તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 29th April 2026
થોરાળા પોલીસની માનવતાઃ પરિવારથી વિખૂટા પડેલા બાળકનું ગણતરીના સમયમાં પુનઃ મિલન
પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં એએસઆઇ ઘેલુભાઇ શિયાર અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૯: શહેર પોલીસની સંવેદનશીલતા અને ત્વરિત કામગીરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનની ટીમે પરિવારથી વિખૂટા પડેલા એક માસૂમ બાળકને શોધી કાઢી, ગણતરીના સમયમાં તેના વાલીને સોંપી પોલીસની ‘સેવા, સુરક્ષા અને શાંતિ'ની નેમ સાર્થક કરી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક દ્વારા શહેરમાં બાળકો, મહિલાઓ અને વળદ્ધો પ્રત્યે વિશેષ સંવેદનશીલતા દાખવી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના અનુસંધાને ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ અને એસીપી પુર્વ બી.વી. જાધવના માર્ગદર્શન હેઠળ થોરાળા પોલીસે ત્વરિત એક્શન લીધા હતા. એક પરિવાર પોતાનું બાળક વિખૂટું પડી ગયું હોવાની રજૂઆત સાથે થોરાળા પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું. પરિવારની ચિંતા સમજીને પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. સોઢાની સૂચના મુજબ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીમાં એએસઆઇ ઘેલુભાઇ શિયાળ, હેડકોન્સ. જયદીપસિંહ જાડેજા, હેડકોન્સ. નિલેશભાઇ જાગાણી, કોન્સ. હરદિપસિંહ ઝાલા સહિતના જોડાયા હતાં. પોલીસની આ સતર્ક ટીમે ગણતરીના સમયમાં જ બાળકને હેમખેમ શોધી કાઢયું હતું. બાળકને જોઈને પરિવારની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને તેઓએ રાજકોટ પોલીસનો હૃદયપુર્વક આભાર માન્યો હતો.
(2:58 PM IST)










