તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 13th July 2026
હૃદય બંધ પડતાં લોઠડા, ભંગડા અને રાજકોટની હરસિધ્ધી સોસાયટીના યુવાન, પ્રોઢ, વૃધ્ધના મૃત્યુ
વંશરાજભાઇ બિંદ, માણસુરભાઇ પરમાર અને વિનેશભાઇ ડોડીયાએ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૩: હૃદય ધબકારા ચુકી જવાને કારણે એક યુવાન, પ્રોૈઢ અને વૃધ્ધના મૃત્યુ થયા છે. રાજકોટના સરધાર તાબેના લોઠડા ગામે ચાલીસ વર્ષનો યુવાન બેભાન થઇ જતાં, નજીકના ભંગડા ગામે વૃધ્ધ બેભાન થઇ જતાં અને દોઢસો રીંગ રોડ પર હરસિધ્ધી સોસાયટીમાં પ્રોૈઢ બેભાન થઇ જતાં ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ લોઠડા ગામમાં આવેલી એબીસી પ્લાસ્ટીક ફેક્ટરી પાસે ક્વાર્ટરમાં રહેતો અને અહિ જ કામ કરતો મુળ એમપીનો વંશરાજભાઇ લાલજીભાઇ બીંદ (ઉ.વ.૪૦) નામનો યુવાન સાંજે સાડા આઠેક વાગ્યે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે મુળ એમપીનો વતની હતો. સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. એકાદ મહિનાથી અહિ કામ કરવા આવ્યો હતો. હૃદય રોગનો હુમલો આવી ગયાનું જણાવાયું હતું.
બીજા બનાવમાં ભંગડા ગામે રહેતાં માણસુરભાઇ પુનાભાઇ પરમાર (ઉ.વ.૮૨) રાતે દસેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર બે બહેન ચાર ભાઇમાં મોટા હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું.
ત્રીજા બનાવમાં ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ હરસિધ્ધી સોસાયટીમાં રહેતાં વિનેશભાઇ કાંતિલાલ ડોડીયા (ઉ.વ.૫૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતા. તે બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. ત્રણેય બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ અને યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
(11:06 AM IST)










