તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
ચોમાસામાં આરોગ્યનું સુરક્ષા કવચ : આદુ અને સૂંઠ
આયુર્વેદનું અવનવું-ભાગ ૪ : સૂંઠ તથા આદુનો તમે રોજ ઉપયોગ કરો છો પરંતુ એના વિશે કેટલું જાણો છો?

ચોમાસાની ઋતુ આવતા જ વાતાવરણમાં ભેજ, ઠંડક અને રોગચાળાનું પ્રમાણ વધી જાય છે. આ દિવસોમાં પાચનશક્તિ મંદ પડે છે અને વાયુ તથા કફના રોગોનો પ્રકોપ વધી જાય છે. આવી સ્થિતિમાં આપણા રસોડામાં રહેલું આદુ અને સૂંઠ શરીર માટે અમળત સમાન સાબિત થઈ શકે છે. આયુર્વેદની પરંપરામાં સૂંઠને ‘વિશ્વભેષજ' એટલે કે સમગ્ર વિશ્વની ઔષધિનું બિરૂદ આપવામાં આવ્યું છે. વાયુ, પિત્ત અને કફ એમ ત્રણેય દોષોના પ્રકોપમાં યોગ્ય અનુપાન સાથે સૂંઠ કે આદુનો પ્રયોગ અત્યંત કારગર નિવડે છે. આપણે ત્યાં એટલે જ કહેવત છે, ‘સૂંઠના ગાંગડે વૈદ્ય'. જો કોઈ વૈદ્યને સૂંઠના ઉપયોગનું યોગ્ય જ્ઞાન હોય, તો તે માત્ર આ એક જ દ્રવ્યના બળે પોતાની સફળ પ્રેક્ટિસ ચલાવી શકે છે.
અનોખો સ્વાદ : સૂંઠની આગવી સ્વાભાવિક સુગંધ તથા તેનો વિશિષ્ટ તીખો સ્વાદ એમાં રહેલા ઝીંઝરોન (Zingerone),શોગોલ્સ(Shogaols) અને ઝીંઝેરોલ (Gingerol) નામના આલ્કેલૉઇડ્સ તથા ઉડનશીલ (Volatile) તેલોને આભારી છે. તેનો પ્રારંભિક તીખો સ્વાદ, પચવામાં સરળતા અને પાચક ગુણો આ જ રાસાયણિક તત્ત્વોને લીધે છે. જોકે આ તત્ત્વોમાં થોડું કેમિકલ ઇરિટન્ટ એટલે કે બળતરા ઉત્પન્ન કરનારો ગુણધર્મ પણ રહેલો છે. આ જ કારણોસર, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઘોડાઓને સતત ચાલતા રાખવા માટે સૂંઠના પાવડરનો ઘોડાની ગુદામાં ઉપયોગ કરવામાં આવતો હતો.
વૈશ્વિક વ્યંજનો, પીણાં અને પ્રાદેશિક વૈવિધ્ય : તાજું આદુ ખૂબ રસદાર અને પ્રમાણમાં ઓછું તીખું હોય છે. ચોમાસાના ભેજવાળા હવામાનમાં ગરમ-ગરમ ‘જીંજર ટી' વિશ્વભરમાં વ્યાપકપણે પીવાય છે. જેમાં સામાન્ય રીતે ચાની પત્તી ન હોય પણ માત્ર પાણીમાં આદુ ઉકાળીને, સ્વાદ માટે લીંબુ કે મોસંબીનો રસ ઉમેરવામાં આવે છે. આ સિવાય દુનિયાના ઘણા દેશોમાં આદુનું અથાણું પણ ખૂબ લોકપ્રિય છે.
સૂંઠ માત્ર ઔષધ પૂરતી સીમિત નથી, પણ બેકરી ઉદ્યોગમાં ‘જીંજર બ્રેડ' બનાવવા માટે તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. વિશ્વ વિખ્યાત સોફ્ટ ડ્રિંક ‘જીંજર એલ'માં પણ સૂંઠનો અર્ક જ વપરાય છે. કેફીનયુક્ત અને એરિએટેડ પીણાંના આરોગ્યપ્રદ વિકલ્પ તરીકે જીંજર એલ જાણીતું છે, તેથી જ વિમાન મુસાફરી દરમિયાન એરલાઈન્સ દ્વારા આ પીણું ઉત્સાહપૂર્વક પીરસવામાં આવે છે. મધ્ય અમેરિકાના દેશોમાં ‘જીંજર બીયર' ખૂબ શોખથી પીવાય છે.
ભારતમાં વૈવિધ્યસભર ઉપયોગ : તામિલનાડુમાં આદુના રસને ખાંડ સાથે મેળવીને ‘ઇંજી મુરપ્પા' બનાવવામાં આવે છે જેને આદુની દેશી ચોકલેટ કહી શકાય. બસ સ્ટેશનો અને સ્થાનિક બજારોમાં જીંજર કેન્ડી સરળતાથી મળી રહે છે. ભારતમાં આદુ અને સૂંઠના લગભગ ૧૫ થી ૧૬ પ્રકારના અથાણાં બનાવવામાં આવે છે. દેશના જુદા જુદા ભૌગોલિક ભાગોમાં પાકતા આદુ અને તેમાંથી બનતી સૂંઠના સ્વાદમાં પણ તફાવત જોવા મળે છે. પヘમિ ભારતની સૂંઠ વધારે તીખી અને સ્ટ્રોંગ હોય છે, જ્યારે દક્ષિણ ભારતની સૂંઠમાં સુગંધનું પ્રમાણ વધુ અને તીખાશ ઓછી હોય છે. વેપાર અને સંગ્રહના હેતુથી આદુને ચૂનાના પાણીમાં બોળીને સૂકવવાની પદ્ધતિ પ્રચલિત છે. ઔષધીય પ્રયોગો માટે ચૂનાના પાણીમાં પ્રોસેસ કરેલી સૂંઠ વધુ ઉત્તમ માનવામાં આવે છે.
વૈશ્વિક સંસ્કળતિઓમાં આદુનો ઉપયોગ : દુનિયાના વિવિધ ખૂણે આદુનો ઉપયોગ આગવી રીતે થાય છે. * મ્યાનમાર : તાજા આદુને સલાડમાં ઉમેરીને ખાવાનો રિવાજ છે. * ઇન્ડોનેશિયા : ‘વેડાંગ જાહે' (Wedang Jahe) નામનું પરંપરાગત પીણું આદુમાંથી બને છે. * દક્ષિણ-પૂર્વ એશિયા : આદુના ફૂલ અને તેના છોડના તાજા પાંદડાઓનો વાનગીઓમાં ઉપયોગ થાય છે. * ચીન : માછલીની વાનગીઓ રાંધતી વખતે આદુ ઉમેરવું અનિવાર્ય ગણાય છે. * જાપાન : ‘બેનીશોગા' અને‘ગરી' જેવા પરંપરાગત વ્યંજનો આદુમાંથી જ તૈયાર થાય છે. * આરબ દેશો : કોફીને વિશિષ્ટ ફ્લેવર આપવા માટે સૂંઠ ઉમેરવામાં આવે છે.
ચોમાસામાં મહત્વ : પરંપરાગત ઉપચારમાં આદુ અને સૂંઠનો ઉપયોગ ઝાડા-ઉલટી દૂર કરવામાં, પાચક ઔષધ તરીકે, સાંધાના દુખાવા, ભૂખ વધારવા, પેટના દુખાવામાં, શરદી, ઉધરસ અને તાવમાં ઘરેલુ ઉપચાર તરીકે થાય છે. ચોમાસાની ઋતુમાં ભેજને કારણે પાચન અગ્નિ મંદ પડે છે અને વાયરલ ઇન્ફેક્શનનો ભય રહે છે. આ સમયે આદુ અને સૂંઠ જઠરાગ્નિને પ્રદીપ્ત કરી ખોરાકનું પાચન સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
આદુ અને સૂંઠ વચ્ચેનો તફાવત તથા સાવચેતી : આયુર્વેદ અનુસાર આદુ અને સૂંઠના ગુણધર્મોમાં તફાવત છે. આદુ સ્વભાવે ઉષ્ણ હોવાથી પિત્ત પ્રકળતિવાળા લોકો માટે વધુ અનુકૂળ નથી. આદુના અતિરેકથી ત્વચા પર લાલ ચાંઠા કે પેટમાં બળતરા થઈ શકે છે. તેની સરખામણીમાં સૂંઠ અનુષ્ણશીત એટલે કે અતિ ગરમ કે અતિ ઠંડી નહીં હોવાથી ત્રિદોષનાશક ગણાય છે.
યાદ રહે, જેમને પિત્તાશયમાં પથરી હોય, તેમણે આદુ કે સૂંઠનો વધુ ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે તે લિવરમાં પિત્તનું ઉત્પાદન વધારે છે જે પિત્તાશયની સમસ્યા વધારી શકે છે.
પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓમાં વૈજ્ઞાનિક સંશોધન અને નીતિવિષયક સુધારાઓમાં નોંધપાત્ર યોગદાન આપનારા, પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત અને ભારત સરકારના આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા દુનિયાભરમાં આયુર્વેદ ચિકિત્સક તરીકે આગવી ઓળખ ધરાવે છે. આપનો પ્રતિભાવ [email protected] પર ઇમેલ કરી શકાશે.
સૂંઠના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત પહેલા નંબરે
વિશ્વમાં આદુ અને સૂંઠના ઉત્પાદનમાં ભારત પ્રારંભથી જ ટોચનું સ્થાન ધરાવે છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) અને આંતરરાષ્ટ્રીય કળષિ આંકડાકીય અહેવાલો અનુસાર :
વૈશ્વિક ઉત્પાદન : હાલમાં સમગ્ર વિશ્વમાં વાર્ષિક આશરે ૪૮ લાખ મેટ્રિક ટન (4.8 Million Metric Tons) આદુ અને સૂંઠનું ઉત્પાદન થાય છે.
ભારતનું ઉત્પાદન : વિશ્વના કુલ આદુ ઉત્પાદનમાં ભારત આશરે ૨૩.૩ લાખ મેટ્રિક ટન (2.33 Million Metric Tons) સાથે પ્રથમ ક્રમે છે, જે વૈશ્વિક ઉત્પાદનનો મોટો હિસ્સો રોકે છે.
અન્ય દેશો : વિશ્વમાં બીજા ક્રમે નાઇજીરિયા (આશરે ૭.૬૮ લાખ મેટ્રિક ટન) અને ત્રીજા ક્રમે ચીન (આશરે ૫.૮૫ લાખ મેટ્રિક ટન) આવે છે. નેપાળ, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ પણ અગ્રણી ઉત્પાદક દેશોમાં સમાવિષ્ટ છે.
લેખક : વૈદ્ય રાજેશ કોટેચા
(3:48 PM IST)










