તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
નાના મવા વિસ્તારમાં કૃષ્ણસિંહ જાડેજાની હત્યા કેસમાં ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય : જાણીતા વકીલ અનિલભાઈ દેસાઈની સ્પેશ્યલ પીપી તરીકે નિમણુંક
સમગ્ર કેસમાં આરોપીઓ કાયદાની છટકબારીનો ઉપયોગ ન કરી શકે અને પીડિત પક્ષને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે આ ખાસ નિમણૂંક કરી

રાજકોટ; નાના મવા વિસ્તારમાં ગત 9 જુલાઈના રોજ ગીરાસદાર યુવાન કૃષ્ણસિંહ જાડેજાની કરવામાં આવેલી ઘાતકી હત્યાના કેસમાં હવે કાયદાકીય ગતિવિધિઓ તેજ બની છે. આ અત્યંત સંવેદનશીલ અને ચકચારી હત્યાકાંડમાં આરોપીઓને કડક સજા અપાવવા માટે રાજ્યના ગૃહ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, જાણીતા વકીલ અનિલભાઈ દેસાઈની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂંક કરી છે. આ અંગેનો સત્તાવાર આદેશ જાહેર થતા જ કાયદાકીય વર્તુળોમાં આ નિમણૂંકની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ગત 9 જુલાઈએ રાજકોટના નાના મવા ગામે ગીરાસદાર કૃષ્ણસિંહ જાડેજાની હિસ્ટ્રીશીટર રણજીત વાળા અને તેના પુત્રો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ એટલો ક્રૂર હતો કે તેના ઘેરા પ્રત્યાઘાત માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં જોવા મળ્યા હતા. કૃષ્ણસિંહ જાડેજાની હત્યા બાદ ક્ષત્રિય સમાજ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આરોપીઓને ફાંસીની સજા થાય તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો પણ ખડા કર્યા હતા.
આ સમગ્ર કેસમાં આરોપીઓ કાયદાની છટકબારીનો ઉપયોગ ન કરી શકે અને પીડિત પક્ષને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે આ ખાસ નિમણૂંક કરી છે. અનિલભાઈ દેસાઈ એક અનુભવી વકીલ તરીકે આ કેસની તમામ કાનૂની પાસાઓની તપાસ કરશે અને કોર્ટમાં મજબૂત પક્ષ રજૂ કરશે. ગૃહ વિભાગના આદેશ મુજબ, અનિલભાઈ દેસાઈ હવે આ કેસમાં સરકાર વતી તમામ કાયદાકીય કાર્યવાહી સંભાળશે.
આ નિમણૂંકથી આશા સેવાઈ રહી છે કે હત્યાકાંડના મુખ્ય આરોપીઓ રણજીત વાળા અને તેના પુત્રો વિરુદ્ધ પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓને કોર્ટ સમક્ષ વધુ અસરકારક રીતે રજૂ કરી શકાશે. સૌરાષ્ટ્રની જનતાની નજર હવે આ કેસમાં આવનારી કોર્ટની સુનાવણી પર ટકેલી છે.
(12:32 AM IST)










