તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
ક્રેટામાં ચોરખાનુ બનાવી ૩.૬૭ લાખનો સ્કોચ-વ્હીસ્કીની બોટલો ભરી લાવેલો હિતેષ પકડાયો
કુવાડવા પાસે ડીસીબીના એએસઆઇ અનિલભાઇ સોનારા, રાજશેભાઇ ચાવડાની બાતમીથી કનકસિંહ સોલંકી, હરપાલસિંહ જાડેજા, ગીરીરાજસિંહ જાડેજા સહિતની ટીમે કુલ ૧૩.૭૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો અગાઉ પીપલોદમાં પકડાયો હતોઃ રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૭: શહેર ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમે રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા જીઆઇડીસી પાસે વોચ ગોઠવીને એક સફેદ કલરની હ્યુન્ડાઈ ક્રેટા કારને આંતરી હતી. કારની ડ્રાઇવિંગ સીટ અને બાજુની સીટની નીચે બનાવેલા ખાસ ચોર ખાનામાંથી પોલીસે રૂા. ૩,૬૭,૪૪૦ની કિંમતના વ્હીસ્કી, સ્કોચની ૧૨૦ બોટલો છુપાવેલી મળી આવતાં કાર ચાલક નાગેશ્વરના શખ્સને પકડી લઇ કુલ ૧૩,૭૭,૪૪૦નો મુદ્દામાલ કબજે કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ અનિલભાઇ સોનારા અને કોન્સ. રાજેશભાઇ ચાવડાને બાતમી મળતાં કુવાડવા પાસે વોચ રાખી હતી. એ દરમિયાન ચોટીલા તરફથી જીજે૧૮ઇજી- ૬૬૧ ૮ નંબની કાર રાજકોટ તરફ આવતી હોઇ તેને આંતરી લીધી હતી. કાર ચલાવી રહેલા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ હિતેશ સવદાસભાઈ મોઢવાડીયા (ઉ.વ. ૨૫, ધંધો વેપાર, રહે. ફ્લેટ નં. ૩૦૨, ત્રીજો માળ, શ્રી શંખેશ્વર એપાર્ટમેન્ટ-૨, શેરી નં. ૫, નાગેશ્વર સોસાયટી, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું.
બાદમાં પોલીસે કારની તલાશી લેતા ડ્રાઇવિંગ સીટ અને તેની બાજુની સીટની નીચે લોખંડની પ્લેટ બેસાડીને બનાવેલુ ચોરખાનુ મળી આવ્યું હતું. આ ખાનું ખોલતા જ તેમાંથી મોંઘી બ્રાન્ડની વિદેશી સ્કોચ વ્હીસ્કીની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રેડલેબલ વ્હીસ્કીની રૂા. ૨,૫૬,૨૦૦ની ૮૪ બોટલો, રૂા. ૧,૧૧,૨૪૦ની બેલેન્ટાઇન સ્કોચની ૩૬ બોટલો, દસ લાખની કાર, દસ હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૧૩,૭૭,૪૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક પુછતાછમાં આ શખ્સે જણાવ્યું હતું કે ફર્નિચરને લગતા કામ કરે છે. અગાઉ પીપલોદમાં દારૂ સાથે પકડાઇ જતાં આ ધંધો બંધ કરી દીધો હતો. હાલમાં પૈસાની ખેંચ ઉભી થતાં વેંચવા માટે તે આ જથ્થો હરીયાણા તરફથી લાવ્યો હતો. જો કે સાચી હકિકત ઓકાવવા તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા અને પીઆઇની સુચના અંતર્ગત અનિલભાઇ સોનારા, કનકસિંહ સોલંકી, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ ચાવડાએ આ કામગીરી કરી હતી
(2:23 PM IST)










