તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
ભક્તોના સર્વે કષ્ટો હરી લેતા સારંગપુરના હનુમાન શ્રી કષ્ટભંજન દેવ

કષ્ટભંજન નામ એ આપણાં સનાતન હિન્દુ ધર્મની સૌથી પ્રાચીન અને ભારતની મૂળ સંસ્કૃત ભાષાના બે સંસ્કૃત શબ્દો કષ્ટ એટ્લે કે દુઃખ અથવા તો પીડા અને ભંજન એટ્લે કે નાશ અથવા તો દૂર કરનાર પરથી લેવામાં આવ્યું છે. બીજા અર્થમાં કહીએ તો કષ્ટ એટ્લે મુસીબતો અને ભંજન એટ્લે તેને હરનારા જેનો સાવ સીધી, સહેલી અને સરળ ભાષામાં અર્થ કરીએ તો કષ્ટભંજન એટ્લે બધાના બધીજ પ્રકારના કષ્ટોને હરિ લેતા શ્રી કષ્ટભંજન દેવ એટ્લે કે શ્રી સારંગપુર હનુમાન. સારંગપુર ખાતે આવેલા બાલાજીના આ ભવ્યાતિ ભવ્ય મંદિરમાં શ્રી કષ્ટભંજન દેવ એટ્લે કે શ્રી સારંગપુરના હનુમાનજી તેમના ભક્તોના જીવનમાંથી બધાજ પ્રકારની મુશ્કેલીઓ, ભય અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. અહીંયા એવું માનવામાં આવે છે કે શ્રી કષ્ટભંજન દેવના આ મંદિર માં લોકો તેમના સ્વાસ્થ્ય, કારકિર્દી, પૈસો, પ્રિયજન, વળગાડ, મેલી વિધા અને માનસિક તણાવ સાથે સંબંધિત મનની અશાંતિને લગતા પ્રશ્નો અને સમસ્યાઓને લઈને પૂરી શ્રદ્ધા, આસ્થા અને ભક્તિ સાથે દાદા પાસે આવે છે અને તેમની દરેક પ્રકારની બાધાઓ, નડતરો, મુસીબતો અને વિધ્નોને દાદાને સુપ્રત કરીને તેમની દરેક સમસ્યાઓનું નિરાકરણ લાવે છે.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનું શ્રી કષ્ટભંજન દેવના નામથી જગતભરનું ખુબજ પ્રખ્યાત, આલોકિક અને ચમત્કારીક મંદિર આપણાં ગરવી ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામમાં આવેલું છે જે સાળંગપુર હનુમાન તરીકે પણ સુવિખ્યાત અને સુપ્રસિદ્ધ છે જે તેમના દરેક મંદિરોથી એકદમ અલગ, આલોકિક અને અનોખું છે કારણ કે આ મંદિરમાં સાક્ષાત હાજર રહેલા શ્રી કષ્ટભંજન દેવના ચરણોમાં રહેલી ભગવાન શનિદેવની મૂર્તિમાં શનિદેવને એક નારી એટ્લે કેસ્ત્રી સ્વરૂપમાં દર્શાવવામાં આવેલા છે.
શ્રી કષ્ટભંજન દેવ સારંગપુરનું આ મંદિર જગત આખામાં એવું એકમાત્ર મંદિર છે કે જ્યાં શનીદેવ એકસ્ત્રી સ્વરૂપે હનુમાનજીના ચરણોમાં પડેલા છે. શ્રી હનુમાનજી અને શનિ દેવના આવા અદભુત ચિત્રણ પાછળ ની જે રસપ્રદ કથા યુગો યુગોથી પ્રચલિત છે તે એવી છે કે શ્રીલંકાના અસુર રાજા રાવણનો વધ કર્યા પછી પ્રભુ શ્રીરામ તેમના પ્રિયજનો સાથે જ્યારે અયોધ્યા પાછા ફરેલા ત્યારે તેમનો રાજ્યાભિષેક કરવામાં આવેલો.આવા શુભ અવસરે અયોધ્યાનગરીમાં પ્રભુ શ્રીરામના દરબારમાં તે વખતના પ્રખ્યાત અને પ્રખર સિદ્ધહસ્ત જ્યોતિષીઓ, ઋષિમુનિઓ, સાધુઓ, સંતો, બ્રાહ્મણો, પંડિતો, શાષાીઓ સૌ કોઈ પ્રભુ શ્રીરામના રાજા બનવાની ખુશીમાં ઉત્સવ મનાવવામાં મગ્ન હતા. એવામાં કોઇકે એવો પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ શ્રીરામ એક રાજવી હોવા છતાંપણ તેમના ઉપર આટલી બધી કષ્ટિઓ અને મુસીબતો કેમ આવી?
આ પ્રશ્નના જવાબમાં ત્યાં હાજર તહેલા એક પ્રખર જ્યોતિષીએ એવું કહેલું કે પ્રભુ શ્રીરામ પર શનિની ખરાબ દ્રષ્ટિ પડેલી એટ્લે તેમને ભર યુવાનીમાં વનવાસ થયો, સિતામાતાથી વિખૂટા પડીને વર્ષો સુધી તેમના વિયોગમાં રહેવું પડ્યું તેમજ લક્ષ્મણજીને આવેલી મૂર્છાથી તેમને પોક મૂકીને રડવું પણ પડેલુ. પ્રભુ શ્રીરામનો શનિ ખુબજ ભારે હતો અને તેમના પર તેની વક્ર દ્રષ્ટિ પડતાં તેમને આટલા બધા દુખો, કષ્ટો અને મુસીબતો વેઠવા પડેલા. સૂર્ય પુત્ર શનિ એક ખુબજ શક્તિશાળી ગ્રહ છે જેના દ્વારા આપવામાં આવેલી પીડામાંથી દેવી દેવતાઓ પણ બચી શકતા નથી.
પ્રભુ શ્રીરામ પાસે હાજર રહેલા શ્રી હનુમાનજીએ આ વાતો સાંભળી અને શનિ પર પોતાનો ગુસ્સો ઠાલવતાં તેમણે એટલુજ કહ્યું કે મારા પ્રભુ શ્રીરામને જેણે હેરાન કર્યા છે તે શનિદેવનું હું આ સંસારમાંથી અસ્તિત્વજ મિટાવી દઇશ. ત્યાં હાજર રહેલા શનીદેવના કોઈ મિત્ર કે સંબંધી દેવે હનુમાનજીની આવી વાતો સાંભળીને તે અંગેની શનિદેવને તત્કાલિકપણે જાણ કરી. શનિદેવ પોતે પણ એક ખુબજ શક્તિશાળી ગ્રહ હતા જેમના પ્રકોપથી દેવતાઓ પણ થર થર ધ્રૂજવા લાગતા. હનુમાનજીના તેમને દંડ દેવાની વાત સાંભળી શરૂઆતમાં તો તેમણે અભિમાનથી કહ્યું કે આ વાનર મારૂ શું બગાડી શકવાનો છે પરંતુ જ્યારે હનુમાનજી તેમની સામે આવ્યા ત્યારે તેમનામાંથી વછૂટતો દિવ્ય પ્રકાશ એટલો બધો તેજોમય હતો કે શનિદેવ એક દેવ હોવા છતાંપણ તેને સહન કરી ના શક્યા અને તેમણે માત્ર એટલોજ વિચાર કર્યો કે જેમનુ તેજ કે પ્રકાશ મારાથી સહન થતો ના હોય તો તેમણે આપેલી સજા કે દંડથી મારી શું હાલત થશે?
શનીદેવ જેમ જેમ હનુમાનજીની શક્તિઓ, સિદ્ધિઓ અને પરાક્રમોની ગાથાઓ સાંભળતા ગયા તેમ તેમ તેઓ હનુમાનજીથી એટલા બધા ડરવા લાગ્યા કે તેમના પ્રકોપથી બચવા માટે તેઓ અલગ અલગ દેવતાઓ પાસે પોતાની રક્ષા કરવા માટેની શરણ શોધવા લાગ્યા. પરંતુ હનુમાનજીની નારાજગીથી બચવા માટે કોઈપણ દેવે તેમને આશરો ના આપ્યો. હનુમાનજીની સજા અને દંડથી બચવા માટે તેમણે મનોમન ખુબજ મનોમંથન કર્યું અને અંતે તેમને એક એવો ઉપાય સુઝી આવ્યો કે હનુમાનજી પોતે એક બ્રહ્મચારી છે અને તેઓ સૌથી વધુ સમ્માનસ્ત્રીઓનું કરે છે. તેઓ દરેકસ્ત્રીને પોતાની માતા સમાન ગણે છે અને ક્યારેય કોઈપણસ્ત્રીને દંડ આપવાની વાત તો દૂર તે વિષે ક્યારેય વિચારતા પણ નથી. તેઓ ક્યારેય કોઈપણસ્ત્રીને દુઃખી કરતા નથી અને તેમનું દુખ પણ જોઈ શકતા નથી. આથી શનિદેવે શ્રીહનુમાનજીના પ્રકોપમાંથી બચવા માટે પોતાની જાતને એકસ્ત્રીના સ્વરૂપમાં રૂપાંતરીત કરી નાખી અને હનુમાનજીના ચરણોમાં પડી તેમની માફી માંગીને પોતાની જાતને તેમને સમર્પિત કરી દીધી. શનીદેવને એકસ્ત્રી સ્વરૂપમાં જોઈને હનુમાનજીને તેમના પર ખુબજ દયા આવી અને તેમણે શનિદેવને માફ કરી દીધા. શનિદેવે હનુમાનજીને એવું વચન આપ્યું કે તેમનો પ્રિય વાર શનિવાર હવેથી તેમનો દિવસ ગણાશે અને તેમના દર્શને આવતા કોઈપણ દર્શનાર્થી, ભક્ત, ભાવિક કે શ્રદ્ધાળુને તેઓ ક્યારેય નહીં નડે. બસ આજ કારણથી સારંગપુરના આ કષ્ટભંજન દેવના મંદિરમાં હનુમાનજીના પગની હેઠળ દબાયેલા શનિદેવને એકસ્ત્રી સ્વરૂપે પૂજવામાં આવે છે. સારંગપુરમાં આવેલું શ્રી કષ્ટભંજન દેવનું મંદિર એ એક હિન્દુ મંદિર છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબા હેઠળ આવે છે અને તે એકમાત્ર એક એવું સ્વામિનારાયણ મંદિર છે કે જેમાં મંદિરના ગર્ભગૃહમાં તેમજ પૂજાના મુખ્ય દેવ તરીકે શ્રી સ્વામિનારાયણ ભગવાન કે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિઓની જગ્યાએ દરેક પીડિતોના દુખ દર્દો અને કષ્ટોને હરનારા શ્રી કષ્ટભંજન દેવની પ્રતિમા છે કે જે શ્રી હનુમાનજીને સમર્પિત છે. આમ મંદિરના આ ઈષ્ટદેવ શ્રી કષ્ટભંજન દેવની આ મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનો આધ્યાત્મિક વારસો ધરાવતા પૂજ્ય સંત શ્રી ગોપાળાનંદ સ્વામીએ કરી હતી.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના સારંગપુરમાં થયેલા પ્રાગટ્ય વિષેની વાસ્તવિક કથા અનુસાર આજથી આશરે પોણા ત્રણસો વર્ષો પહેલાની અઢારમી સદીના અંતિમકાળ દરમ્યાન સર્વે અવતારોના અવતારી સર્વોપરી પૂર્ણ પુરસોત્તમ ભગવાન શ્રી સ્વામીનારાયણના ત્રણ હજાર કરતા પણ વધારે પરમહંસ સંતો સમાજના કલ્યાણ અર્થે તેમનામાં ધર્મની જયોત જલાવી રાખવા માટે તેમજ ધાર્મિક સત્સંગના હેતુસર એક ગામથી બીજા ગામ સુધી પગપાળા વિચરણ કરતા હતા.
સારંગપુર ગામના ધણી બાપુ જીવા ખાચર ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા અને તેઓ સ્વામિનારાયણના સાધુ, સંતો, ભક્તો અને ભાવિકો સાથે બેસીને ખુબજ સત્સંગ કરતા. તેમને આંગણે જે કોઈ પણ સાધુ સંતો કે કોઈ ગરીબ કે તવંગર આવતા તેમને તેઓ ખુબજ આદર સન્માન આપીને તેમને પ્રેમપૂર્વક જમાડતા. જીવા ખાચરનો આવો પ્રેમ, ભક્તિભાવ, સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેયની આસ્થા અને નિષ્ઠા જોઈને સ્વામિનારાયણ સાધુ સંતો તેમને ત્યાં અવારનવાર આવતા અને તેમનો આદર સત્કાર પામીને મોડી રાત સુધી સત્સંગની વાતો કરતા. પૂર્ણ પુરસોત્તમ ભગવાન શ્રી સ્વામીનારાયણ સાલ ૧૮૮૪ - ૮૫ના સમયકાળ દરમ્યાન ગઢડામાં એક ખુબજ મોટા મંદિરનું નિર્માણ કરાવતા હતા જેની દરેક પ્રકારની દેખરેખ અને કાર્યભાર અને તેમના પછીના આખા સ્વામીનારાયણ સંપ્રદાયના તેમના અધ્યાત્મિક વારસદાર પૂજ્ય સંત શ્રી ગોપાળાનંદ સ્વામીને હવાલે કરીને પોતે કુદરતનો ક્રમ અનુસરવા વિક્રમ સંવત ૧૮૮૬માં જેઠ સુદ દશમના દિવસે તેમના માનવ દેહનો ત્યાગ કરીને વૈકુંઠધામમાં ગયા. તેમના ગયા પછી જીવા ખાચર પણ પરલોકધામ સીધારી ગયા. આ જીવા ખાચરના બે પુત્રો વાઘા ખાચર અને અમરા ખાચરમાંથી યુવાન વયે અમરા ખાચરનું પણ અવસાન થયેલું.
પ્રસંગોપાત કોઈ ધાર્મિક સત્સંગ સમારંભમાં હાજરી આપવા માટે શ્રી ગોપાળાનંદ સ્વામી ધોલેરા ગામમાં પધારેલા જેમના દર્શન હેતુ તેમજ તેમની અમ્રુત વાણીનું રસપાન કરવા માટે આજુબાજુના ગામના સેંકડો લોકો ધોલેરા ગામમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા.
ગોપાળાનંદ સ્વામીએ ગામલોકોને એવું કહેલું કે સવારે તેઓ જ્યારે તેમના ધરે જાય ત્યારે તેમના સાધુ સંતોને ગાડામાં બેસાડીને સારંગપુર ગામ સુધી લઈ જાય. પરંતુ, કોઈ દરવાણીની કાન ભંભેરણીથી ગાડા ખેડૂઓ સ્વામીનારાયણના સંતોને ગાડામાં બેસાડયા વગરજ નિર્ધારિત સમય પહેલાજ વહેલી સવારમાં નીકળી ગયા. સંતો જ્યારે ગામલોકોના ઉતારા પાસે આવ્યા ત્યારે ત્યાં કોઈ નહોતું અને બધાજ તેમને છોડીને જતાં રહ્યા હતા. આવી વિકટ પરિસ્તીથી ગુસ્સે થયેલા એક સંતથી એવું બોલાઈ ગયેલું કે સારંગપુરવાળાઓ તો સાવ ભૂખડીના છે. આમ સ્વામિ નારાયણ ભગવાનના એક સિદ્ધ સાધુના મુખેથી બોલાયેલુ આ વાક્ય તદન સાચું પડ્યું અને સારંગપુર ગામમાં ભૂખમરો આવ્યો. સતત ત્રણ વર્ષો સુધી ગામમાં દુષ્કાળ પડ્યો જેનાથી ત્રસ્ત થઈને ગામલોકો ગામમાંથી હિજરત કરી ગયા. સારંગપુર ગામના દરબાર વાઘા ખાચર અને ત્યાંના લોકો પાસે પોતાના ખાવા પૂરતું પણ ધાન નહોતું બચ્યું ત્યાં તેઓ સાધુ સંતોને કઈ રીતે જમાડે. ધીરે ધીરે સાધુ સંતો સારંગપુર ગામમાં આવતા સાવ બંધ થઈ ગયા અને આખા ગામ પર દારુણ ગરીબી આવી પડી.
આવામાં શ્રી ગોપાળાનંદ સ્વામી સત્સંગ અર્થે સારંગપુરથી ૧૨ કિલોમીટર દૂર આવેલા બોટાદ ગામે પધારેલા. તેમના દિવ્ય દર્શન કરવા તેમજ તેમની અમૃતવાણી સાંભળવા માટે અને પોતાની સમસ્યા તેમને જણાવવા માટે સારંગપુર ગામના દરબાર વાઘા ખાચર ગામના આગેવાનો અને અન્ય બીજા લોકોને લઈને બોટાદ ગામ ગયા. તેમણે ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં પડીને ચોધાર આંસુએ રડીને તેમને પોતાની સમસ્યા જણાવી જેનો નિકાલ કરવા માટે શ્રી ગોપાલાનંદ સ્વામી એ વાઘા ખાચરને એવું કહેલું કે ચિંતા ના કરશો, હું એક સિદ્ધ કરેલી શ્રી હનુમાનજીની મૂર્તિ ત્યાં એક મંદિર નિર્માણ કરાવીને તેમાં સ્થાપિત કરાવીશ જેમની કૃપાથી બધાના બધાજ કષ્ટો દૂર થઈ જશે.
આમ વિક્રમ સંવતની સાલ ૧૯૦૪માં શ્રી ગોપાળાનંદ સ્વામી બોટાદ ના એક સામાન્ય કડિયા કાનજી મિષીને પોતાની સાથે લઈને વાઘા ખાચરની પાછળ તેમના સારંગપુર ગામમાં ગયા અને ત્યાં પહોંચ્યા પછી તેમણે આખા ગામની ફરતે એક પ્રદક્ષિણા કરી જે પૂરી કરીને તેઓ ગામના પાદરે આવેલા શૂરવીરોના પાળીયા પાસે આવીને ઊભા રહ્યા.
ગામનીમાં, બહેન અને દીકરીઓની લાજ બચાવવા, માતૃભોમની આબરૂ સાચવવા, ગૌ માતાનું રક્ષણ કરવા તેમજ ધર્મની રક્ષા કાજે પોતાનું બલિદાન આપનારા શૂરવિરોના સેંકડો પાળીયાઓ ગામની પાદરે ખોળેલા હતા જેમાંથી કાળમીંઢ પથ્થરના એક સૌથી મોટા પાળીયા પર શ્રી ગોપાલાનંદ સ્વામીએ હાથ મુક્તાજ સારંગપુરના દરબાર વાઘા ખાચરે કહેલું કે આ બધા પાળિયાઓમાંથી મોટા ભાગના પાળિયાઓ અમારા પૂર્વજોના છે અને આ સૌથી મોટો પાળિયો મારા દાદા ઉગા ખાચરનો છે જેમણે ધર્મની રક્ષા કાજે પોતાનું બલિદાન આપી દીધેલું.
શ્રી ગોપાળાનંદ સ્વામીએ ઉગા ખાચરના એ પાળીયામાંથી શ્રી હનુમાનજીની મુર્તિ કંડારવા માટે વાઘા ખાચરની પરવાનગી માંગેલી જેના જવાબમાં વાઘા ખાચરે એવું કહેલું કે મારા પૂર્વજોના પાળીયામાંથી જો હનુમાનજીની મુર્તિ બનતી હોય તો તેનાથી વધારે ખુશી અમારા માટે બીજી શું હોય શકે. આમ થવાથી તેમના પૂર્વજોને મોક્ષ પણ પ્રાપ્ત થશે અને હનુમાનજીની સાથે તેઓ પણ આજીવન પૂજાશે.
શ્રી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી એ પાળીયાને ભોમાંથી બહાર કાઢીને તેને ગાડામાં નાખીને દરબારગઢ ખાતે લાવવામાં આવ્યું. (આ દરબારગઢ એટ્લે એક એવી પવિત્ર જગ્યા કે જ્યાં ભગવાન સ્વામિ નારાયણ પોતે રોકાણ કરતા હતા અને આ જગ્યા આજે પણ સારંગપુર મંદિર ખાતે યથા અવસ્થામાં સચવાયેલી છે જેના દર્શન કરવાનો લહાવો અચૂકપણે લેવો જ જોઈએ).
ઉગા ખાચરના એ પાળિયાને દરબારગઢ લાવ્યા પછી શ્રી ગોપાળાનંદ સ્વામીએ તેને એક વખત નિરખીને જોયું. પાળીયાની એક બાજુએ ખુલ્લી તલવાર સાથે ઘોડા પર બેઠેલા ઉગા ખાચરનું રેખા ચિત્ર અંકિત થયેલું હતું પરંતુ પાળિયાની બીજી સાઈડ એટ્લે કે તેની પાછળ બાજુ ખાલી હતી. આ ખાલી જગ્યામાં શ્રી ગોપાળાનંદ સ્વામીએ શ્રી હનુમાનજીનું આલોકિક ચિત્ર દોરી આપ્યું અને કાનજી કડીયાને ચિત્ર મુજબની મુર્તિ બનાવવાનું કહ્યું. કાનજી કડીયો સ્વામીજીના ચરણોમાં પડી ગયો અને બોલ્યો કે પ્રભુ હું ગાર માટીમાંથી દીવાલો ચણનારો એક સામાન્ય કડીયો છું કોઈ મૂર્તિકાર કે શિલ્પકાર નથી. મે આજ દિવસ સુધીમાં કોઈપણ પ્રકારની પ્રતિમા કે મુર્તિ બનાવવા માટે શીણી કે હથોડી ક્યારેય હાથમાં પકડી પણ નથી.
શ્રી ગોપાળાનંદ સ્વામીએ પ્રેમથી કાના કડિયાના માથા પર હાથ ફેરવીને એવું કહેલું કે જા તારા હાથે આખા વિશ્વમાં બીજે ક્યાંય પણ ના હોય તેવી હનુમાનજીની જીવંત લાગે તેવી આલોકિક મુર્તિ નિર્માણ પામશે.
સિદ્ધ સંતના આશીર્વાદ ફળ્યા અને કાનજી કડીયાની બુદ્ધિ એવી ખીલી કે તેણે એક ધ્યાનથી પૂરી એકાગ્રહતાથી પૂરા સાડા પાંચ મહિનાના અથાગ પરિશ્રમના અંતે શ્રી હનુમાનજીની ગોપાળાનંદ સ્વામીની કલ્પના મુજબની આકર્ષક, આબેહૂબ અને મનમોહક મુર્તિ આબાદ રીતે બનાવી આપી. મુર્તિ તૈયાર થયા પછી કાનજી કડીયાના કહેવાથી વાઘા ખચરે એ મુર્તિની પ્રતિષ્ઠા કરવા માટે શ્રી ગોપાળાનંદ સ્વામીને સંદેશો મોકલાવ્યો.
શ્રી ગોપાળાનંદ સ્વામી સારંગપુર પધાર્યા અને તેમણે વિચાર્યું કે જો આ મુર્તિને વાઘા ખાચરના દરબારગઢમાંજ રાખવામા આવે તો ગમે તે સમયે લોકો તેમને ત્યાં હનુમાનજીના દર્શન કરવા માટે જઇ ના શકે આથી ગોપાળાનંદ સ્વામીએ સારંગપુર ગામની મધ્યમાં આવેલા એક કૂવા પાસે શ્રી હનુમાનજીની આ મૂર્તિની સ્થાપના કરાવી.(આ પૌરાણિક કૂવો આજે પણ શ્રીકસ્ટભંજન દેવના સનમુખે મંદિરમાંજ આવેલો છે જેના પાણીથી સ્વયં ભગવાન શ્રીસ્વામીનારાયણે સ્નાન કરેલું હોય તેનું પાણી ખુબજ પવિત્ર અને ચમત્કારિક છે જેનાથી દર શનિવારે દાદાને સ્નાન કરાવાય છે અને તેનું જળ પ્રસાદી રૂપે ભક્તજનોને આપવામાં આવે છે.
આમ આખરે વિક્રમ સંવત ૧૯૦૪ આસોં વદ પાંચમનો હનુમાનજીની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો એ દિવસ આવી પહોંચ્યો કે ક્યારે આ મોહત્સવમાં ભાગ લેવા માટે સારંગપુર તેમજ આજુબાજુના ગામના લોકો, બ્રાહ્મણો, સાધુઓ, સંતો અને અન્ય બીજાઓને મળીને હજારો લોકોની મેદની એકઠી થઈ ગઈ. શ્રી હરિના આશ્રિત પવિત્ર બ્રાહ્મણોના હાથે હનુમાનજીના પ્રાણ પ્રતિષ્ઠાની પુજા અર્ચના કરાવવામાં આવી. શાષાોક્ત વિધિ અનુસાર પંડિતો વિધાનો અને મંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યા. ઢોલ, નગારા, મૃદંગ અને શંખનાદની પવિત્ર ધ્વનિઓથી ગુંજી ઊઠીને આખું વાતાવરણ તેજોમય અને દિવ્યમય બની ગયું.
શ્રી ગોપાળાનંદ સ્વામી પોતાની વયોયુદ્ધ ઉમરને કારણે હંમેશા પોતાની પાસે એક લાકડી રાખતા. તેમણે લાકડીના એક છેડાને પોતાના જમણા પગના અંગૂઠા પર રાખ્યો અને બીજા છેડા પર તેમણે પોતાના ચહેરાનો દાઢીવાળો ભાગ ટેકવ્યો. ત્યારબાદ તેમણે હનુમાનજીનું સ્મરણ કરી મુર્તિ સામે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને તેના પર ત્રાટક કર્યું. તેઓ આંખોની પાંપણ ઝુકાવ્યા વગર એકજ નજરથી તે મુર્તિને જોતાં રહ્યા. તેઓ હનુમાનજીની એ મુર્તિમાં એશ્વર્ય નાખવા લાગ્યા અને તેમના તપોબળથી આખી મુર્તિ ધ્રૂજવા લાગી. મુર્તિ ચૈતન્યવંત બની ગઈ અને તેને પરસેવો આવવા લાગ્યો. અંતે જ્યારે મૂર્તિ જીવંત થઈ ત્યારે તેની આસપાસ એક સુવર્ણ આભા છવાઈ ગઈ અને મંદિર એક દૈવી ધ્વનિથી ભરાઈ ગયું. હનુમાનજીનું તેજ ચારેબાજુ ફેલાવા લાગ્યું જેનાથી આખું વાતાવરણ તેજોમય બની ગયું. મુર્તિમાંથી અવાજો આવવા લાગ્યા અને તેનું આખું મુખ ખૂલી ગયું. આ દ્રશ્ય જોઈને ત્યાં હજાર રહેલા તમામ લોકો આヘર્ય પામી ગયા. આ સમયે ધોલેરાના ગરાસિયા ભોજાભાઈ કે જેઓ શ્રી ગોપાળાનંદ સ્વામીની બાજુમાં ઊભેલા હતા તેમણે તેમને હલાવીને તેમનું ધ્યાન ભંગ કરી નાખ્યું.
તેમણે સ્વામીજીની માફી માંગતા એટલુજ કહ્યું કે હે સ્વામીજી હનુમાનજીની આ મુર્તિમાં એટલું બધુ એશ્વર્ય ના નાખો કારણ કે જો તમે આમ કરશો તો ધોલેરા ધામના મદન મોહનજી મહારાજ અને પાસેના ગઢડા ગામમાં કે જ્યાં શ્રી હરિએ પોતાનું સહર્ષ પધરાવેલ છે ત્યાં તેમના સ્વરૂપ એવા ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે કોઈ નહીં જાય. તેમજ અહીંનું મહત્વ જો એટલું બધુ વધી જશે તો બીજા તીર્થ સ્થાનોના દર્શન કરવા માટે કોઈ નહીં જાય અને તેમનું મહત્વ ઘટી જશે. આ સાંભળીને શ્રીગોપાળાનંદ સ્વામીએ પોતાની દ્રષ્ટિ સંકલિત કરી લીધી અને તેમણે કરેલી એ દ્રષ્ટિને પછી ખેંચી શકાય તેમ ના હોય તેમણે બાકીનું તમામ એશર્ય એ લાકડી તરફ વાળી દીધું અને ત્યાર પછી હનુમાનજીની મુર્તિમાંથી આવતી ધ્રૂજરી બંધ થઈ ગઈ. શ્રીગોપાળાનંદ સ્વામીએ ભોજા ભગતને કહ્યું કે જો તમે મારૂ ધ્યાન ભંગ ના કર્યું હોત તો હું આ મુર્તિને એટલી બધી સમર્થવાન બનાવી દેત કે તે બોલવા લાગત. મારી ઈચ્છા હનુમાનજીને અહીં સાક્ષાત હાજર કરીને તેમની મુર્તિને બોલતી કરવાની હતી. શ્રીગોપાળાનંદ સ્વામીની આવી વાતો સાંભળીને હનુમાનજીની એ મુર્તિ હસવા લાગી. આ જોઈને સ્વામીજીએ તેમને કહ્યું કે બસ તમો સદાયે આવીજ રીતે હસતાં રહેજો. તમારા દર્શનાર્થે આવતા પીડિતો તમારો આવો હસતો ચારો જોઈને પોતાનું તમામ દુખ ભૂલી જશે અને પોતે પણ અહીથી હસતાં હસતાં વિદાય લેશે. બસ ત્યારથી સારંગપુરના હનુમાન એવા શ્રી કષ્ટભંજનદેવ ની મુર્તિ સદાય હસ્તી રહે છે.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી વિશાળ અને ભવ્ય મંડપની વચ્ચે ૪૫ કિલો સોના અને ૯૫ કિલો ચાંદીથી બનેલા સુંદર સિહાસન પર બિરાજમાન થયેલા જોવા મળે છે. તેમના માથા પર હીરા અને ઝવેરાતનો મુગટ શોભે છે તો તેમની બાજુમાં સોનાની ગદા રાખવામા આવેલી છે. દાદાની આ મૂર્તિ કાળા પથ્થરની બનેલી છે જે લગભગ ૧૦ ફૂટ જેટલી ઊંચી છે.હનુમાનજીના પગ નીચે દબાઈને બેઠેલી શનિદેવની મૂર્તિ બજરંગ બલીના આ ધામને અન્ય મંદિરો કરતાં એક વિશેષ સ્થાન આપે છે.
મંદિરની બહાર હનુમાન દાદાની ૫૪ ફીટ ઊંચી પ્રતિમા સ્થાપીત કરાયેલી છે જે સારંગપુરના રાજા તરીકે સુવિખ્યાત થયેલી છે.
શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુરના હનુમાનજીને આખા દિવસમાં પાંચ વખત આરતીઓᅠᅠ કરવામાં આવે છે જેમાં સૌથી પહેલી મંગળા આરતી વહેલી સવારના ૫.૩૦ વાગ્યે કરવામાં આવે છે. ત્યારબાદ ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યાની વચ્ચે બાળભોગ/શણગાર આરતી કરવામાં આવે છે અને ત્યારપછી ૧૦.૩૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે રાજભોગ આરતી કરવામાં આવે છે તો સૂર્યાસ્તના સમયેની સંધ્યા આરતી સાંજના ૬.૧૫ થી ૬.૩૦ દરમ્યાન તેમજ રાત્રીના ૯.૦૦ થી ૯.૩૦ દરમ્યાન શયન આરતી કરવામાં આવે છે. શ્રી કષ્ટભંજન દાદાના દર્શનનો સમય સવારના ૫.૩૦ વાગ્યાથી બપોરના ૧૨.૩૦ વાગ્યા સુધીમાં અને મધ્ય બપોરના ૩.૧૫ વાગ્યાથી રાત્રીના ૯.૦૦ વાગ્યા સુધીનો છે. સારંગપુર ધામમાં સવારની પ્રસાદી લેવાનો સમય સવારના ૮.૩૦ થી ૯.૩૦ સુધીનો છે તો બપોરના પ્રસાદીરૂપી ભોજનનો સમય ૧૧.૩૦ કે ૧૨.૦૦ થી ૨.૦૦ કે ૨.૩૦ વાગ્યા સુધીનો છે તેમજ સાંજની પ્રસાદીનો સમય સાંજના ૬.૩૦ કે ૭.૦૦ થી રાત્રિના ૯.૦૦ વાગ્યા સુધીનો છે.
સારંગપુર હનુમાન મંદિરના પરિસરમાં ૨૦ વીઘાની વિશાળતમ જગ્યા પર આશરે ૮,૮૫,૦૦૦ સ્ક્વેર ફૂટમાં આવેલું નવનિર્મિત ગોપાલાનંદ સ્વામી યાત્રિક ભવન ભારતનું સૌથી મોટું યાત્રિક ભવન છે જેમાં ૧૧૦૦ થી વધુ એસી અને નોન-એસી રૂમો આવેલા છે.
શ્રી કષ્ટભંજન દેવ હનુમાન મંદિર સારંગપુરના લાઈવ દર્શન તેમજ શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં રોકાવા માટેનું ઓનલાઈન બુકિંગ તેમની ઓફિસિયલ વેબસાઇટ https://salangpurhanumanji.org/ પર ઉપલબ્ધ છે. શ્રી કષ્ટભંજન દેવના સારંગપુર ધામ સુધી પહોંચવા માટે દરેક મોટા શહેરોમાંથી સારંગપુર સુધીની સીધી બસ સેવા ઉપલબ્ધ છે પરંતુ તેમ છતાં અહીનું સૌથી નજીકનું બસ સ્ટેશન બોટાદ છે જે અહીંથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલું છે. ટ્રેન માર્ગે અહીં સુધી પહોંચવા માટે નજીકનું રેલ્વે સ્ટેશન બોટાદ જંકશન છે જે સારંગપુરથી માત્ર ૧૦ કિલોમીટરના અંતરે આવેલું છે તેમજ હવાઈ માર્ગે અહી સુધી આવવા માટેનું નજીકનું એરપોર્ટ ભાવનગર એરપોર્ટ છે જે સારંગપુરથી ૮૨ કિલોમીટરના અંતરે આવેલું છે. જય કષ્ટભંજન દેવ... જય શ્રી રામ... કમલ જારોલી, એડ્વોકેટ એન્ડ નોટરી, રાજકોટ. મો. ૮૧૬૦૩ ૧૧૦૧૬.
કમલ જારોલી એડવોકેટ અને નોટરી, રાજકોટ

(3:24 PM IST)










