તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
રાજકોટ-સૌરાષ્ટ્રના કેન્દ્રીય પેન્શનરો માટે ઐતિહાસિક નિર્ણયઃ વોકહાર્ટ હોસ્પિટલમાં કેશલેસ સારવારને કેન્દ્રની મંજૂરી
સ્થાનિક સાંસદો, કલેક્ટર અને એસોસિએશનની સતત રજૂઆતો રંગ લાવીઃ આગામી સમયમાં અન્ય હોસ્પિટલો પણ જોડાશે : સમગ્ર ગુજરાતમાં રાજકોટને પ્રથમ સ્થાન મળ્યુ; જામનગર, જૂનાગઢ અને પોરબંદરના નિવૃત્ત કર્મચારીઓ પણ આવરી લેવાયાઃ હવે ગંભીર સારવાર માટે અમદાવાદ સુધીના ધક્કા ખાવામાંથી કાયમી મુક્તિ; સૌરાષ્ટ્રના ૧૦હજારથી વધુ પેન્શનરોને સીધો ફાયદો

રાજકોટ : રાજકોટ સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સ એસોસિએશનની સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ (CGHS) ના વેલનેસ સેન્ટર માટેની લાંબા સમયની મહેનત અને રજૂઆતો આખરે રંગ લાવી છે. એસોસિએશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રીને કરાયેલી સતત સચોટ રજૂઆતોના પગલે કેન્દ્ર સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેનાથી સમગ્ર સૌરાષ્ટ્રના હજારો પેન્શનરોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
કેન્દ્ર સરકારના જે પેન્શનરો સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ (CGHS) ના આઈ.ડી. કાર્ડ ધરાવે છે, તેમની કેશલેસ (વિનામૂલ્યે) સારવાર માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજકોટ આ સ્કીમ હેઠળ પહેલું એવું સ્થળ બન્યું છે જ્યાં કેન્દ્ર સરકારના પેન્શનર્સ માટે આ પ્રકારની વિશેષ અને આધુનિક સુવિધા પ્રાપ્ત થઈ છે. આ નિર્ણય માત્ર રાજકોટ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની આસપાસના મહત્વના જિલ્લાઓ જેવા કે જામનગર, જૂનાગઢ અને પોરબંદરમાં રહેતા કેન્દ્રીય પેન્શનરોને પણ આ સુવિધાનો સીધો અને મોટો લાભ મળશે. આ વિસ્તારોના નિવળત્ત કર્મચારીઓ હવે રાજકોટ ખાતે જ આઈ.ડી. કાર્ડ બતાવીને કોઈ પણ રોકડ રકમ ચૂકવ્યા વિના ગુણવત્તાયુક્ત સારવાર મેળવી શકશે. અત્યાર સુધી સૌરાષ્ટ્રના કેન્દ્રીય પેન્શનરોએ ગંભીર કે મોટી બીમારીઓની કેશલેસ સારવાર માટે અમદાવાદ કે અન્ય મોટા શહેરો સુધી લાંબા થવું પડતું હતું. મોટી ઉંમરે આ શારીરિક દોડધામ અને આર્થિક કષ્ટ વડીલો માટે ખૂબ જ અસહ્ય બની જતું હતું. હવે રાજકોટમાં જ વોકહાર્ટ હોસ્પિટલ ખાતે આ સુવિધા શરૂ થતાં પેન્શનરોને અમદાવાદ જવાના લાંબા ધક્કા અને પળોજણમાંથી કાયમી મુક્તિ મળશે, જે તેમના સ્વાસ્થ્ય અને સુવિધા માટે સૌથી ઉત્તમ બાબત સાબિત થશે.
રાજકોટ સેન્ટ્રલ ગર્વમેન્ટ પેન્શનર્સ એસોસીએશન, રાજકોટના આગેવાનોનો જણાવ્યા અનુસાર, આ ઐતિહાસિક નિર્ણયથી રાજકોટ અને સૌરાષ્ટ્રના આશરે ૧૦ હજારથી વધુ નિવળત્ત કર્મચારીઓ અને તેમના આશ્રિત પરિવારોને મોટી આર્થિક રાહત અને નવું જીવનદાન મળશે. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા મંત્રી ડૉ. માંડવીયા, રાજકોટ કલેક્ટર શ્રી ડી. ઓમપ્રકાશ, કસુંબાદેવી, તેમજ બી.એમ.એસ. (ભારતીય મઝદૂર સંઘ)ના નેતાઓનો સહકાર મળ્યો હોવાનું અંતમાં જણાવાયું છે.
તસ્વીરમાં રાજકોટ સેન્ટ્રલ ગર્વમેન્ટ પેન્શનર્સ એસોસીએશન, રાજકોટ પ્રમુખ શ્રી કિશોરસિંહ જાડેજા (મો. ૯૮ર૪૦૮૦૯૮૧), સેક્રેટરી શ્રી બી.જી. ગોસાઇ, ઉપપ્રમુખ શ્રી વી.ડી. પંડયા તથા સભ્યો શ્રી પી.બી. જાડેજા, શ્રી એમ.બી. ધોણીયા અને શ્રી લલીત રાવલ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:17 PM IST)










