News of Wednesday, 18th November 2026
ગૃહિણી જીજ્ઞાબેનનો ફોન હેક કરી ઓટો અપડેટમાં મુકી ગઠીયાઓએ ૧૦ ટ્રાન્જેક્શનથી ૨.૩૬ લાખ ઉપાડી લીધા
અટીકા લાલપાર્કમાં રહેતાં ગૃહિણીનો ફોન હેક થઇ ઓટો અપડેટમાં જતો રહેતો હોઇ મોબાઇલ સ્ટોરમાં રીપેર કરાવવા ગયાઃ પણ ફોન બરાબર હોવાનું કહેવાયું: એક હજારની ખરીદી કરી ફોનપેથી નાણા ચુકવ્યા ત્યારે માત્ર ૩ હજાર બેલેન્સ હોવાની ખબર પડીઃ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૮: સાયબર ફ્રોડની સતત વધી ગયેલી ઘટનાઓ વચ્ચે રાજકોટ શહેરમાં વધુ એક આવો બનાવ પોલીસ ચોપડે ચડયો છે. અટીકા વિસ્તારના લાલપાર્કમાં રહેતાં ગૃહિણીનો મોબાઇલ ફોન હેંગ કરી ઓટો અપડેટમાં મુકી ફોન પે એપ મારફત સાયબર ગઠીયાઓએ કટકે કટકે ૧૦ ટ્રાન્જેકશન મારફત રૂા. ૨,૩૬,૦૦૦ ઉપાડી લેીધા હતાં. ગૃહિણી બ્યુટી શોપ ખાતે ખરીદી કરવા ગયા અને ફોનપેથી ૧૦૦૦નું પેમેન્ટ કર્યુ ત્યારે બેલેન્સ ચેક કરતાં માત્ર ૩૦૦૦ રૂપિયા જ બતાવતું હોઇ બેંકે જઇ તપાસ કરાવતાં સાબયર ફ્રોડ થયાની ખબર પડી હતી. ચાર દિવસ સુધી ગઠીયાઓએ ફોન હેક કરી ઓટો અપડેટમાં મુકી આ ઠગાઇ કરી હતી.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે અટીકા આહિર ચોક લાલપાર્ક સોસાયટી-૧ સોનાલી પાનવાળી શેરીમાં રહેતાં જીજ્ઞાબેન હિરેનભાઇ ગોપાલભાઇ ઉમરાણીયા (ઉ.વ.૪૦) નામના ગૃહિણીની ફરિયાદ પરથી અલગ અલગ બેંકના ખાતેદારો અને ગુનાહિત કાવત્રામાં સામેલ અજાણ્યા શખ્સો સામે રૂા. ૨,૩૬,૦૦૦ની છેતરપીંડીનો ગુનો નોંધ્યો છે.
જીજ્ઞાબેન પરિવાર સાથે રહે છે. તેમના પતિને ટ્રકની બોડીકામનું ગેરેજ છે. તેણીએ જણાવ્યું છે કે મારું બેંક એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે. તા. ૨૪/૧ના રોજ હું ઘરે હતી ત્યારે મારી પાસેના સેમસંગ ગેલેક્સી એફ-૫૪ ફાઇવ જી મોબાઇલમાં કોઇ ટેકનીકલ ખામી આવી ગઇ હોય તેમ મને જણાયું હતું. આ ફોન એકાએક હેંગ થઇ જતો હતો અને અપડેટ થવા માંડતો હોઇ હું તુરત જ સરદારનગર રોડના સ્ટોરમાં મોબાઇલમાં આ મોબાઇલ રીપેર કરાવવા માટે ગઇ હતી. ત્યાં ચેક કરીને મને કહેવાયું હતું કે તમારો ફોન ચાલુ જ છે અને તેમાં કોઇ જ પ્રોબ્લેમ નથી. આથી મેં ફોન રિપેર કરાવ્યો નહોતો.
આ પછી પણ મારો ફોન હેંગ થઇ જતો હતો અને ઘણીવાર ઓટોમેટીક ચાલુ થઇ જતો હતો અને અપેડેટનું ઓપ્શન આવી જતું હતું. આ પછી ૨૭/૧૦ના રોજ બપોરે સાડા બારેક વાગ્યે હું સહકાર રોડ પર ચામુંડા બ્યુટી શોપ નામની દુકાને ખરીદી કરવા ગઇ હતી. જ્યાં મારે ૧૦૦૦નું પેમેન્ટ કરવાનું હોઇ મેં મારા ફોન પે દ્વારા ઓનલાઇન પેમેન્ટ કર્યુ હતું. આ વખતે મેં બેલેન્સ ચેક કરતાં માત્ર રૂા. ૩ હજાર બતાવ્યુ હતું. હકિતે મારા ખાતામાં કુલ રૂા. ૨,૩૭,૧૬૨ રૂપિયા હતાં. આથી હું તુરંત એસબીઆઇની વાણીયાવાડી જલારામ ચોકની બ્રાંચ ખાતે ગઇ હતી. જ્યાં તપાસ કરાવતાં ખબર પડી હતી કે તા. ૨૪/૧૦થી લઇ ૨૭/૧૦ સુધીમાં મારા બેંક ખાતામાંથી અલગ અલગ ૧૦ ટ્રાન્જેક્શન થયા છે અને તેમાંથી કટકે કટકે ૨,૩૬,૦૦૦ ઉપડી ગયા છે.
પહેલા ટ્રાન્જેક્શનમાં ૨૭ હજાર, બીજામાં ૩૦ હજાર, ત્રીજામાં ૩૯ હજાર, ચોથામાં ૧૦ હજાર, પાંચમામાં ૩૦ હજાર, છઠ્ઠામાં ૨૯ હજાર, સાતમામાં ૧૫ હજાર, આઠમામાં ૧૬ હજાર, નવમા ટ્રાન્જેકશનમાં ૨૦ હજાર અને દસમા ટ્રાન્જેકશનમાં ૨૦ હજાર રૂપિયા ઉપડી ગયાની ખબર પડી હતી. બેંક સ્ટેટમેન્ટ કઢાવતાં ફ્રોડ થયાની અને આ રૂપીયા અન્ય ખાતાઓમાં જતાં રહ્યાની જાણ થઇ હતી. ફ્રોડની ખબર પડતાં ૧૯૩૦માં ફરિયાદ કરી હતી. આ પછી મેં ફોન હેંગ થતો હોઇ ચાલતો ન હોઇ સ્ટોરમાં જઇ ફોનમાં ફોરમેટ કરાવ્યું હતું. એ પછી ફોન બરાબર ચાલવા માંડયો હતો. મારો ફોન હેક કરી સાયબર ઠગોએ ફોન પે દ્વારા અલગ અલગ ખાતાઓમાં મારા ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. તેમ વધુમાં જીજ્ઞાબેને જણાવતાં પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં એએસઆઇ એચ. કે. માવદીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:16 PM IST)










