તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 7th May 2026
રાજકોટમાં ગરમીનો પ્રકોપઃ બપોરે પારો ૪૨.૬ ડિગ્રીએ પહોંચતા શહેર ‘હોટ સિટી' બન્યું, આગ ઓકતી ગરમીથી લોકો બેહાલ
બપોરે ૨:૩૦ વાગ્યે મહત્તમ તાપમાન નોંધાયું, ગરમ પવનોના ફૂંકાવાને કારણે રસ્તાઓ સુમસામ બન્યા અને બજારમાં રોનક ગાયબ થઈ

રાજકોટ,તા.૭ : સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં ગરમીએ ફરી એકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા થોડા દિવસોની સામાન્ય રાહત બાદ ફરીથી ગરમીનો પારો ઉંચકાતા રાજકોટવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. આજે બપોરે ૨:૩૦ વાગ્યે રાજકોટનું તાપમાન ૪૨.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા ચાલુ સીઝનનો સૌથી ગરમ દિવસ સાબિત થયો છે.
આજે સવારથી જ સૂર્યનારાયણે આકરા તેવર બતાવવાના શરૂ કર્યા હતા. બપોર થતાની સાથે જ ગરમ લૂ (હીટવેવ) ફૂંકાવાનું શરૂ થતા લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું. ખાસ કરીને બપોરે ૨:૩૦ વાગ્યે જ્યારે પારો ૪૨.૬ ડિગ્રી પર પહોંચ્યો ત્યારે શહેરના રાજમાર્ગો, યાજ્ઞિક રોડ અને કાલાવડ રોડ જેવા ધમધમતા વિસ્તારોમાં પણ સ્વયંભૂ કરફયુ જેવી સ્થિતિ જોવા મળી હતી. ટ્રાફિકથી સતત ધમધમતા રસ્તાઓ પર વાહનોની અવરજવર નહિવત થઈ ગઈ હતી.
અસહ્ય ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાં, આઈસ્ક્રીમ અને શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે. બપોરના સમયે જે લોકો મજબૂરીમાં બહાર નીકળ્યા હતા તેઓ મોઢે રૂમાલ અને ચશ્મા પહેરી ગરમીથી રક્ષણ મેળવતા નજરે પડ્યા હતા. ગરમી વધતા આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા અને પુષ્કળ પાણી પીવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૪૮ કલાકમાં પારો હજુ પણ ઉપર જઈ શકે છે. પવનની દિશા બદલાવાને કારણે અને સૂકા પવનોને લીધે હજુ બે-ત્રણ દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હીટવેવ જેવી સ્થિતિ યથાવત રહેશે. ગરમીના આ વધતા પારાને કારણે ખેતી અને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.
(3:18 PM IST)










