તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
વ્યાજખોરીમાં ફસાતાં દંપતિનો કારખાનામાં આપઘાત
સ્વામિનારાયણ ચોક કૃષ્ણનગરમાં રહેતાં કોળી રમેશભાઇ ચાવડા અને ભારતીબેન ચાવડા અટીકાના પોતાના લસણના કારખાનામાં લટકી ગયા : મોરબી તરફના શખ્સ પાસેથી ૪ લાખ વ્યાજે લીધા હતાઃ ૪ લાખનું રોજનું ૪૨ હજાર વ્યાજ ચુકવવાનું હતું: રકમ ચડીને ૮ લાખ થઇ હતી, આજે ૨૬મીએ ૮ લાખ ન ચુકવે તો રોજના ૭૦ હજાર ચુકવવાના હતાં: રમેશભાઇ બે બહેનના એક જ ભાઇ, વૃધ્ધ માતા-પિતાનો આધારસ્તંભ હતાં

વ્યાજખોરીમાં ફસાતા સજોડે ગળાફાંસો ખાઇ લેનારા રમેશભાઇ મનજીભાઇ ચાવડા અને તેમના પત્નિ ભાવનાબેનનો નિષ્પ્રાણ દેહ તથા ફાઇલ ફોટો (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૬: શહેરમાં વ્યાજખોરીને કારણે વધુ એક પરિવારનો માળો વેરણછેરણ થઇ ગયો છે. પીડીએમ કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક કૃષ્ણનગરમાં રહેતાં અને અટીકામાં લસણ ફોલવાનું કારખાનુ ચલાવતાં કોળી યુવાને રાતે પોતાના પત્નિ સાથે ઘરેથી નીકળી ગયા બાદ કારખાનામાં જઇ એક જ ચૂંદડીમાં બંનેએ લટકી જઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પરિવારજનોના કહેવા મુજબ ધંધા માટે આ યુવાને મોરબીના કોઇ શખ્સ પાસેથી ત્રણેક મહિના પહેલા રૂા. ૪ લાખ વ્યાજે લીધા હતાં. જેનું રોજનું રૂપિયા ૪૩ હજારથી ૫૦ હજાર વ્યાજ ચુકવવાનું હતું. પણ ૪ લાખના ૮ લાખ થઇ જતાં આજે ૨૬મીએ આ પુરેપુરી રકમ ન ચુકવે તો રોજના ૭૦ હજાર વસુલવાના હતાં. આને કારણે ટેન્શનમાં આવી જઇ બંનેએ જીવ આપી દીધાનું સગાએ કહેતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
શહેરભરમાં અરેરાટી ઉપજાવી દેનારી અને કાળજા કંપાવી દેનારી આ ઘટનાની જાણવા મળ્યા મુજબ સ્વામિનારાયણ ચોક કૃષ્ણનગર-૧૨માં રહેતાં રમેશભાઇ માવજીભાઇ ચાવડા-કોળી (ઉ.વ.૪૦) અને તેમના પત્નિ ભારતીબેન રમેશભાઇ ચાવડા (ઉ.વ.૪૦)એ રાતે અટીકા ફાટકથી આગળ આવેલી દેવકીવાળી શેરીમાં પોતાના લસણના કારખાને જઇ લોખંડની આડીમાં ચુંદડી બાંધી બંનેએ એકસાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ ૧૦૮ના ઇએમટી ઉર્વિશાબેને કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ વી. એ. પરમારે ભક્તિનગર
પોલીસને જાણ કરી હતી. આ કરૂણ ઘટનાને પગલે એએસઆઇ શૈલેષભાઇ નાગજીભાઇ સહિતનાએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનારા રમેશભાઇ ચાવડા બે બહેનના એકના એક વચેટ ભાઇ હતાં. તેમને સંતાનમાં ૧૫ વર્ષનો દિકરો જય છે. રમેશભાઇ તેમના પત્નિ ભારતીબેન, દિકરો, માતા મંજુલાબેન, પિતા માવજીભાઇ કાનજીભાઇ ચાવડા સહિતના પરિવારજનો સાથે રહેતાં હતાં.
રમેશભાઇને અટીકામાં લસણ ફોલવાનું કારખાનુ છે. જેમાં તેમના પત્નિ ભારતીબેન પણ તેની સાથે બેસી આ કારખાનુ સંભાળતા હતાં. ધંધાના વિકાસ માટે આ દંપતિએ ત્રણેક મહિના પહેલા મોરબી તરફના ગોબરભાઇ તરીકે ઓળખાતા અને અટીમાં આવ જા કરતાં કોઇ શખ્સ પાસેથી ચાર લાખ રૂપિયા મસમોટા વ્યાજે લીધા હતાં. સગાના કહેવા મુજબ આ રકમ સામે દંપતિને દરરોજે ૪૨ હજારથી ૫૦ હજારની રકમ વ્યાજ પેટે ચુકવવાની હતી. ધધો સારો હાલતો હોઇ શરૂઆતમાં દંપતિએ વ્યાજ ચુકવ્યું હતું. પરંતુ હાલમાં ૪ લાખનું ચડત વ્યાજ કરીને ૮ લાખે પહોંચાડી દેવામાં આવ્યું હતું.
આ પછી વ્યાજે આપનારાએ ૨૬મીએ એટલે કે સોમવારે પુરેપુરા ૮ લાખ ચુકવી દેવા કહ્યું હતું. તેમજ જો આજે રકમ ન ચુકવે તો દરરોજ ૭૦ હજાર પોતે વસુલ કરશે તેવી ધમકી આપી હતી. આ કારણે દંપતિ ખુબ ચિંતામાં મુકાઇ ગયું હતું અને રાતે ઘરેથી નીકળી કારખાને જઇ આપઘાત કરી લીધો હતો. ઘરેથી મોડી રાતે બંને નિકળ્યા હોઇ વૃધ્ધ પિતા માવજીભાઇ ચાવડાને શંકા ઉપજતાં તેણે પોતાના ભાઇના દિકરા લક્ષ્મીદાસને બોલાવી તપાસ કરવાનું કહેતાં બાદમાં બંને અટીકાના કારખાને પહોંચતાં આ ઘટનાની જાણ થઇ હતી. ભક્તિનગર પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વ્યાજે આપનાર શખ્સ કોણ છે? ખરેખર કેટલી રકમ હતી? કેટલુ વ્યાજ ચુકવવાનું હતું? તેની વિગતો હવે પછી બહાર આવશે. આ બનાવથી ચાવડા પરિવારમાં કલ્પાંત સર્જાયો છ.ે
પંદર વર્ષનો દિકરો માતા-પિતા વિહોણો થયોઃ વૃધ્ધ માતા-પિતાએ દિકરો, વહૂ ગુમાવ્યાઃ પરિવારનો માળો વેરણછેરણ
* રમેશભાઇ ચાવડા અને ભારતીબેન ચાવડાના સજોડે આપઘાતને પગલે તેમનો ૧૫ વર્ષનો દિકરો જય માતા-પિતા વિહોણો થઇ ગયો છે. એક સાથે મા-બાપ બંનેને છત્રછાંયા છીનવાઇ જતાં જય ઉંડા આઘાતમાં ગરક થઇ ગયો છે. તો બીજી તરફ વૃધ્ધ માતા-પિતા માવજીભાઇ ચાવડા અને મંજુલાબેન ચાવડાએ દિકરા-વહૂને એક સાથે ગુમાવી દેતાં પરિવારનો હર્યોભર્યો માળો વેરણછેરણ થઇ ગયો છે.
દંપતિએ ૪ લાખ રૂપિયા લીધા'તા, તેની સામે ૨૧ લાખ ચુકવી દીધા હતાં
*ધર્મપત્નિ સાથે આપઘાત કરી લેનારા રમેશભાઇ ચાવડાના કુટુંબી ભાઇ લક્ષ્મીદાસભાઇએ કહ્યું હતું કે મારા ભાઇ-ભાભીએ ધંધાને વિકાસવવા માટે વ્યાજે નાણા લીધા હતાં. ચાર લાખ સામે એકવીસ લાખ જેવી રકમ ચુકવી દીધી હતી. પરંતુ આજે સોમવારે ૨૬મીએ જો એક સાથે ૮ લાખ ન ચુકવે તો રોજના ૭૦ હજાર વ્યાજ વસુલવામાં આવશે તેવી ધમકી અપાઇ હોઇ જેના કારણે ટેન્શનમાં આવી જઇ તેઓ આ પગલુ ભરી લેવા મજબૂર થયા છે. (૧૪.૯)
વ્યાજખોરો સામે સતત આકરી કાર્યવાહી છતાં દુષણ અટકતું નથી
*શહેર અને જીલ્લાની પોલીસ વ્યાજખોરો સામે સતત કડક કાર્યવાહી કરી રહી છે. આમ છતાં વ્યાજખોરીનું દુષણ અટકતું નથી એ પણ નરવી વાસ્તવીકતા છે. ચાર લાખ સામે એકવીસ લાખ લઇ લીધા પછી પણ વધુ આઠ લાખ માંગી અને ન આપે તો રોજના સિત્તેર હજાર આપી દંપતિને મોતનો રસ્તો અપનાવવા મજબૂર કરનાર સામે કડક કાર્યવાહી થાય અને મૃતકોના પરિવારને ન્યાય મળે તેવી દાખલારૂપ કાર્યવાહી પોલીસ કરે તેવી માંગણી કુટુંબીજનો, સગાસંબંધીઓએ કરી હતી.
વ્યાજખોર સામે આકરી કાર્યવાહીની તજવીજ
* દંપતિને આપઘાત કરવા માટે મજબૂર કરનાર જે કોઇ પણ જવાબદાર હશે તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. હાલ પરિવારજનો અંતિમવિધીમાં હોઇ બાદમાં વિશેષ નિવેદન નોંધી કાર્યવાહી કરવામાં આવશે. દંપતિના મોબાઇલની કોલ ડિટેઇલ તેમજ તેમણે કેટલા રૂપિયા લીધા, કેટલા ચુકવ્યા તે સહિતની વિગતો એકઠી કરી પોલીસ આકરી કાર્યવાહી કરશે તેમ જાણવા મળ્યું છે. (૧૪.૯)
(2:58 PM IST)










