તથા પો. સબ. ઇન્સ. વી.જી.ડોડીયા તથા પો. હેડ કોન્સ. પિયુષભાઇ ચિરોડીયા તથા હિતેષભાઇ અગ્રાવત તથા ભરતભાઇ જોગીયા તથા દેવાંગભાઇ પાલા તથા સંજયભાઇ મિયાત્રા તથા હરપાલસિંહ જાડેજા તથા પો. કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા કુલદિપસિંહ જાડેજા તથા પ્રતિકભાઇ બોરસદીયા તથા સાવનભાઇ સાંગાણી તથા વિશ્વરાજસિંહ પરમારે કરી હતી.
(2:50 PM IST)










