<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

રાજકોટમાં સરકારી કચેરીઓ ખાતે હેલ્‍મેટ ડ્રાઇવઃ એક મહિના સુધી ચેકીંગ

હેલ્‍મેટના નિયમોનું પાલન કરાવવા રાજ્‍યભરમાં ડ્રાઇવ ધોમધખતા તાપમાં રાજકોટમાં ડ્રાઇવના પહેલા દિવસે રાહતઃ તબક્કાવાર ડ્રાઇવ યોજાશે-ડીસીપી ટ્રાફિક ડો. હરપાલસિંહ જાડેજા

રાજકોટ તા. ૧: ગુજરાત રાજ્‍યમાં માર્ગ અકસ્‍માતોમાં થતા મૃત્‍યુનુ પ્રમાણ ઘટાડવા અને ટ્રાફિક નિયમોના ચુસ્‍ત અમલીકરણ માટે ગુજરાત પોલીસ દ્વારા આજથી વિશેષ હેલ્‍મેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્‍યું છે. સ્‍ટેટ ટ્રાફિક બ્રાન્‍ચ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ ૧ મે ૨૦૨૬ થી ૩૧ મે ૨૦૨૬ સુધી સમગ્ર રાજ્‍યમાં આ ઝુંબેશ ચલાવવામાં આવશે. રાજકોટમાં ધોમધખતા તાપ વચ્‍ચે જો કે આ ઝુંબેશમાં વાહનચાલકોને રાહત રહી હતી. આ ઝુંબેશ સરકારી કચેરીઓ ખાતેથી જ શરૂ કરવામાં આવે તેવો આદેશ હતો. તે અંતર્ગત રાજકોટમાં પોલીસ કમિશનર કચેરી, કલેક્‍ટર કચેરી, આરએમસી કચેરી ખાતેથી ડ્રાઇવની શરૂઆત કરવામાં આવશે.

રાજ્‍યની તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર ટ્રાફિક પોલીસ તૈનાત કરી કચેરી ખાતે આવતાં તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હેલ્‍મેટ પહેરીને જ પ્રવેશ કરે અને અરજદારો પણ આ નિયમનો પાલન કરે તે માટે કાર્યવાહી કરવાનો આદેશ હોઇ ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગ કરાયું હતું. મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૨૯ મુજબ, દ્વિ-ચક્રી વાહન (મોટર સાયકલ, સ્‍કૂટર વગેરે) ચલાવનાર અને તેની પાછળ બેસનાર એમ બંને વ્‍યક્‍તિઓ માટે હેલ્‍મેટ પહેરવું ફરજિયાત છે. આ ડ્રાઇવ અંતર્ગત સરકારી કર્મચારીઓ તેમજ સામાન્‍ય જનતા સામે નિયમ ભંગ બદલ દંડની કાર્યવાહી કરવામાં આવશે.

અગાઉ સ્‍ટેટ રોડ સેફટી કાઉન્‍સિલની બેઠકમાં સુરત શહેરમાં હેલ્‍મેટના થયેલા સફળ અમલીકરણની નોંધ લેવામાં આવી હતી. તે અંતર્ગત હવે અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરો તેમજ અન્‍ય જિલ્લાઓમાં તબક્કાવાર રીતે હેલ્‍મેટના નિયમોનો ચુસ્‍ત અમલ કરાવવા માટે પોલીસ મહાનિરીક્ષક મકરંદ ચૌહાણ દ્વારા આદેશ કરાયો છે.

રાજકોટના ટ્રાફિક શાખાના ડીસીપી ડો. હરપાલસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે આ ડ્રાઇવ એક મહિનો સુધી ચાલવાની છે. તે અંતર્ગત સરકારી કચેરીઓ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી થશે. જ્‍યાં અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અહિ આવતાં અરજદારોને પણ હેલ્‍મેટ નહિ પહેરેલા હોય તો કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ ડ્રાઇવ દંડ માટે નહિ પણ લોકોની સુરક્ષા માટે છે.

(3:22 PM IST)