તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
પડધરીના ખજુરી ડેમ પાસે હિટ એન્ડ રનઃ ખેડુત વૃધ્ધ કરમશીભાઇ પીપળીયાનું મોત, પુત્રીને ઇજા
સાળાને ત્યાં જાયવા ગામે પુરૂષોત્તમ માસના જમણવારમાં હાજરી આપી પરત આવતાં હતાં ત્યારે કારનો ચાલક બાઇકને ઉલાળીને ભાગ્યોઃ રાજકોટ સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૪: પડધરીના ખજુરી ડેમ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં પડધરીના ખોડાપીપર ગામના ૮૦ વર્ષના વૃધ્ધનું મોત થયું છે. જ્યારે તેમના દિકરીને ઇજા થઇ છે. જાયવા ગામે સાળાને ત્યાં પુરૂષોત્તમ માસ નિમીતે જમણવાર રખાયો હોઇ ત્યાંથી પરત આવતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો. અજાણ્યો વાહનચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ ખોડાપીપર ગામે રહેતાં કરમશીભાઇ વાઘજીભાઇ પીપળીયા (ઉ.વ.૮૦) ગઇકાલે પોતાના બાઇકમાં દિકરી પ્રભાબેન કરમશીભાઇ પીપળીયા (ઉ.વ.૪૦)ને બેસાડીને જાયવા ગામે સાળા ભગવાનજીભાઇને ત્યાં પુરૂષોત્તમ માસ નિમીતે જમણવાર હોઇ ત્યાં ગયા હતાં. સાંજે છએક વાગ્યે ત્યાંથી પિતા-પુત્રી પર ખોડાપીપર આવી રહ્યા હતાં ત્યારે ખજુરી ડેમ પાસે અજાણ્યો કારચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં પિતા-પુત્રી ફંગોળાઇ ગયા હતાં.
જેમાં દિકરી પ્રભાબેનનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. પિતા કરમશીભાઇને ગંભીર ઇજાઓ થતાં પડધરી સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. અહિ સવારે મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે બહેન અને ત્રણ ભાઇમાં બીજા હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે દિકાર અને ત્રણ દિકરી છે. પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:29 PM IST)










