<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

કોર્પોરેટરોને દર મહિને રૂ.૧૫ હજારનું માનદ વેતન-ભથ્‍થું : વિકાસ કામો માટે વાર્ષિક રૂ.૨૦ લાખની ગ્રાન્‍ટ

૨૫૦૦ મોબાઇલ, સ્‍ટેશનરી ભથ્‍થુ મળવાપાત્ર : ત્રણ મુખ્‍ય પદાધિકારીઓને વધારાની ૧૮ લાખની ગ્રાન્‍ટ આપવામાં આવે છે

રાજકોટ,તા.૧: મહાનગરપાલિકામાં ચૂંટાયેલા કોર્પોરેટરોને દર મહિને માનદ વેતન તેમજ વિવિધ ભથ્‍થાં મળતા હોય છે. કોર્પોરેટરોને રૂ.૧૨ હજાર માનદ વેતન આપવામાં આવે છે. આ ઉપરાંત કામગીરી દરમિયાન થતી ખર્ચની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને રૂ.૧૫૦૦ સ્‍ટેશનરી ભથ્‍થું અને રૂ.૧૦૦૦ મોબાઇલ ભથ્‍થું આપવામાં આવે છે. મ્‍યુનિસિપલ કોર્પોરેશનની મિટિંગોમાં હાજરી આપવા બદલ પ્રતિ મિટિંગ રૂ.૫૦૦ ભથ્‍થું પણ આપવામાં આવે છે. આમ તમામ ભથ્‍થાં અને માનદ વેતન મળીને કોર્પોરેટરોને સરેરાશ દર મહિને લગભગ રૂ.૧૫ હજાર જેટલી રકમ મળે છે.

વેતન અને ભથ્‍થા સિવાય કોર્પોરેટરોને પોતાના વોર્ડમાં વિકાસ કામો માટે દર વર્ષે રૂ.૨૦ લાખની ગ્રાન્‍ટ ફાળવવામાં આવે છે. આ ગ્રાન્‍ટનો ઉપયોગ રસ્‍તા, પાણી, સફાઈ, લાઈટ સહિતના સ્‍થાનિક વિકાસના કામો માટે કરવામાં આવે છે, જેથી વોર્ડના રહેવાસીઓને જરૂરી સુવિધાઓ મળી રહે.

જ્‍યારે શહેરના મેયર, ડેપ્‍યુટી મેયર અને સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેનને પણ વિકાસ કામો માટે અલગથી રૂ.૧૮ લાખની ગ્રાન્‍ટ આપવામાં આવે છે. આ ગ્રાન્‍ટનો ઉપયોગ શહેરના વિવિધ વિસ્‍તારોમાં જરૂરી કામો માટે કરવામાં આવે છે. મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળતા વેતન, ભથ્‍થા અને ગ્રાન્‍ટથી તેઓ પોતાના વિસ્‍તારમાં વિકાસ કાર્યો આગળ વધારી શકે છે.

(3:40 PM IST)