<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

વ્‍યાજખોરીમાં ફસાતાં કુતિયાણાના હરેશ સોલંકીએ સરદારગઢના સ્‍મશાનમાં ઝેર પીધું: રાજકોટમાં મોત

ઉઘરાણીથી કંટાળી જઇ ઘરેથી નીકળી પહેલા માતાજીના મઢે જઇ દર્શન કર્યા પછી પગલું ભર્યુ ત્રણ બહેનનો એક જ ભાઇ હતોઃ હાલ છુટક મજુરી કરતાં યુવાને વાળની ગુંચ વેંચવાનો ધંધો ચાલુ કરતાં ખોટ ગઇ હતીઃ છએક લોકો પાસેથી વ્‍યાજે નાણા લેતાં પાંચેક લાખનું દેણું થઇ ગયું હતું

રાજકોટ તા. ૨૩: વ્‍યાજખોરીમાં ફસાઇ જવાને કારણે વધુ એક પરિવારે યુવાન દિકરો ગુમાવ્‍યો છે. પોરબંદરના કુતિયાણામાં રહેતાં ૨૮ વર્ષના યુવાને તેના મુળ વતન માણાવદરના સરદારગઢ ગામે આવેલા સ્‍મશાનમાં જઇ ઝેરી ટીકડીઓ પી લેતાં સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડયો છે. અગાઉ વાળની ગુંચ વેંચવાનો ધંધો ચાલુ કરતાં તેમાં ખોટ જતાં વ્‍યાજખોરીમાં ફસાઇ ગયો હોઇ ઉઘરાણીથી કંટાળી જઇ ગઇકાલે ઘરેથી નીકળી ગયા બાદ સરદારગઢમાં કુળદેવીના મઢે દર્શન કર્યા બાદ અહિ આવેલા દેવીપૂજક સમાજના સ્‍મશાનમાં જઇને પગલુ ભરી લીધુ હતુ.

જાણવા મળ્‍યા મુજબ કુતિયાણા કે. ડી. પ્‍લોટમાં રહેતાં હરેશભાઇ મનસુખભાઇ સોલંકી (ઉ.વ.૨૮) નામના યુવાને સાંજે ચારેક વાગ્‍યે માણાવદરના સરદારગઢમાં આવેલા દેવીપૂજક સમાજના સ્‍મશાનમાં ઝેરી દવા પી લેતાં સમાજના કોઇ લોકોને જાણ થતાં હરેશભાઇને તાકીદે માણાવદરની હોસ્‍પિટલમાં ખસેડી તેથા સગાને જાણ કરી હતી. ત્‍યાંથી વધુ સારવાર માટે તેણે જુનાગઢ અને જુનાગઢથી ઉપલેટાની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ત્‍યાંથી રાજકોટ લઇ જવાનું કહેવાતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં વહેલી સવારે ખસેડાયો હતો.

પરંતુ અહિ ટુંકી સારવારને અંતે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માણાવદર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર હરેશભાઇ ત્રણ બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. તેને સંતાનમાં એક દિકરી છે. સગાએ જણાવ્‍યું હતું કે હરેશભાઇ હાલમાં છુટક મજુરી કરતો હતો. અગાઉ તેણે વાળની ગુંચ વેંચવા, ખરીદવાનો ધંધો ચાલુ કર્યો હતો. પરંતુ આ ધંધામાં ખોટ જતાં ભરપાઇ કરવા માટે તેણે અલગ અલગ લોકો પાસેથી અલગ અલગ રકમ વ્‍યાજેથી લીધી હતી. આ કારણે હાલમાં તે ચાર-પાંચ લાખના દેણામાં આવી ગયો હતો. હાલમાં મજુરી કામ ખાસ મળતું ન હોઇ તે દણું ચુકવી શકતો નહોતો. બીજી તરફ ઉઘરાણીઓ સતત ચાલુ રહેતી હોઇ કંટાળી ગયો હતો.

ગઇકાલે હરેશભાઇ ઘરેથી કામે જવાનું કહીને નીકળ્‍યા બાદ મુળ વતન સરદારગઢ ગામે પહોંચ્‍યો હતો. અહિ કુળદેવીના મઢે પહેલા તેણે દર્શન કર્યા હતાં. બાદમાં દેવીપૂજક સમાજનું અહિ સ્‍મશાન આવેલુ હોઇ ત્‍યાં જઇ ઝેરી ટીકડીઓ પી લીધી હતી. આપઘાતની ઘટના અંગે માણાવદર પોલીસ વધુ તપાસ  કરશે. આ બનાવથી સોલંકી-દેવીપૂજક પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

(11:46 AM IST)