<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

ગોકુલધામ આવાસમાં હાર્દિક ઉર્ફે કવિએ દિકરી-પત્‍નિને ઘુસ્‍તાવી ખૂનની ધમકી દીધી

દિકરીએ મોબાઇલ ફોન ન દેતાં ઉશ્‍કેરાઇ ગયોઃ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૮: શહેરના ગોકુલધામ ક્‍વાર્ટરમાં રહેતાં અને અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા શખ્‍સે મોબોઇલ ફોન મામલે દિકરીને માર મારી વચ્‍ચે પડનાર પત્‍નિને પણ ફટકારી બંનેને મારી નાંખવાની ધમકી આપતાં ચર્ચા જાગી છે. આ બનાવમાં માલવીયાનગર પોલીસે કૃષ્‍ણનગર મેઇન રોડ પર આવેલા ગોકુલધામ આવાસ યોજના ક્‍વાર્ટર ૧૫૨૩ બ્‍લોક નં. ૧૯માં રહેતાં ચૈતાલીબેન હાર્દિકભાઇ સોલંકી (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી તેણીના પિતા હાર્દિકભાઇ ઉર્ફે કવિ હરેશભાઇ સોલંકી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

ચૈતાલીબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું મારા પિતા હાર્દિકભાઇ અને માતા જયશ્રીબેન સાથે રહુ છું. મારાથી નાની એક બહેન અને એક નાનો ભાઇ છે. ચારેક મહિના પહેલા મારા પિતા અને માતા વચ્‍ચે માથાકુટ થતાં હું અને માતા જયશ્રીબેન બંને પિતાને કહ્યા વગર તેનાથી અલગ રહેવા નાલા સોપરા મુંબઇ જતાં રહ્યા હતાં. તા. ૧/૪ના મારે કોલેજની પરિક્ષા હોઇ હું રાજકોટ આવીને સ્‍વામિનારાયણ મંદિર પાસે રોકાઇ હતી. તા. ૫/૪ના રોજ મારા પિતાએ હું અને મારા માતા જયશ્રીબેન ગુમ થયા છીએ તેવી અરજી આપી હોઇ જેથી હું માલવીયાનગર પોલીસ સ્‍ટેશને આવી હતી.

ત્‍યારે મારા પિતા હાર્દિકભાઇ મને લેવા આવતાં હું તેના સાથે ગઇ હતી. બાદ મારા માતા જયશ્રીબેન મને લેવા મુંબઇથી રાજકોટ આવ્‍યા હતાં. અહિ મારા માતા-પિતા વચ્‍ચે ઘરમેળે સમાધાન થઇ ગયુ હતું જેથી માતા પણ સાથે રહેવા આવી ગયા હતાં. દરમિયાન હાલમાં ૧૬મીછએ રાતે સાડા અગીયારેક વાગ્‍યે મારા પિતાએ મારી પાસે મારો ફોન માંગતા મેં તેને આપવાની ના પાડતા તેણે મને ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. માતા છોડાવવા આવતાં તેને પણ મારા પિતાએ માર માર્યો હતો. તેમજ આજે તો તમને મા-દિકરીને મારી જ નાંખવી છે તેમ કહી ધમકી આપી હતી અને જતાં રહ્યા હતાં. અમને સતત ડર લાગતો હોઇ જેથી હવે ફરિયાદ કરી છે. તેમ વધુમાં ચૈતાલીબેને કહેતાં માલવીયાનગર હેડકોન્‍સ. એચ. સી. ઓગાણીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ હાર્દિક ઉર્ફે કવિ વિરૂધ્‍ધ અગાઉ દેશી દારૂના ગુના નોંધાયા હતાં.

 

(3:34 PM IST)