<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

સ્‍વસ્‍થ રાજકોટ, ભવ્‍ય ગુજરાતઃ યોગમય બનો

આવતીકાલે વિશ્‍વયોગઃ રમેશભાઈ ટીલાળાની રાજકોટવાસીઓને હાકલ

રાજકોટઃ ૨૧મી જૂન વિશ્વ યોગ દિવસ્રૂ્ન૩૯; નિમિત્તે ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાળાએ સમગ્ર જનતાને હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવી છે અને એક સ્‍વસ્‍થ-સમૃદ્ધ સમાજના નિર્માણ માટે યોગને દૈનિક જીવનનો અનિવાર્ય હિસ્‍સો બનાવવા અપીલ કરી છે. ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાળાએ જણાવ્‍યું છે કે, યોગ એ ભારતની પ્રાચીન અને અમૂલ્‍ય વિરાસત છે જેને આજે સમગ્ર વિશ્વએ સ્‍વીકારી છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના ભગીરથ પ્રયાસોને કારણે આપણી આ મહાન પરંપરાને વૈશ્વિક સ્‍તરે એક નવી અને ભવ્‍ય ઓળખ મળી છે. તેમના પ્રસ્‍તાવથી યુનાઈટેડ નેશન્‍સ (યુનો) દ્વારા ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્‍યો, જેના કારણે આજે સમગ્ર વિશ્વ યોગના મહત્‍વને સ્‍વીકારી રહ્યું છે. યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ આપણા મહાન ઋષિમુનિઓ દ્વારા સદીઓથી જાળવી રાખવામાં આવેલી એક અમૂલ્‍ય સાધના અને જીવનશૈલી છે, જે શરીર, મન અને આત્‍માને એકરૂપ કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આજની ભાગદોડ ભરેલી આધુનિક જીવનશૈલીમાં માનસિક શાંતિ, શારીરિક તંદુરસ્‍તી અને આત્‍મિક ઉર્જા મેળવવાનો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ યોગ છે. આપણી યુવા પેઢી અત્‍યારે મોબાઈલ-કમ્‍પ્‍યુટર જેવા ડિજિટલ ઉપકરણો અને બેઠાડુ જીવન તરફ વળી રહી છે, ત્‍યારે તેમને ડાયાબિટીસ, હૃદયરોગ અને માનસિક તણાવ જેવી આધુનિક સમસ્‍યાઓથી બચાવવા માટે નિયમિત યોગાભ્‍યાસ અને પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે. જો આપણો નાગરિક સ્‍વસ્‍થ હશે તો જ આપણો દેશ પ્રગતિના પંથે આગળ વધી શકશે.

 શ્રી રમેશભાઈ ટીલાળાએ રાજકોટના તમામ નાગરિકોને  અનુરોધ કર્યો છે કે, આ ૨૧મી જૂને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માધવરાય સિધિયા ક્રિકેટ ગ્રાઉન્‍ડ અને લોકમાન્‍ય તિલક સ્‍નાનાગાર ખાતે સવારે સામૂહિક યોગ કાર્યક્રમ, તેમજ અન્‍ય સંસ્‍થાઓ દ્વારા યોજાનારા સામૂહિક યોગ કાર્યક્રમોમાં મોટી સંખ્‍યામાં ભાગ લે અને યોગને માત્ર એક દિવસનો ઉત્‍સવ ન રાખતા તેને પોતાના જીવનનો એક કાયમી સંસ્‍કાર બનાવે. સ્‍વસ્‍થ રાજકોટ, ભવ્‍ય ગુજરાતના સંકલ્‍પ સાથે ધારાસભ્‍યશ્રીએ સૌ નાગરિકોને યોગમય બનવા આહ્વાન કર્યું છે.

(11:46 AM IST)