તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
‘કથકઃ નિઃશાબ્દિક સંચાર' વિષય પર પીએચડીની ડીગ્રી મેળવતા હર્ષવી નાગ્રેચા
૧૦૦ પેઇજનો મહાનિબંધ તૈયાર કર્યો. જેમાં કેવી રીતે કથકને શબ્દ વિના એટલેકે નિઃશાબ્દિક રીતે સામેવાળી વ્યકિત સમજી શકે તે રીતે પ્રસ્તુત કરવા પર રજુઆત કરી *મનોવિજ્ઞાન વિષયમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. હવે માસ્ટર્સ પણ કરવાના છે. * અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળ, આર્ટ યુનિવર્સિટી એ આ મહાનિબંધને માન્ય રાખી નૃત્ય પ્રવીણ (ડોક્ટર ઓફ ડાન્સ) ની ડિગ્રી પ્રદાન કરી. * હર્ષવી નાગ્રેચાએ ડો. નિખિલ ભટ્ટ, દિવ્યા ભટ્ટ તેમજ ડો. કર્તવી ભટ્ટના માર્ગદર્શન હેઠળ મહા નિબંધ તૈયાર કર્યો. * હું જે શિખી છુ તે આગળ સમાજને આપી શકુ તેવો મારો પ્રયત્ન રહેશે.

રાજકોટ, તા.૨૩: કથ્થકએ ભારતનાં આઠ શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપોમાંનું એક અત્યંત પ્રચલિત અને તાલપ્રધાન નૃત્ય છે જે મુખ્યત્વે ઉત્તર ભારત, રાજસ્થાન અને ગુજરાતમાં વિકસ્યું છે. કથ્થક શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ ‘કથા' પરથી થઈ છે જેનો અર્થ ‘વાર્તા કહેનાર' એવો થાય છે. કથ્થકમાં નિષ્ણાત બનવા માટે માત્ર નૃત્ય જ નહીં પરંતુ સંગીત, વાદ્ય અને નાટ્યકલાનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. આ એક ‘તાલપ્રધાન' નૃત્ય હોવાથી ગુરુ-શિષ્ય પરંપરા હેઠળ તબલા અને પખવાજની થાપ પર તાલબદ્ધ પગલાંની પકડ મજબૂત કરવી પડે છે. નૃત્યમાં માત્ર ૧૦ વર્ષની કૂમળી વયથી નૃત્યથી કઠીન તાલીમ લઇ કથક નૃત્યમાં પકડ મજબૂત કરનાર રાજકોટની દીકરી હર્ષવી નાગ્રેચાએ કથકમાં નૃત્ય પ્રવિણ એટલેકે પી.એચડી ની ડીગ્રી પ્રાપ્ત કરી પોતાની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેર્યું છે.
અકિલા કાર્યાલય ખાતે દાદા વિજયભાઇ અને માતા રૂપાબેન સાથે આવેલ કથ્થક નૃત્યાંગના અને મીર કલાકેન્દ્રના નિર્દેશક ડો. હર્ષવી નાગ્રેચાએ જણાવ્યું હતુ કે, મેં માત્ર દસ વર્ષની ઉંમરથી નૃત્યની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. મેં અભ્યાસમાં મનોવિજ્ઞાન વિષયમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. હવે માસ્ટર્સ પણ કરવાનું છે. કથકમાં વિશારદ અને અલંકારથી ઉપાધી મેં બૃહદ નૃત્ય નાટ્ય મહાવિદ્યાલયમાંથી મેળવી જ્યારે શિક્ષા વિશારદ અને પીએચડીની ડીગ્રી અખીલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળથી પ્રાપ્ત કરી. જેમાં કથક નિઃશાબ્દિક સંચાર વિષય પર ૧૦૦ પેઇજનો મહાનિબંધ તૈયાર કર્યો હતો. જેમાં કેવી રીતે કથકને શબ્દ વિના એટલેકે નિઃશાબ્દિક રીતે સામેવાળી વ્યકિત સમજી શકે તે રીતે પ્રસ્તુત કરવા પર મહાનિબંધ તૈયાર કર્યો. ડો.હર્ષવી નાગ્રેચા કહે છે તેમાં ભાવ, ફૂટ વર્ક સહિત આખા શરીરના ઉપયોગથી શબ્દોના ઉપયોગ વગર કઇ રીતે તમે શબ્દો વિના માત્ર ભાવથી કથક રજુ કરી શકો તે વિશે મહાનિબંધ રજુ કરી નૃત્ય પ્રવિણની પદવી મેળવી.
નૃત્ય એક નિઃશાબ્દિક સંચારનું માધ્યમ બની શકે તે વિષયનો વિચાર કઇ રીતે આવ્યો? ડો. હર્ષવી નાગ્રેચા કહે છે, હું મનોવિજ્ઞાનનો અભ્યાસ કરું છુ એટલે મારી ઇચ્છા હતી કે કથક અને મનોવિજ્ઞાન બંને વિષયને સાથે લઇ કંઇક નવું આપુ. ડો.હર્ષવી મનોવિજ્ઞાન ના ક્ષેત્રે પણ જોડાયેલ હોવાથી તેમને બંને વિષયોને જોડતો વિષય પસંદ કર્યો એટલે કે કઈ રીતે નૃત્ય એક નિઃશાબ્દિક સંચારનું માધ્યમ બની શકે તે વિષય પર અભ્યાસ કર્યો. ખૂબ નાની વયમાં તેમને નૃત્યમાં પ્રવીણ ની પદવી મેળવી સમાજમાં પરિવારનું તેમજ ગુરુજનોનું ગૌરવ વધાર્યું છે. ડો. હર્ષવી એ ડો. નિખિલ ભટ્ટ, દિવ્યા ભટ્ટ તેમજ ડો. કર્તવી ભટ્ટના માર્ગદર્શન હેઠળ કથક નિઃશાબ્દિક સંચાર વિષય પર મહા નિબંધ તૈયાર કર્યો અને અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળ, આર્ટ યુનિવર્સિટી દ્વારા આ મહાનિબંધને માન્ય રાખી નૃત્ય પ્રવીણ (ડોક્ટર ઓફ ડાન્સ) ની ડિગ્રી પ્રદાન કરી છે.
ડો. હર્ષવી એ રાજકોટ તેમજ રાજકોટ બહાર સરકારી કાર્યક્રમોમાં આમંત્રણને લઇ સોમનાથ, અમરેલી, દિવ, જૂનાગઢ, ગોંડલ, ચોટીલા સહિત અનેક કાર્યક્રમોમાં મંચ પ્રસ્તુતિ આપેલ છે. હાલમાં તેઓ પોતાની નૃત્ય સંસ્થા મીર કલા કેન્દ્રમાં કથક નૃત્યની તાલીમ આપી અન્ય કલાકારોને તૈયાર કરી રહ્યા છે. ડો. હર્ષવી કહે છે, કથ્થકમાં પીએચડી કર્યા પછી એજ ઇચ્છા છે કે મારા માર્ગદર્શનમાં બીજા વિદ્યાર્થીઓ તાલીમ મેળવે. હવે હું પણ મહાનિબંધ તૈયાર કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને મારા માર્ગદર્શનમાં પીએચડી કરાવી શકું. હું જે શિખી છુ તે આગળ સમાજને આપી શકુ તેવો મારો પ્રયત્ન રહેશે.
કથકઃ નિઃશાબ્દિક સંચાર મહાનિબંધમાં હર્ષવી નાગ્રેચાએ કથ્થક વિશે ઘણું નવુ આપ્યું છે. જેમકે લોકોને ખ્યાલ નથી કે માત્ર આંખોના ભાવ દ્વારા પણ તમે જે કહેવા માંગો છે તે કહી શકાય છે. ભમ્મર, નાક, પગ ના હાવભાવથી પણ નૃત્યની પ્રસ્તુતી થઇ શકે. જેમાં આખા શરીરને હલાવવાની ક્યારેક જરૂર રહેતી નથી. એટલેકે જે ડાન્સર ન હોય તે પણ આ મહાનિબંધ વાંચે તો તેને ખ્યાલ આવે કે બોલ્યા વિના એટલેકે શબ્દો વિના તમે તમારા વિચારો આ રીતે પણ રજુ કરી શકો છો. આ મહાનિબંધ કરતા ડો. હર્ષવીને ૨ વર્ષનો સમય લાગ્યો. રાજકોટમાં રહી કથ્થકને સમાજઅર્પણ કરવાનો હેતુ છે. હર્ષવીબેનને અમેરિકાથી અને અન્ય ઘણી જગ્યાએથી પર્ફોમન્સ આપવા માટે ઓફર હતી પણ ઉચ્ચ અભ્યાસને લઇ તેઓએ ઓફર સ્વિકારી નહોતી. હર્ષવી નાગ્રેચાએ ડો. નિખિલ ભટ્ટ, દિવ્યા ભટ્ટ તેમજ ડો. કર્તવી ભટ્ટના માર્ગદર્શન હેઠળ કથકઃ નિઃશાબ્દિક સંચાર વિષય પર મહા નિબંધ તૈયાર કરી પીએચડીની ડીગ્રી મેળવી માત્ર નાગ્રેચા પરિવારનું જ નહી સમગ્ર કલાજગતનું નામ રોશન કર્યું છે.(૪૦.૩૨)
કથ્થક પર પુસ્તક પ્રસિધ્ધ કરશે હર્ષવી નાગ્રેચા
ખુબ નાની ઉંમરે કથ્થકને સમર્પિત થયેલ કલાકાર અને કલાગુરૂ ડો. હર્ષવી નાગ્રેચાએ કથ્થકમાં કથકઃ નિઃશાબ્દિક સંચાર વિષય પર મહાનિબંધ તૈયાર કરી પીએચડીની ડીગ્રી મેળવી છે જે ખુબજ ગૌરવની વાત છે. ઉલ્લેખનીય છે કે, ડો.હર્ષવી નાગ્રેચાએ પીએચડી કરવામાં જે મહાનિબંધ તૈયાર કર્યા તેનો ઉપયોગ અન્ય વિદ્યાર્થીઓ પણ કથ્થકના રિસર્ચમાં કરી શકશે. ડો. હર્ષવી કહે છે, આ મહાનિબંધ એક મારું રિસર્ચ હતું. જેને થીસીસ રૂપે રજુ કર્યું છે. હવે ભવિષ્યમાં તેને યોગ્ય રીતે પુસ્તક રૂપે રજુ કરવાની પણ મારી ઇચ્છા છે. જેનાથી કથ્થક શિખતા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આ કલા ક્ષેત્રે આગળ વધવામાં ઉપયોગી થઇ શકે.
ડો.હર્ષવી નાગ્રેચા
(મીર કલા કેન્દ્ર)૮૮૬૬૫૦૦૩૬૦
(2:40 PM IST)










