તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
સીવીલ હોસ્પિટલે નકારેલા મેડીકલ સર્ટીફીકેટ ખાનગી હોસ્પિટલો કઇ રીતે પ્રમાણિત કરી શકે
સફાઇ કામદારોના સ્વૈચ્છિક રાજીનામા મંજુર કરવા માટે રકમ વસુલીને કૌભાંડ આચરાતુ હોવાનો રાજકોટ કામદાર યુનિયનનો આક્ષેપ

રાજકોટ તા. ૨૫ : મહાનગરપાલીકા દ્વારા સફાઇ કામદારોને સ્વૈચ્છિક રાજીનામા (વારસદાર નીતિથી) સ્વીકારવામાં આવે છે તેમાં વધુ એક બોગસ મેડીકલ સર્ટીફીકેટનું કૌભાંડ આચરવામાં આવી રહ્યાનો રાજકોટ કામદાર યુનિયને આક્ષેપ કર્યો છે. વિગતો વર્ણવતા કામદાર યુનિયનના આગેવાનોએ જણાવ્યુ હતુ કે સીવીલ હોસ્પિટલે નકારેલા મેડીકલ સર્ટીફીકેટ કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા રૂ.પ હજાર જેવી રકમ વસુલીને કાઢી અપાતા હોવાનું બહાર આવ્યુ છે. જેમાં મહાનગરપાલીકાના અમુક જવાબદાર અધિકારીઓની સાંઠગાંઠ અને ભાજપના બેનરનો પણ દુરઉપયોગ થતો હોવાનું જણાઇ રહ્યુ છે. અમુક આગેવાનો કહે એટલે ખાનગી હોસ્પિટલો આવા બોગસ સર્ટીફીકેટ ઓકે કરી આપે છે. આ બાબતે ઉંડી તપાસની જરૂર છે. તેમજ કાયમી સફાઇ કામદારોના સ્વૈચ્છિક રાજીનામા માટે માત્રને માત્ર સરકારી હોસ્પિટલના મેડીકલ સર્ટીફીકેટ જ માન્ય રાખવાની જોગવાઇ હોવી જોઇએ. તેમજ રાજકોટ મહાપાલીકાના જે અધિકારીની તેમા સંડોવણી હોય તેમની સામે કડક પગલા ભરવાની પણ કામદાર યુનિયને માંગણી ઉઠાવી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાયમી સફાઇ કામદારોના સ્વૈચ્છિક રાજીનામા મંજુર થયેલા તમામ નામો કેન્સલ કરવામાં આવે તેવી પણ કામદાર યુનિયને રજુઆત કરી છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ ભરતભાઇ બેડીયા (મો.૯૪૦૮૧ ૮૬૦૧૮) અને સાથી સભ્યો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:32 PM IST)










