<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

લોધીકામાં ‘હિટ એન્‍ડ રન': મિત્રો સાથે નાસ્‍તો લેવા જઇ રહેલા યુવાનનું બોલેરોની ઠોકરે મોત

કંપનીમાં કામ કરતો મુળ બિહારનો ૨૨ વર્ષનો યુવાન માતા-પિતાનો એકનો એક દિકરો હતોઃ બીજા ત્રણ મિત્રો સાથે ચાલીને જતો હતો ત્‍યારે બનાવઃ પરિવારમાં શોકની કાલીમા

 

રાજકોટ તા. ૧૮: લોધીકામાં હિટ એન્‍ડ રનના બનાવમાં મુળ બિહારના યુવાનનું બોલેરો પીકઅપની ઠોકરે ચડી જતાં મોત થયું છે. અકસ્‍માત બાદ આ વાહનનો ચાલક ભાગી ગયો હતો. યુવાન સાંજે કંપનીમાંથી બીજા ત્રણ મિત્રો સાથે ચાલીને નાસ્‍તો લેવા માટે જતો હતો ત્‍યારે બંબાટ ઝડપે નીકળેલી બોલેરોની ઠોકરે ચડી જતાં  આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ લોધીકાના ચીભડા ગામે રહેતો અને કંપનીમાં ઇલેક્‍ટ્રીશીયન તરીકે કામ કરતો અખિલેશકુમાર દુલારભાઇ પંડીત (ઉ.વ.૨૨) સાંજે સાડા સાતેક વાગ્‍યે સ્‍પીડવેલ કંપની નજીક ચાલીને જતો હતો ત્‍યારે એક બોલેરો પીકઅપની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં લોધીકા પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર અખિલેશકુમાર એક બહેનથી નાનો અને અપરિણીત હતો. બિહારમાં રહેતાં માતા-પિતાનો તે એક જ આધાર હતો. તે લોધીકાના ચીભડામાં કુટુંબી  ભાઇ સાથે રહી કંપનીમાં કામ કરતો હતો. સાંજે ત્રણ મિત્રો સાથે કંપનીમાંથી છુટીને નાસ્‍તો લેવા જવા માટે ચાલીને જતો હતો ત્‍યારે અજાણી બોલેરો પીકઅપની ઠોકરે આવી ગયાનું જણાવાયું હતું. પોલીસે આ બોલેરો ચાલક અંગે તપાસ હાથ ધરી છે.

(11:14 AM IST)