તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
પેટ્રોલ-ડીઝલની અછત સામે ‘હ્યુમન રાઇટ્સ ફેડરેશન' આક્રમક : કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીને આવેદન

રાજકોટ, તા. રર : દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રવર્તી રહેલી પેટ્રોલ અને ડીઝલની ગંભીર અછત અને તેના લીધે સામાન્ય જનતાને ભોગવવી પડતી અસહ્ય હાલાકી મુદ્દે ‘હ્યુમન રાઈટ્સ ફેડરેશન ઇન્ક.' અને ‘ફેડરલ ઇન્ટેલિજન્સ બ્યુરો ઇન્ક.' મેદાને આવ્યા છે. સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રમુખ શ્રી મહેન્દ્ર અયાલાની દ્વારા આજે ભારતના કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીશ્રી હરદીપ સિંહ પુરીને એક અત્યંત મજબૂત અને સત્તાવાર આવેદન પત્ર ઈમેલ દ્વારા પાઠવીને જનતા વતી ઉગ્ર માંગણીઓ કરવામાં આવી છે.
આવેદન પત્રમાં મહેન્દ્ર અયાલાનીએ જણાવ્યું હતું કે, ‘‘પેટ્રોલ પંપો પર કિલોમીટરો લાંબી લાઈનોમાં ઊભા રહેવા છતાં દેશના સામાન્ય નાગરિકો, નોકરીયાતો અને ખેડૂતોને ઈંધણ નથી મળી રહ્યું. આ વહીવટી નિષ્ફળતાના કારણે લોકોની આજીવિકા જોખમાઈ છે અને આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. લોકશાહીમાં પ્રજાની આવી પરેશાનીને નજરઅંદાજ કરી શકાય નહીં.''
દેશના તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આગામી ૪૮ કલાકની અંદર પેટ્રોલ-ડીઝલનો પુરવઠો યુદ્ધના ધોરણે પૂર્વવત કરવામાં આવે. તેમજ કટોકટીના સમયે ઈંધણની કાળાબજારી અને સંગ્રહખોરી કરનારા તત્વો સામે કડક કાનૂની પગલાં ભરવા માટે સરકારી સ્તરે તાત્કાલિક કન્ટ્રોલ રૂમ શરૂ થાય. તેવી આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે.
જો આગામી દિવસોમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી જનતાને તાત્કાલિક રાહત આપવામાં નહીં આવે, તો સંસ્થા લાખો સભ્યો અને જનતાને સાથે રાખીને દેશવ્યાપી આંદોલન છેડશે. જે અંતર્ગત તમામ પેટ્રોલ અને ડીઝલ સંચાલિત વાહનોનો સંપૂર્ણ બહિષ્કાર કરવા આવેદનપત્રના અંતમાં હ્યુમન રાઇટસ ફેડરેશન દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
(2:19 PM IST)










