તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ૩૩% ઘટશે, દેશભરમાં ૨૨%નું ગાબડું
દેશનું કુલ ઉત્પાદન ૮૪ લાખ ટનથી ઘટીને ૬૫ લાખ ટન થવાનો અંદાજ, નવેમ્બર-ડિસેમ્બર સુધી ભાવ પર દબાણ બાદ મધ્યમ ગાળામાં મગફળીમાં તેજીના સંકેત : રાજકોટમાં ૧૪૦૦થી વધુની હાજરીમાં દેશનો પાક અંદાજ જાહેર : ગુજરાતમાં ૪૪-૪૫ લાખ ટન સામે હવે માત્ર ૨૮-૩૦ લાખ ટન પાકની શકયતા

રાજકોટ : ઇન્ડિયન પીનટ બ્રોકર્સ એસોસીએશનની બેઠકમાં નવી મોસમના મગફળીના પાકને લઈને ચોંકાવનારા અંદાજો રજૂ થયા હતા. દેશભરમાંથી મગફળી-દાણા ઉત્પાદકો, બ્રોકરો, નિકાસકારો અને પ્રોસેસરો સહિત ૧૪૦૦થી વધુ લોકોની હાજરી વચ્ચે યોજાયેલી વિશેષ પેનલ ચર્ચામાં સમગ્ર દેશના ઉત્પાદનના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ચર્ચામાં પાછલા વર્ષની સરખામણીએ દેશના મગફળી ઉત્પાદનમાં આશરે ૨૨ ટકાનો ઘટાડો થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી હતી.
ગયા વર્ષે દેશમાં આશરે ૮૪ લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું, જે નવી મોસમમાં ઘટીને લગભગ ૬૫ લાખ ટન રહેવાનો અંદાજ પેનલમાં રજૂ થયો હતો. ગુજરાતમાં સૌથી મોટો ઘટાડો થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. ગયા વર્ષે ગુજરાતમાં આશરે ૪૪થી ૪૫ લાખ ટન ઉત્પાદન સામે આ વર્ષે માત્ર ૨૮થી ૩૦ લાખ ટન પાક આવવાની ધારણા છે.
રાજકોટના ડાયાલાલ કેસરીયાએ જણાવ્યું હતું કે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર પંથકમાં વરસાદની ભારે ખાધને કારણે મગફળીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની શકયતા છે. ગુજરાતના પાકમાં પડનારા આ મોટા ગાબડાની સામે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાંથી થોડી રાહત મળવાની ધારણા છે. બંને રાજ્યોના બ્રોકરોએ ગયા વર્ષના આશરે ૧૦ લાખ ટન સામે આ વર્ષે ૧૫થી ૧૫.૫૦ લાખ ટન પાક થવાનો અંદાજ રજૂ કર્યો હતો.
રાજસ્થાનમાં ગયા વર્ષના ૧૯ લાખ ટન સામે આ વર્ષે આશરે ૧૩ લાખ ટન, કર્ણાટકમાં ૨ લાખ ટન તથા આંધ્રપ્રદેશ અને તેલંગણામાં સંયુક્ત રીતે આશરે ૪.૫૦ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત થયો હતો.
બેઠકમાં મગફળીના ભાવ અંગે પણ મહત્વની ચર્ચા થઈ હતી. નવેમ્બર-ડિસેમ્બર સુધી આવકનું દબાણ રહેવાના કારણે ભાવ પર થોડું દબાણ રહી શકે છે. જોકે આવક ચરમસીમાથી નીચે જતી દેખાશે અને બજારમાં માગનો ટેકો મળશે ત્યાર બાદ મધ્યમ ગાળામાં મગફળીમાં તેજી શરૂ થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી હતી. ઇન્ડિયન પીનટ બ્રોકર્સ એસોસીએશનના સેક્રેટરી નીરજ અઢીયાએ જણાવ્યું હતું કે સંગઠનની બીજી બેઠક રાજકોટમાં યોજાઈ હતી. જેમાં ભારતભરમાંથી મગફળીના વેપાર સાથે સંકળાયેલા વર્ગે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
બેઠકના પ્રારંભે પ્રમુખ શૈલેષ નથવાણીએ મગફળીના વેપારમાં આવતી સમસ્યાઓ તથા ભારતની આગેવાની અંગે માહિતી આપી હતી. ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય અને પૂરો ભાવ મળે તો મગફળીનો વેપાર લાંબા સમય સુધી ટકી શકે તેવી હાકલ તેમણે કરી હતી. ખેડૂત ફિડઝ એન્ડ ફૂડના તુષાર ઠુંમરે મગફળીના સ્થાનિક અને વૈશ્વિક બજારની વિસ્તળત છણાવટ કરી હતી. મગફળીનો વિવિધ પ્રોડક્ટમાં થઈ રહેલો ઉપયોગ સમજાવતા તેમણે ઇન્સ્ટન્ટ ફૂડના મસાલાથી લઈને પ્રોટીન પાઉડર સુધી મગફળીના ડીઓસીના ઉપયોગ અંગે માહિતી આપી હતી.
બેઠકમાં ભારતમાં મગફળીની બગડતી ગુણવત્તા, આફ્લાટોક્સિનની સમસ્યા, જમીનની ફળદ્રુપતા, રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગ અને નિકાસમાં પડતી અડચણો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપપ્રમુખ ધર્મેશ કાનાબર, પૂર્વાંગ વોરા, વિશાલ રૂપારેલ અને ચિરાગ ગાંધીએ પણ પ્રાસંગિક માહિતી આપી હતી.
ઓછા ઉત્પાદનને કારણે મગફળીના ભાવ ઊંચા રહેવાની અને તેના પરિણામે સીંગતેલના ભાવમાં પણ મોટો ઘટાડો ન થવાની ચર્ચા બેઠકમાં થઈ હતી. ભરવાની મોસમ શરૂ થયા બાદ જો બજારમાં માંગનો ટેકો જળવાઈ રહેશે તો સીંગતેલના ભાવમાં વધારો શરૂ થઈ શકે છે.
દર વર્ષે આશરે ૬.૫થી ૭ લાખ ટન મગફળી નિકાસ થાય છે. આ વખતે નિકાસનો આંકડો ૮.૫ લાખ ટન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે, પરંતુ દેશમાં ઘટેલા ઉત્પાદનના અંદાજને કારણે આ લક્ષ્યાંક હાંસલ કરવો પડકારરૂપ બની શકે છે. બીજી તરફ વૈશ્વિક બજારમાં આયાતકાર દેશોમાં ગુણવત્તાના મુદ્દે પણ ભારતીય મગફળી સામે પડકારો વધી રહ્યા હોવાનું બેઠકમાં જણાવાયું હતું.
આ બેઠકમાં એસો.ના પ્રમુખ શૈલેષભાઇ નથવાણી, વા. પ્રેસીડેન્ટ ધર્મેશભાઇ કાનાબાર, નિરજ અઢીયા (ડીએસએન એગ્રો બ્રોકર, રાજકોટ, સેક્રેટરી આઇપીબીએ, મો. ૯૮રપર૮પ૪ર૯) અને પૂર્વાંગ વોરા (ખજાનચી આઇપીબીએ, મો. ૯૯રપ૧પપ૦પ૬), સભ્ય ચિરાગભાઇ ગાંધી વિ. ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(11:23 AM IST)










