<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

રાજકોટમાં ગરમીનો પ્રકોપ યથાવતઃ બપોરે ૨:૩૦ વાગ્‍યે પારો ૪૨.૨ ડિગ્રીએ પહોંચતા અગનભઠ્ઠી જેવો અહેસાસ

૨૨ કિલોમીટરની ઝડપે ફૂંકાયા ગરમ પવનોઃ હીટવેવની થપેટમાં રંગીલું શહેર, બપોરના સમયે રાજમાર્ગો સુમસામ

રાજકોટ, તા. ૧૮: સૌરાષ્‍ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેરમાં ઉનાળાનો મિજાજ દિન-પ્રતિદિન વધુ આકરો બની રહ્યો છે. આજે અઠવાડિયાના પ્રથમ દિવસે જ બપોરે ગરમીએ પોતાનું રૌદ્ર સ્‍વરૂપ બતાવ્‍યું હતું. બપોરે બરાબર ૨:૩૦ વાગ્‍યે રાજકોટનું મહત્તમ તાપમાન ૪૨.૨ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાતા સમગ્ર શહેર અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હતું. આકાશમાંથી વરસતી આ ગરમ આગને કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠ્‍યા છે અને ગરમીનો હાહાકાર યથાવત રહ્યો છે.

આજે માત્ર ઊંચું તાપમાન જ નહીં, પરંતુ પવનની ગતિએ પણ લોકોની મુશ્‍કેલીમાં વધારો કર્યો હતો. બપોરના સમયે કલાકના ૨૨ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ગરમ પવનોને કારણે લોકોએ તીવ્ર લૂનો સામનો કરવો પડ્‍યો હતો. મોટરસાઇકલ ચાલકો અને રાહદારીઓ માટે રસ્‍તા પર નીકળવું અસહ્ય બન્‍યું હતું. ગરમ પવનોના થાપટોથી બચવા માટે લોકોએ મોં પર રૂમાલ અને ચશ્‍માનો સહારો લેવો પડ્‍યો હતો.

કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાના કારણે બપોરે ૧:૦૦ થી સાંજના ૪:૦૦ વાગ્‍યા સુધી રાજકોટના વ્‍યસ્‍ત ગણાતા ત્રિકોણ બાગ, યાજ્ઞિક રોડ, અને કાલાવડ રોડ જેવા વિસ્‍તારોમાં માનવ મહેરામણ નહિવત જોવા મળ્‍યો હતો. બપોરના સમયે બજારોમાં ગ્રાહકોની અવરજવર ઓછી થતાં વેપારીઓએ પણ આરામ કરવો પસંદ કર્યો હતો, જેના કારણે રસ્‍તાઓ પર જાણે અઘોષિત કરફયુ લાગ્‍યો હોય તેવો માહોલ સર્જાયો હતો

(3:35 PM IST)