News of Saturday, 23rd May 2026
એસ.ટી. નિગમના ખાનગીકરણના વિરોધમાં ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘ મેદાનમાં
હાઈકોર્ટના આદેશોનો અનાદર કરી ખાનગી એજન્સીઓને ફાયદો કરાવવાના કારસા સામે ભડકતોમાં અસંતોષઃ ગાંધીચીંધ્યા માર્ગે તબક્કાવાર આંદોલનની ચીમકી

રાજકોટઃ ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) ના ખાનગીકરણના વિરોધમાં ‘ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંદ્ય' દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવી આરપારની લડાઈના એંધાણ આપ્યા છે. મહાસંદ્યે આક્ષેપ કર્યો છે કે, રાજય સરકારની ‘નહીં નફો, નહીં નુકસાન'ના ધોરણે છેવાડાના માનવી સુધી સસ્તી અને સલામત પરિવહન સેવા પૂરી પાડવાની ફરજ હોવા છતાં, નિગમના જ કેટલાક ઉચ્ચ અધિકારીઓ મેનેજમેન્ટ સાથે મળીને ઈરાદાપૂર્વક ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યા છે.
મઝદૂર મહાસંઘના પ્રદેશ પ્રમુખ વંદિપસિંહ મહિડા મો.૯૭૨૪૩ ૩૯૩૪૫ અને પ્રદેશ મહામંત્રી મુકેશભાઇ પટેલ મો. ૯૯૭૪૦ ૨૦૭૫૦એ અખબારી યાદીમાં જણાવ્યું છે. એસ.ટી. નિગમના ડ્રાયવર, કંડક્ટર અને અન્ય કર્મચારીઓ રાત-દિવસ કાળી મજૂરી કરીને નિગમને કમાણી કરી આપે છે. પરંતુ, મેનેજમેન્ટમાં બેઠેલા કેટલાક અધિકારીઓ પ્રાઈવેટ એજન્સીઓ સાથે મીલીભગત કરીને તેમને કરોડો રૂપિયાના બિલો ચૂકવી રહ્યા છે. આ જ કારણે એસ.ટી. નિગમ સતત ખોટમાં જઈ રહ્યું હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
તદ્દન બિનપાત્રતા ધરાવતા અમુક જુનિયર અધિકારીઓને નાણાકીય ફાયદો કરાવવા માટે નામદાર હાઈકોર્ટ તેમજ ડિવિઝન બેન્ચના હુકમોનો પણ સરેઆમ અનાદર કરવામાં આવ્યો છે. તત્કાલીન એમ.ડી. શ્રી દ્વારા રાતોરાત હુકમો કરાવીને આ આખી ખાનગીકરણની દોરીસંચાર રચવામાં આવી હોવાનો અખબારી યાદીમાં ઉલ્લેખ છે.
આગેવાનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવાયું છે કે, સરકારશ્રીના મંત્રીઓ દ્વારા દબાણ લાવીને યુનિયનોની સહીઓ કરાવી લેવામાં આવી છે. ખાનગી એજન્સીઓ મારફતે મોટી ભરતીઓ કરાવીને એસ.ટી.નું ખાનગીકરણ કરવાનો આ એક હીન પ્રયાસ છે. નિગમના સૌથી વધુ આવક ધરાવતા શ્નએક્સપ્રેસ રૂટોઙ્ખપર ખાનગી બસો ભાડેથી મૂકીને પોતાના મળતિયાઓને ફાયદો કરાવવાનો મોટો તખ્તો ઘડાયો છે, જેની સામે કાર્યસમિતિમાં સખત વિરોધ વ્યક્ત કરાયો છે.
ઓલ ઈન્ડિયા પરિવહન પ્રભારી શ્રી વી.આર. વાછાણીજી તેમજ ભારતીય પરિવહન મઝદૂર મહાસંઘના અખિલ ભારતીય અધ્યક્ષ શ્રી કનકસિંહજી ગોહિલે અખબારી યાદીના અંતમાં જણાવ્યું છે કે, રાજય અને મુસાફર જનતાના હિતમાં નિગમને બચાવવા માટે ભારતીય મઝદૂર સંઘ (ગુજ. પ્રદેશ)ના સહયોગથી ગાંધીચીંધ્યા માર્ગે તબક્કાવાર ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડી છે.
(3:36 PM IST)










