<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ધરમ ટોકીઝ પાસે ‘હિટ એન્‍ડ રન': રાજકોટ ગ્રામ્‍યના તાલિમાર્થી પોલીસમેન કેયુરભાઇ રામાણીનું કરૂણ મોત

કુવાડવા રોડ પટેલનગરમાંથી મવડી હેડક્‍વાર્ટર ખાતે જતી વખતે રિક્ષાચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ ચાર માસ પહેલા જ પોલીસમાં ભરતી થઇ હતીઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૮: શહેરમાં હિટ એન્‍ડ રનની વધુ એક ઘટનામાં કુવાડવા રોડ પર રહેતાં પરિવારે આશાસ્‍પદ યુવાન દિકરો ગુમાવી દીધો છે. વહેલી સવારે જુની ધરમ ટોકીઝ-આર વર્લ્‍ડ પાસે રિક્ષાનો ચાલક એક્‍ટીવાને ઉલાળીને ભાગી જતાં એકટીવાચાલક તાલિમાર્થી પોલીસમેન યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થતાં પરિવારજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ કુવાડવા રોડ પર પટેલનગર-૩માં રહેતાં કેયુરભાઇ શૈલેષભાઇ  રામાણી (ઉ.વ.૨૩) નામના પોલીસમેન યુવાન સવારે સાડા પાંચેક વાગ્‍યે એક્‍ટીવા હંકારીને જતાં હતાં ત્‍યારે ધરમ ટોકીઝ પાસે રિક્ષાની ઠોકરે ચડી જતાં એક્‍ટીવા સહિત રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્‍માત સર્જાયા બાદ રિક્ષાચાલક રિક્ષા લઇ ભાગી ગયો હતો. બનાવને પગેલે લોકો ભેગા થઇ જતાં કેયુરભાઇને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં.  જો કે સારવાર બાદ તેનું મૃત્‍યુ થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

વધુ વિગત મુજબ મૃત્‍યુ પામનાર કેયુરભાઇ રામાણી ગ્રામ્‍ય પોલીસમાં ફરજ બજાવતાં હતાં. ચાર મહિના પહેલા જ તેની ભરતી થઇ હોઇ હાલ તાલિમ ચાલી રહી હતી. સવારે સાડા પાંચે તે કુવાડવા રોડના ઘરેથી મવડી હેડક્‍વાર્ટર તાલિમ માટે જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં આ બનાવ બન્‍યો હતો.  હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અકસ્‍માત સર્જી ભાગી ગયેલા રિક્ષાચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મૃત્‍યુ પામનાર કેયુરભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના અને અપરિણીત હતાં. તેના પિતા અને મોટા ભાઇ જ્‍યુબીલી બાગમાં શાકભાજીનો થડો ધરાવે છે. યુવાન આશાસ્‍પદ દિકરાના મૃત્‍યુથી રામાણી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. બનાવની  જાણ થતાં રાજકોટ ગ્રામ્‍ય પોલીસના અધિકારીઓ પણ પોસ્‍ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્‍યા હતાં અને મૃતકના પરિવારજનોને શાંત્‍વના પાઠવી હતી.

(3:08 PM IST)