<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

‘હિટ એન્‍ડ રન'માં ભીમનગરની ૧૫ વર્ષની તન્‍વી પછી નાની બહેન ૧૦ વર્ષની કાવ્‍યાનું પણ મોત

જામનગર રોડ જલારામ હોટલ પાસે પરમ દિવસે રાતે ઘટના બની હતી : મોટી બહેન અને માતા સાથે જમવા જતી વખતે બંને બહેનના ટુવ્‍હીલરને બસનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો

 

રાજકોટ તા. ૧૪: જામનગર રોડ પર પરમ દિવસે રાતે બનેલી હિટ એન્‍ડ રનની ઘટનામાં નાના મવા ભીમનગરની ૧૫ અને ૧૦ વર્ષની બે બહેનો ટુવ્‍હીલર સહિત ખાનગી બસની ઠોકરે ચડી ગઇ હતી.  ૧૫ વર્ષની બહેનનું ગઇકાલે મૃત્‍યુ થયા બાદ આજે ૧૦ વર્ષની બહેને પણ  દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ નાના મવા ભીમનગરમાં રહેતાં નીશાબેન દિનેશભાઇ વાઘેલા નામના મહિલાના પતિ દિનેશભાઇ હયાત ન હોઇ પોતે પારકા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે રાતે નીશાબેનને સંતાનમાં ત્રણ દિકરીઓ દર્શના (ઉ.વ.૧૮), તન્‍વી (ઉ.વ.૧૫) અને કાવ્‍યા (ઉ.વ.૧૦) છે. નાની દિકરીઓએ ગત રાતે બહાર હોટલમાં જમવા જવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરતાં નીશાબેને હા પાડી હતી. બધાએ જામનગર રોડ પર આવેલી જલારામ હોટલ પાસે જમવા જવાનું નક્કી કર્યુ હતું. આ દરમિયાન નીશાબેન અને મોટી દિકરી દર્શના રિક્ષામાં બેઠા હતાં. જ્‍યારે નાની દિકરી તન્‍વીએ પોતે અને તેનાથી નાની કાવ્‍યા ટુવ્‍હીલર પર આવશે તેવું કહ્યું હતું.

 આ રીતે બધા ભીમનગરથી જામનગર રોડ જલારામ હોટલ નજીક પહોંચ્‍યા હતાં. પણ તન્‍વી અને કાવ્‍યા જે ટુવ્‍હીલર પર હતાં તેને એક ખાનગી બસના ચાલકે ઠોકરે લઇ લેતાં બંને બહેનો વાહન સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. માતા-મોટી બહેન સહિતના લોકો રિક્ષામાં હોઇ તેઓ દોડી આવ્‍યા હતાં. તન્‍વી અને કાવ્‍યા બંનેને ગંભીર ઇજા સાથે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ઇમર્જન્‍સી વોર્ડમાં સારવાર ચાલુ કરવામાં આવી હતી. પરંતુ આજે સવારે મોટી દિકરી તન્‍વી દિનેશભાઇ વાઘેલા (ઉ.વ.૧૫)નું મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. સારવારમાં રહેલી નાની બહેન કાવ્‍યા (ઉ.વ.૧૦)નું પણ આજે મૃત્‍યુ થતાં પરિવાર પર વજ્રઘાત થયો છે.

મૃત્‍યુ પામનાર તન્‍વીએ આ વર્ષે જ ધોરણ-૧૦ની પરિક્ષા આપી હતી. જો કે તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં તેને નાપાસ જાહેર કરવામાં આવી હતી. સારવાર હેઠળ રહેલી કાવ્‍યા ધોરણ-૭માં અભ્‍યાસ કરતી હતી. વાઘેલા પરિવારે બે દિવસમાં બે દિકરી ગુમાવી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

(2:55 PM IST)