હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લક્ષ્મીનગરમાં હર્ષ પરમારે કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી ૪ શખ્સોની ધમકી
હર્ષના બહેન પાયલબેનની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે મીત, નિષીલ ઉર્ફે નિર્ભય, આદિત્ય અને હર્ષ કાચાએ ઘરે આવી ગાળો દઇ છરી બતાવ્યાના આરોપ સાથે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨: લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલી મધુવન સોસાયટીમાં ચાર શખ્સોએ ધમાલ મચાવી હતી. લોન અને દાગીના બાબતે અગાઉ થયેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરી યુવકને જાહેરમાં છરી બતાવી આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પોલીસે કાર્યવાહી કરી છે. આ બનાવમાં માલવીયાનગર પોલીસે નાના મવા રોડ લક્ષ્મીનગર-૫/૭ના ખુણે કુળદેવી કૃપામાં રહેતાં પાયલબેન ઇશ્વરભાઇ પરમાર (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી મીત હિતેષભાઇ હાથી, નિખીલ ઉર્ફે નિર્ભય ચેતનભાઇ હાથી, આદિત્ય ભાવેશભાઇ વાઘેલા અને હર્ષ કાચા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
પાયલબેન પોતાના માતા, બહેન અને ભાઇ સાથે રહે છે. તેમની બાજુમાં સગા મોટા બાપુ ભરતભાઇ પરમાર તેના પરિવારજનો સાથે રહે છે. પાયલબેને ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તારીખ ૦૯/૦૫/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે અગિયારેક વાગ્યાની આસપાસ પાયલબેન પરિવારજનો સાથે ઘરે હતી ત્યારે ઘરની જોરજોરથી ગાળાગાળીનો અવાજ સંભળાતા પાયલબેન અને તેમની નાની બહેન પ્રિયયંકા નીચે દોડી આવ્યા હતા. નીચે આવીને જોતાં પાયલબેનના મોટા બાપુનો દીકરો હર્ષ પરમાર અને તેમનો સંબંધી રવિરાજસિંહ રાઠોડ ત્યાં હાજર હતા. તેમની સાથે અગાઉ એ જ વિસ્તારમાં રહેતા પરિચિત શખ્સો મીત હિતેશભાઈ હાથી, નિષીલ ઉર્ફે નિર્ભય ચેતનભાઈ હાથી, આદિત્ય ભાવેશભાઈ વાઘેલા અને હર્ષ કાચા પણ હતો.
આ દરમિયાન મીત હાથીએ છરી કાઢી હર્ષ પરમારને ધમકાવતા કહ્યું હતું કે-તેં મારા વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ કરી છે, તે પાછી ખેંચી લે નહીંતર તને જીવતો રહેવા નહીં દઉં. આ માથાકૂટ દરમિયાન સંબંધી રવિરાજસિંહ રાઠોડ આ શખ્સોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે નિષીલ ઉર્ફે નિર્ભય હાથીએ તેમને પણ બેફામ ગાળો આપી ધમકાવ્યા હતા. મામલો વધુ બિચકે નહીં તે માટે પાયલબેન વચ્ચે છોડાવવા પડ્યા હતા. પણ ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ પાયલબેનના આખા પરિવારને જાહેરમાં ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટયા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાયલબેનના મોટા બાપુના દીકરા હર્ષ પરમારે અગાઉ આરોપી મીત હિતેશભાઈ હાથી વિરૂધ્ધ લોન અને સોનાના દાગીના બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ રાત્રિના સમયે હર્ષના ઘરે આવીને હુમલાનો પ્રયાસ કર્યો હતો અને હથિયાર બતાવી ધમકી આપી હતી. બનાવ બાદ પાયલબેનની તબિયત લથડતા તેઓ બીમાર પડી ગયા હતા. હવે તબીયતમાં સુધારો આવતાં પોલીસને જાણ કરી હતી. પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. બગડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.










