<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

હાશ.. આવતા સપ્તાહે સાંઢિયાપુલ ખુલ્લો મુકવા કવાયત

હજારો વાહન ચાલકોને ટ્રાફિક સમસ્‍યામાંથી મળશે મુકિત : નવનિયુકત તથા પુર્વ પદાધિકારીઓએ સ્‍થળ મુલાકાત કરી કામગીરીનું કર્યુ નિરીક્ષણઃ ખામીઓ તાકિદે દુર કરવા અધિકારીઓને આપી સુચના

 

પુલ કેવો બન્‍યો?: મ્‍યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના જામનગર રોડ પર આવેલ સાંઢિયો પુલ ફોર લેન બનાવવામાં આવ્‍યો છે ત્‍યારે આ કામનું નિરીક્ષણ નવનિયુકત અને પૂર્વ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્‍યુ હતુ અને જરૂરી સુચનો અધિકારીઓને મેયર દ્વારા કરવામાં આવ્‍યા છે. આ મુલાકાતમાં મેયર નેહલ શુકલ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, શાસકપક્ષના  નેતા હિરેન ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા તથા પુર્વ મેયર નયનાબેન પેઢડીયા, પુર્વ ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા તેમજ શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઇ દુધાત્રા, વોર્ડ નં. ૩ના કોર્પોરેટર અજય મજેઠીયા, અલ્‍પાબેન દવે, હીનાબેન બેલાણી તથા ડેપ્‍યુટી કમિશનર હર્ષદ પટેલ તથા સીટી ઇજનેર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ તસ્‍વીરમાં દર્શાય છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)(૨.૨૯)

રાજકોટ ,તા.૩૦: શહેરના જામનગર રોડ પર નિર્માણાધીન મહત્‍વાકાંક્ષી ફોરલેન સાંઢીયા પુલની આજે નવ નિયુક્‍ત પદાધિકારીઓ તેમજ પૂર્વ પદાધિકારીઓ દ્વારા સંયુક્‍ત મુલાકાત લેવામાં આવી હતી. શહેરના ટ્રાફિક દબાણને ઘટાડવા અને વાહનચાલકોને ઝડપી તથા સરળ અવરજવર સુવિધા ઉપલબ્‍ધ કરાવવાના હેતુથી બની રહેલો આ પ્રોજેક્‍ટ હવે પૂર્ણતાના આરે ત્‍યારે આવતા સપ્‍તાહે ખુલ્લો મુકવામાં આવે તેવી શકયતાઓ દર્શાવવામાં આવી રહી છે.

સાંઢિયા પુલની પદાધિકારીઓની મુલાકાત દરમિયાન પુલના બાંધકામની ગુણવત્તા, ફિનિશિંગ વર્ક, સલામતી વ્‍યવસ્‍થા, ડ્રેનેજ, સાઈડ બેરિકેડિંગ તેમજ અન્‍ય ટેકનિકલ પાસાઓની વિસ્‍તળત સમીક્ષા કરવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન કેટલીક ખામીઓ અને સુધારા લાયક બાબતો અધિકારીઓ અને પદાધિકારીઓના ધ્‍યાન પર આવી હોવાનું જાણવા મળ્‍યું છે.

આ પ્રસંગે મેયર ડો. નેહલ શુક્‍લાએ કામની ગુણવત્તા અને સલામતી બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી નહીં લેવાય તેવો સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો હતો. સ્‍થળ નિરીક્ષણ દરમિયાન સામે આવેલી ખામીઓ તાત્‍કાલિક ધોરણે દૂર કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને આદેશો આપવામાં આવ્‍યા હોવાનું જાણવા મળે છે.

શહેર માટે અત્‍યંત મહત્‍વનો ગણાતો સાંઢીયા ફોરલેન પુલ હવે અંતિમ તબક્કામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. કામ પૂર્ણતાને આરે હોવાથી આગામી સમયમાં પુલને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવે તેવી ધારણા વ્‍યક્‍ત થઈ રહી છે. જોકે, અત્‍યાર સુધી તંત્ર દ્વારા સત્તાવાર લોકાર્પણ તારીખ જાહેર કરવામાં આવી નથી.

સ્‍થાનિક સ્‍તરે એવી પણ ચર્ચા છે કે પુલના તમામ ટેકનિકલ કામો, સલામતી ધોરણો અને ફિનિશિંગ વર્ક સંપૂર્ણ સંતોષકારક રીતે પૂર્ણ થયા બાદ જ તેને વાહનવ્‍યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે. મહાનગરપાલિકા તંત્ર પણ પ્રોજેક્‍ટની કામગીરી પર નજીકથી નજર રાખી રહ્યું હોવાનું માનવામાં આવે છે.

જામનગર રોડ વિસ્‍તારના વાહનચાલકો અને સ્‍થાનિક નાગરિકોમાં પણ આ પુલને લઈ ઉત્‍સુકતા જોવા મળી રહી છે. ટ્રાફિક સમસ્‍યાના નિવારણમાં આ પ્રોજેક્‍ટ મહત્‍વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.(૨.૨૯)

સાંઢીયા પુલની કામગીરી મામલે મેયર નેહલ શુક્‍લ લાલઘૂમ

ફિનિશિંગ સહિતની ટેકનીકલ ક્ષતિઓ મુદ્દે નોટિસ અપાશે, ત્‍યારબાદ બિલ ચુકવણી પર બ્રેક લાગી શકે તેવી ચર્ચા

રાજકોટ : શહેરના મહત્‍વના સાંઢીયા પુલના કામમાં સામે આવેલી ફિનિશિંગ સહિતની વિવિધ ક્ષતિઓને લઈ મહાનગરપાલિકા તંત્રમાં ગંભીરતા વધી છે. પ્રાથમિક માહિતી મુજબ પુલના કામમાં ગુણવત્તા અને ફિનિશિંગને લગતી અનેક બાબતો સામે આવતા મેયર ડો. નેહલ શુક્‍લે કડક વલણ અપનાવ્‍યું હોવાનું જાણવા મળ્‍યું છે.

સૂત્રોના જણાવ્‍યા મુજબ પુલના કામમાં નોંધાયેલી ક્ષતિઓ અંગે સંબંધિત એજન્‍સી સામે કાર્યવાહી પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી હાથ ધરાઈ રહી છે. ખાસ કરીને કામની દેખરેખ માટે જવાબદાર PMC (પ્રોજેક્‍ટ મેનેજમેન્‍ટ કમિટી/કન્‍સલ્‍ટન્‍ટ)ની ભૂમિકા પણ સવાલોના ઘેરામાં આવતા પ્રથમ તબક્કે નોટિસ ફટકારવાની ચર્ચા ચાલી રહી છે.

બિનસત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર, PMCને જવાબ માંગતી નોટિસ પાઠવાયા બાદ કામમાં રહેલી ખામીઓ, ગુણવત્તા ધોરણો અને ટેક્રિકલ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે. તપાસ અને જવાબ સંતોષકારક ન રહે તો સંબંધિત એજન્‍સીના બિલો અટકાવવાની દિશામાં પણ તંત્ર આગળ વધી શકે છે.

મહાનગરપાલિકા વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે જાહેર સુવિધા સાથે સંકળાયેલા મહત્‍વના પ્રોજેક્‍ટોમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થાય તે માટે આ મુદ્દે કડક સંદેશ આપવાની તૈયારી ચાલી રહી છે. સાંઢીયા પુલ શહેરના ટ્રાફિક અને અવરજવર માટે મહત્‍વનો પ્રોજેક્‍ટ હોવાથી તેની કામગીરી, સલામતી અને ગુણવત્તાને લઈને તંત્ર હવે વધુ સતર્ક બન્‍યું હોવાનું માનવામાં આવે છે. (

(2:50 PM IST)